લો, ગઈકાલથી ગુજરાતના નાગરિકોની જિંદગીઓ બચાવવાની ઝૂંબેશ ચાલુ થઈ ગઈ !
સરકાર કંઈ અહીંથી અટકવાની નથી. જતે દહાડે દરેક નાગરિકે કંઈ જાતજાતના પુરાવા સાથે રાખવા પડશે ! જેમકે....
***
લાઈફ ઇન્શ્યોરન્સ
ફક્ત વાહનોના વીમાથી શું વળે ? હવેથી દરેક નાગરિકે જન્મતાંની સાથે જીવનવીમો લેવાનો રહેશે. એટલું જ નહિ, બાબલો કે બેબલી નિશાળે જાય તો તેના ગળામાં વીમાનાં પેપર્સ લટકતાં રાખવાં પડશે.
***
ફાયર-સેફ્ટી સર્ટિફીકેટ
તમારા ઘરમાં આગ ફાટી નીકળે તો ? શું ઘરમાં ફાયર-એક્સ્ટીંગ્વીશર રાખ્યું છે ? રેતીની ડોલ ભરીને રાખી છે ? ઇમરજન્સી એક્ઝિટનો દરવાજો બનાવ્યો છે ?
(આ તમામ ચેકીંગ દર વરસે કરાવવા માટે તમારે તમારું ઘર ‘સાથે લઈને’ ફાયર સ્ટેશને જવું પડશે.)
***
પ્રદુષણ – રોગચાળો માસ્ક
દેશમાં લાખો લોકો હવામાં ફેલાતાં કીટાણુઓ તથા પ્રદુષણને કારણે બિમાર પડીને મરી જાય છે. હવેથી આના માટે દરેક વ્યક્તિએ ઘરની બહાર નીકળે ત્યારે ફરજિયાત રીતે માસ્ક પહેરવું પડશે.
(નવી હેલ્મેટો માસ્ક સાથે જ આવશે. સાદી હેલ્મેટો ચાલશે નહિં.)
***
નોન-આતંકવાદી સર્ટિફીકેટ
દેશમાં આતંકવાદનું જીવલેણ જોખમ છે. તેનાથી રક્ષણ માટે સૌએ દર છ મહિને પોલીસ સ્ટેશને જઈને 'પોતે આતંકવાદી પ્રવૃત્તિમાં ક્યાંય સામેલ નથી' તેનું સર્ટિફીકેટ મેળવવાનું રહેશે.
(મૂળ તો આ પીયુસી સિસ્ટમ જ છે, જેને આસામમાં એન આર સી સિસ્ટમ કહે છે. ખોવાયેલી સોય શોધવા માટે ઘાસની આખી ગંજી જ બાળવી પડે.)
***
ફીટનેસ સર્ટિફીકેટ
દેશમાં 50 ટકા લોકો માત્ર અને માત્ર ઘડપણને કારણે મરી જાય છે ! આ હવે નહિ ચાલે, 60 વરસની ઉપરના તમામ સિટિઝનોએ દંડબેઠકો તથા યોગાસનો કરી બતાડીને ફીટનેસ સર્ટિ. લેવાનું રહેશે.
***
તમને થશે કે આ બધું આપણે જ કરવાનું છે તો સરકાર શું કરશે ?
જુઓ ભઈ. સરકારને બહુ મોટાં મોટાં કામો કરવાનાં છે. ચંદ્ર ઉપર પહોંચવાનું છે, મંગળ ગ્રહ પર જવાનું છે, કાશ્મીરમાં શાંતિ સ્થાપવાની છે, GDP પાંચ ટકાથી ઉપર લાવવાનો છે...
બોલો, આ બધું તમે કરી શકવાના છો ?
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment