જુજ શબ્દોનો જાદુ !

મોદી સાહેબ કહે છે કે બીજાની ભાષાનો રોજ એક નવો શબ્દ શીખો ! આમ કરતાં કરતાં તમે વરસના 300 નવા શબ્દો શીખી જશો.


અમે કહીએ છીએ કે 300 શા માટે ? અમુક લોકો માત્ર બે-ચાર શબ્દો બોલે તોય કેટલી ઝંઝટો મટી જાય ?...

***

જેમકે, જો મમતા બેનરજી માત્ર ત્રણ શબ્દો બોલે કે…

“જય શ્રી રામ !”

તો બોલો, આખા બંગાળમાં કેટલી બબાલો થતી અટકી જાય ?

***

અને પેલા યુપીના નેતા આઝમ ખાન માત્ર ચાર શબ્દો બોલે :

“ભારત માતા કી જય !”

***

અરે, રાહલ ગાંધી માત્ર એક વાર જાહેરમાં ત્રણ જ શબ્દો બોલી જાય કે…

“મૈં શાદી કરુંગા !”

તો બિચારા હતાશ-ઉદાસ થઈ ગયેલા હજારો કોંગ્રેસીઓ કેવા ખુશખુશાલ થઈ જાય ?

***

એમ તો, ડોનાલ્ડ ટ્રમ્પ માત્ર એક જ શબ્દ બોલતાં શીખી જાય…

“સાચું”

***

અને પી. ચિદમ્બરમ્ , CBIની પૂછપરછના જવાબમાં ભારતની કોઈપણ ભાષામાં આ એક શબ્દ બોલે…

“હા”

***

અથવા ઈમરાન ખાન માત્ર એક જ શબ્દ ત્રણ વાર ઈમાનદારથી બોલે..

“શાંતિ… શાંતિ… શાંતિ… ”

***

અરે, એ બધું છોડો, વિરાટ કોહલી મેદાનમાં ગુસ્સે થઈને જે કંઈ બોલે છે એ બોલતાં પહેલાં માત્ર બે જ શબ્દો બોલતાં શીખી જાય કે –

“માનનીયશ્રી… આદરણીયશ્રી…”

***

શશી થરૂર, જેમણે આ ચેલેન્જ સ્વીકારી છે એ એકવાર..

સિમ્પલ રીતે સિમ્પલી ‘સિમ્પલ’ બોલી બતાડે !

***

અને હા, મોદી સાહેબ ફક્ત એક વાર બે જ શબ્દો બોલે કે…

“ખાવા… દઈશ !”

તો બોસ, દેશના કેટલા બધા લોકો રાતોરાત એમના ભક્ત બની જાય ?

***

- મન્નુ શેખચલ્લી

Comments