મેદાન બહારના ક્રિકેટ-રેકોર્ડ્ઝ !


ક્રિકેટરોના રેકોર્ડો પણ કેવા કેવા હોય છે ?!

ફલાણા પ્લેયરે… ફલાણા દેશ સામે... બીજી ઈનિંગમાં…. સાતમા ક્રમે આવીને… નવમી વિકેટની ભાગીદારીનો… અગાઉનો… આઠ વરસ જુનો રેકોર્ડ… બે રનથી તોડ્યો ! વાહ ભઈ વાહ !

અમને થાય છે કે અમુક મેદાન બહારના રેકોર્ડો પણ નોંધાવા જોઈએ. જેમ કે…

***

ડોપિંગ ટેસ્ટમાં પકડાઈ ગયા પછી પૃથ્વી શો દુનિયાનો એવો 143મો ક્રિકેટર બની ગયો છે જેણે ખુલાસામાં કહ્યું હોય કે “મેં તો શરદી-ખાંસીની દવા પીધી હતી.”

***

કપિલ શર્માના શોમાં કપિલ પા’જી, વીરુ પા’જી, યુવરાજ પા’જી, નેહરા પા’જી, ભજ્જી પા’જી, શેરી પા’જી વગેરે મળીને કુલ એક ડઝન પા’જી આવી ગયા છે પરંતુ છેલ્લા 3 વરસમાં કોઈ નવા ક્રિકેટર  પા’જીની એન્ટ્રી થઈ નથી.

***

અનુષ્કા શર્મા સ્ટેડિયમમાં હાજર હોય ત્યારે, વિરાટ કોહલી લગ્ન પહેલાં 20થી ઓછા રનમાં 21 વખત આઉટ થયો છે.

***

પરંતુ વર્લ્ડ-કપની મેચોમાં, લગ્ન પછી, વિરાટ કોહલીએ ત્રણે વાર અનુષ્કાની હાજરીમાં 20થી વધુ રન કર્યા છે જેમાંથી એકમાત્ર મેચ ભારત હારી ગયું હતું.

આવી ક્ષુલ્લક ભાબતે ટ્વિટરમાં કુલ 52 લાખથી વધુ ટ્વીટ થયાનો રેકોર્ડ વિરાટ કોહલીના નામે છે જે હજી વણતૂટ્યો છે ! બોલો.

***

“અમારી વચ્ચે કોઈ વિવાદ કે અણબનાવ નથી.”

- આવું કહેનારો રોહિત શર્મા વિષ્વનો 235મો ક્રિકેટર બની ગયો છે. તથા…

“હારનાં કારણોની તપાસ કરવામાં આવશે.”

- એવું કહેનારો રવિ શાસ્ત્રી (રાહુલ ગાંધી નહિ, યાર) વિષ્વનો 426મો કોચ છે.

***

મેચ ફિક્સિંગનો ભાંડો ફૂટવાની ઘટનાઓમાં પાકિસ્તાનના પ્લેયરોએ ‘વર્લ્ડ-રેકોર્ડ’ નોંધાવ્યો છે !

કેનેડામાં ચાલી રહેલ T20 સિરિઝમાં બહાર આવેલો પાક ખેલાડીઓની શંકાસ્પદ સંડોવણીનો આ 99મો કિસ્સો છે.

- આની 'સદી' ક્યારે થાય તેની ક્રિકેટ રસિકો આતૂરતાથી રાહ જોઈ રહ્યા છે.

***

- મન્નુ શેખચલ્લી

Comments