આજકાલ ‘અસલી’ મંદી ક્યાં છે ?
અમે કહીએ છીએ કે જ્યારે સાચુકલી મંદી આવશે ત્યારે તો આવાં દ્રશ્યો જોવા મળશે....
***
ભારે મંદી
એક માણસ બેન્કમાં આવીને મેનેજરને કહે છે : “સાહેબ, મારી ઉપર દયા કરો. કમ સે કમ ત્રમ-ચાર કાર તો ખરીદી લો ? ચાર દિવસથી એક પણ કાર નથી વેચાઈ.”
મેનેજર ચીડાઈ જાય છે “અલ્યા, અમને કંઈ અબજપતિ સમજે છે ? ત્રણ-ચાર કાર લઈને અમારે કરવાનું શું ?”
માણસ કહે છે : “તમારા છોકરાં રમી રમીને રાજી થશે સાહેબ, હું રમકડાંની કારો વેચું છું !”
***
ખતરનાક મંદી...
એક નાનો વેપારી બીજા વેપારીને કહે છે : “યાર, મને તો ટેન્શન થઈ રહ્યું છે. મારો ફક્ત 10,000 રૂપિયાનો ચેક બાઉન્સ થઈ ગયો... કારણમાં કહે છે ‘ઈનસફિશીયન્ટ ફંડ’ છે !”
બીજો વેપારી કહે છે : “ટેન્શન ના લે દોસ્ત, એ લોકો તારા ખાતાની નહિ, પોતાની બેન્કના ફંડની વાત કરી રહ્યા છે !”
***
રહસ્યમય મંદી...
રાતના ટાઈમે એક બેન્કની બહાર બે મોંઘી કાર આવીને ઊભી રહે છે. બન્નેમાંથી બે સૂટ-બૂટ પહેરેલા માણસો નીકળે છે.
બન્ને જણા દબાયેલા પગલે બેન્કની આસ-પાસ ભેદી રીતે આંટો મારીને પાછા આવે છે.
એક કહે છે : “શું વિચારે છે ?”
બીજો કહે છે : “બેન્કમાં હાથ મારવો હોય તો આજે જ મારી લેવો પડશે.”
એક : “કેમ ?”
બીજો : “કારણ કે કાલે તો આ બેન્ક નાદારી નોંધાવવાની છે !”
***
ભેંકાર ભવિષ્યવાળી મંદી...
પત્રકારો મિનિસ્ટરને સવાલ કરે છે : “સર, મનોરંજન ઉદ્યોગ ખાડે ગયો છે. લોકો ફિલ્મો નથી જોતા, નાટકો નથી જોતા, ટીવી ચેનલોનાં ભાડાં નથી ભરતા, મોબાઈલ પણ રિ-ચાર્જ નથી કરતા... આમાં તમે શું પગલાં લેવાના છો ?”
મિનિસ્ટર : “અમે કરોડોની સંખ્યામાં ગર્ભનિરોધક કોન્ડોમ મફત વહેંચવાના છીએ, જેથી અચાનક વસ્તી-વિસ્ફોટ ના થઈ જાય !”
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment