ફિલ્મ સ્ટારોના 'ડ્રીમ-રોલ' !


હમણાં જ ક્યાંક વાંચ્યું કે જયલલિતાની બાયોપિક ઉપર બનનારી ફિલ્મમાં પેલી માંદલી શ્રધ્ધા કપૂરને લેવાના છે ! ઓ બેન, તમે વજન વધારી વધારીને કેટલું વધારશો ?

બીજી બાજુ, કહે છે કે વિદ્યાબાલનનો ‘ડ્રીમ-રોલ’, ઇન્દિરા ગાંધીની બાયોપિકમાં મેઈન રોલ કરવા મળે તે છે ! હવે, આ બેનને શું કહેવાનું ? વજન ઘટાડી ઘટાડીને કેટલું ઘટાડશો ?

એ રીતે જોવા જાવ તો આજના અમુક ફિલ્મી કલાકારોના ડ્રીમ-રોલ કેવા કેવા હશે ?

***

કરીના કપૂર

એણે બે વાર તો સાઈઝ ‘ઝીરો’નો રોલ કર્યો. હવે આગળ એની ઈચ્છા છે કે કોઈ ફિલ્મમાં એને ‘હાડપિંજર’નો રોલ કરવા મળે !

***

સની લિઓન

આ બેબીની કોઈ ખાસ મોટી ડિમાન્ડ નથી. એ બિચારી માત્ર એટલું જ ઈચ્છે કે એને જે રોલ મળે એમાં પ્રેક્ષકો એનો ‘ચહેરો’ પણ જુએ !

***

કંગના રાણાવત

આટલા બધા વિવાદો પછી કંગના સોનિયા ગાંધીનો રોલ કરવા માગે છે ! કેમ ? કારણ કે એમાં સૌથી મોટી ‘ચેલેન્જ’ એ છે કે તેણે પોતાનું મોં બંધ રાખવું પડશે !

***

પ્રિયંકા ચોપરા

પ્રિયંકાએ તો એક ફિલ્મમાં સામટા બાર રોલ કરી નાંખ્યા. (વોટ્સ યોર રાશિ) કદાચ એટલે જ એની પાસે કંઈ કામ નથી ! એની વે, હવે તેની ઈચ્છા છે કે તે કોઈ ‘ગ્રોસ’ કેરેક્ટર ભજવે… (કારણ કે ‘ગ્રોસ’ એટલે 144)

***

જોન અબ્રાહમ

પથ્થર જેવા ચહેરાવાળા આ એકટરની તીવ્ર મહેચ્છા છે કે તે પાંચ અલગ અલગ જાતના મહોરાં પહેરીને ફરતા વિલનનો રોલ કરે. કેમ ? કારણ કે એ બહાને તેના ચહેરા ઉપર પાંચ અલગ અલગ ‘એક્સ્પ્રેશન’ તો આવે ?

***

સિધ્ધાર્થ મલ્હોત્રા

આ છોકરો કોઈ મહાન વૈજ્ઞાનિકનો રોલ ભજવવા આતૂર છે ! કારણ કે અત્યાર સુધીમાં એણે જેટલા રોલ ભજવ્યા છે, ઈવન RAW એજન્ટ બન્યો હોય તોય, એ ‘ઝીરો આઈ-ક્યૂ’વાળો ડોબો જ લાગ્યો છે !

***

સલમાન ખાન

સલમાન ખાનની તો હજીયે એવી ઈચ્છા છે કે એકવાર તે ઐશ્વર્યા રાયનો હસબન્ડ બને ! આના માટે તો એ છેક અભિષેક બચ્ચન જેવો ઢીલો અને નબળો એક્ટર બનવા તૈયાર છે !

***

અને અભિષેક બચ્ચન ?

એને તો અત્યારથી અમિતાભ બચ્ચને વોર્નિંગ આપી છે કે “ખબરદાર, ભૂલેચૂકે પણ મારી બાયોપિકમાં મારો રોલ કરવાનું સપનું જોયું છે તો ! ક્યા મૈં ઈતના ઘટિયા એક્ટર હું ? હાંય ?”

***

શાહરૂખ ખાન

‘ફેન’માં એ 16 વરસનો બાબો બન્યો. ‘ઝિરો’માં 4 ફૂટનો ઠીંગૂજી બન્યો. હવે એ શું કરશે ? પોતાના દિકરા આર્યનનો જ રોલ પોતે ભજવશે ! હેએએય! એ પણ જન્મથી લઈને 4 વરસના આર્યનનો ! … ઉં ?

***

વિવેક ઓબેરોય

બિચારો કોઈપણ રોલ ભજવવા તૈયાર છે ! કારણ કે એ પોતે ‘મોદી’ જેવો લાગતો હતો એવું હજી કોઈ માનવા જ તૈયાર નથી !

***

-મન્નુ શેખચલ્લી

Comments