અખબારોમાં આવતી ચિંતનાત્મક કોલમોમાં કેવું રૂપાળું – રૂપાળું લખતા હોય છે ! “તનનો મેલ તો ગમે ત્યારે દૂર થશે પણ મનનો મેલ દૂર કરવાનો વોશિંગ પાવડર બજારમાં મળતો નથી...” “મોબાઈલમાં વાગતો વાંસળીનો રિંગ-ટોન મને કૃષ્ણની યાદ અપાવે છે...” “જેમ ભગવાન કપરા સમયે અવતાર ધારણ કરીને પૃથ્વી ઉપર પધારે છે તે રીતે કર્કશ સંગતના આ સમયમાં કોઈ જુનું ગીત રિ-મિક્સ થઈને આલ્બમમાં અવતરે છે !”
અમને થાય છે કે બિચારા નેતાઓનાં ચિત્તની શાંતિ માટે કેમ કોઈ ચિંતનાત્મક લેખો લખતું નથી ? કમ સે કમ છૂટકના ભાવમાં થોડાં ચિંતનાત્મક વાક્યો તો લખી આપો ? જેમ કે...
***
બંધારણનું બંધ-અરણ્ય ભેદીને તેની કલમને ‘કલમ’ કરી શકે તે નેતા આજે દેશનો સર્વોપરી ગણાશે.
***
વિરોધપક્ષનું કામ વિરોધ કરવાનું છે છતાં વિરોધના વિરોધમાં રહી, વિરુધ્ધ દિશાના વહેણ તરફ, સચ્ચાઈની હોડી હંકારનાર નેતા સન્માનને પાત્ર છે.
***
સતત દ્વિધામાં રહેવું એ નેતાનો રાહુલયોગ છે. એ જ રીતે સતત સ્પષ્ટ હોવાની સ્વ-રચિત સ્થિતિમાં હોવું તે નેતાનો મોદી-શાહ-યોગ છે.
***
ફેસબુકને ફેસ કરી શકે તે જ સાચો નેતા. ટ્વીટરને ટ્વીસ્ટ કરી શકે તે જ સાચું મિડિયા.
***
નેતાઓના ‘અફેર’ કદી ‘ફેર’ (fair) નથી હોતા. નેતાઓના ફોલોઅર્સ પણ કદી ‘ફોલ-ઓવર’ નથી થતા હોતા.
***
ટ્વીટરનો ફોલોઅર તમારી ઠેકડી ક્યારે ઊડે તેની રાહ જોતો હોય છે જ્યારે પાર્ટીનો ફોલોઅર તમારી ખુરશી ક્યારે પડે તેની રાહ જોતો હોય છે.
***
સોનિયાજીનું મૌન અને મનમોહનજીનું મૌન એ બન્નેમાં જોજનોનું અંતર છે. એક મૌનમાં રહસ્ય છે જ્યારે બીજા મૌનમાં મજબૂરી છે.
***
નેતા કદી મજબૂર નથી હોતો... સિવાય કે એને ધન, પદ, સુરા અથવા સુંદરીની યોગ્ય પ્રમાણમાં લાલચ આપવામાં આવે.
***
સ્ટીંગ ઓપરેશન એ રાજકીય ગંદકીનું માત્ર માઈક્રોસ્કોપ છે પરંતુ સીબીઆઈની રેઈડ એ રાજકીય ભ્રષ્ટતાનો ગૂગલ મેપ છે.
***
ફૂટપાથનાં ધરણાં માત્ર ધીરજની કસોટી નથી હોતાં.
છાપાંની હેડલાઇન કદી એક વખતની રોટી નથી હોતી.
***
દરેક ટીવી-ચર્ચાના સંચાલક પાસે ભલે ‘ત્વરિત-ન્યાય’નું ત્રાજવું હોય...
દરેક કલંકિત નેતા ‘વિલંબિત-ન્યાય’ની મુદત ખિસ્સામાં લઈને ફરતો હોય છે.
***
મતદાર અને પ્રેમિકામાં ફરક શું છે ?
ભોળો મતદાર પાંચ વરસ પછી પણ ભોળો હોઈ શકે છે પરંતુ ભોળી પ્રેમિકા નવ જ મહિનામાં ‘બ્લેકમેઈલર’ બની શકે છે !
***
બહુ વિચારી વિચારીને પગલું લેનારા ઉચ્ચ કક્ષાના સાધુ-સંતો બને છે...
જ્યારે બહુ વિચાર-વિચાર કરવા છતાં એક પણ પગલું ન લેનારાઓ ઉચ્ચ કક્ષાના કોંગ્રેસી નેતા બને છે !
***
- મન્નુ શેખચલ્લી
e-mail : mannu41955@gmail.com
Comments
Post a Comment