ફિલ્મી સ્ટાઈલમાં રાજકીય ન્યૂઝ ?

‘મિશન મંગલ’ની કમાણી 175 કરોડ.... માયાવતી ઉપર બનશે બાયો-પિક ‘મેડમજી’… પ્રિયંકા ચોપરા પાસે કોઈ કામ નથી...


આ ટાઈપની ફિલ્મી ખબરોની જેમ જ જો પોલિટિક્સના ન્યૂઝ પણ આપવામાં આવે તો જરા મઝા પડે ને ?

***

ઈમરાન ખાનની સ્ટોરી રિજેક્ટ

ખ્યાતનામ પાકિસ્તાની સ્ટાર ઈમરાન ખાન પોતાની ‘કાશ્મીર હમારા હૈ’ નામની સ્ટોરી લઈને ઠેર ઠેર ભટકી રહ્યા છે પરંતુ આખા વર્લ્ડમાં કોઈ તેમની સ્ટોરી સાંભળવા જ તૈયાર નથી.

કહેવાય છે કે આનાથી છંછેડાયેલો ઈમરાન ખાન હવે ‘વૉર હોગી વૉર...’ નામની નવી વારતા ઘડી રહ્યો છે !

***

મોદી સરકારને મળ્યું તોતિંગ ફીનાન્સ

‘સર્જિકલ સ્ટ્રાઈક’ ‘ટ્રિપલ તલાક’ અને ‘આર્ટિકલ 370’ જેવી સુપરહિટ ફિલ્મો આપનાર મોદીને તેની આગામી ફિલ્મ ‘તેજી’ માટે RBI દ્વારા 1 લાખ 76 હજાર કરોડનું ફીનાન્સ મળશે !

કહેવાય છે કે આના કારણે ‘બેન્ક લૂંટો બેન્ક’ નામની ફિલ્મમાં થયેલો 1 લાખ 40 હજાર કરોડનો લોસ આરામથી રિકવર થઈ જશે !

***

ઓમાર-મહેબૂબાની જોડી નંબર ટુ’ મુશ્કેલીમાં

કાશ્મીરી ભાષામાં બનનારી અને માત્ર પાકિસ્તાનમાં જ રિલિઝ થનારી ફિલ્મ ‘જોડી નંબર ટુ’ અટકી પડી છે.

કહેવાય છે કે આ ફિલ્મ મોદી-શાહની ઓરિજીનલ મૂવી ‘જોડી નંબર વન’નો રિ-મેક બનવા માગતી હતી. પરંતુ બન્ને કલાકારોને ‘નજર કેદ’ નામની ફિલ્મ માટે અલગ અલગ બંગલામાં ‘બુક’ કરી દેવાયા છે. તેથી માત્ર કેમેરા જ નહીં, મશીનગન તથા બંદૂકોનું ‘શૂટિંગ’ પણ બંધ પડ્યું છે.

***

રાહુલ ગાંધીને લોકેશન નથી મળતાં !

રાહુલ ગાંધીની છેલ્લી ફિલ્મ ‘લે લો 72,000’ ફ્લોપ ગયા પછી એક પણ નવી ફિલ્મ સ્ટાર્ટ થઈ શકતી નથી.

‘પ્રેસિડેન્ટ’ ફિલ્મની નવી સિકવલ છોડવામાં પણ તેમને 70 દિવસ લાગી ગયા હતા. દરમ્યાનમાં નવી કોઈ ‘વારતા’ શોધવા માટે તેઓ કાશ્મીરમાં જઈને લોકેશનો જોવા માગતા હતા.

પરંતુ કાશ્મીરમાં ‘પર્યાવરણ પ્રદૂષિત થઈ જશે’ એવા કારણસર તેમને તેમની સમગ્ર સ્ટાર-કાસ્ટ સાથે એરપોર્ટથી જ પાછા ફરવું પડ્યું હતું !

***

- મન્નુ શેખચલ્લી

Comments