ગડકરીજી છે જીવનદાતા !


માર્ગ અને વાહન-વ્યવહાર મંત્રી નિતિન ગડકરી કહે છે કે ટ્રાફિકના નિયમોના ભંગ માટે જે નવા દંડ છે એ લોકોના જીવ બચાવવા માટે છે !

ઓહો ? અમને તો ખબર જ નહોતી ! આ ગડકરીજી અમારો જીવ બચાવવા માટે શું શું કરતા આવ્યા છે..

***

રસ્તામાં આટલા બધા ખાડા શા માટે હોય છે ?

- અરે ભઈ, ખાડાને લીધે વાહનો સ્પીડમાં ચાલે જ નહિ ! તેથી એક્સિડેન્ટો ના થાય… ખાડા તો જીવ બચાવવા માટે કર્યા છે !

***

બે ઈંચ વરસાદમાં 20 ફૂટ ઊંડા ગરનાળામાં 15 ફૂટ પાણી કેમ ભરાઈ જાય છે ?

- નેચરલી. આપણો જીવ બચાવવા માટે જ ને ?

***

અરે, અમદાવાદ જે શહેરોના રોડ ઉપર આખેઆખી કાર ઊંડે ઉતરી જાય એવા ભૂવા શા માટે પડે છે ?

- વોર્નિંગ સિસ્ટમ ! આપણો જીવ બચાવવા માટે !

***

અચ્છા, રસ્તાના કિનારે જ્યાં ફૂટપાથ હોવી જોઈએ ત્યાં આટલી બધી લારીઓ, ગલ્લાઓ અને પાથરણાંના બજાર કેમ રાખ્યા છે ?

- સીધી વાત છે. તમે ફૂટપાથ ઉપર ચાલતા હો અને કોઈ સલમાન ટાઈપનો ડ્રાઈવર તમને ઉડાવી દે તો ? ભઈ, ‘દબાણ’ તો તમારો જીવ બચાવવા માટે જ થાય છે !

***

લાખો કરોડોને ખરચે રોડ બને છે, છતાં પહેલા જ વરસાદમાં ધોવાઈ જાય છે. તો એના કોન્ટ્રાક્ટરોને બ્લેક-લિસ્ટ કેમ નથી કરતા ?

- લો, હજી યે નથી સમજતા ? જો એ રોડ મસ્ત મઝાના લીસ્સા અને મજબૂત હોત તો તો એક્સિડેન્ટમાં કેટલા બધા લોકો મરી ગયા હોત ?

અલ્યા, ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરોને પ્રણામ કરો ! એ લોકો ગડકરીજીના ‘દૂત’ છે !

***

આમ છતાંય વરસે 1.5 લાખ જેટલા નાગરિકો રોડ અકસ્માતમાં કેમ મરી જાય છે ?

- એનું કારણ હમણાં જ ઉઘાડું પડી ગયું ! લાખો વાહનચાલકોએ પોતાનું PUC રિન્યુ જ નહોતું કરાવ્યું… એટલે !!

બોલો જીવનદાતા સ્વામી શ્રી ગડકરી મહારાજની જય !

***

- મન્નુ શેખચલ્લી

 

Comments