'ઇંગ્લિશ રિટર્ન' ગુજરાતી ?!


આપણે આપણી ગુજરાતીમાં એટલું બધું ‘ઇંગ્લીશ’ વાપરતા થઈ ગયા છીએ (ઇંગ્લીશ ‘શબ્દોની’ વાત થાય છે, બાટલીની નહીં, યાર.) કે અમુક વાર તો અડધો અડધ શબ્દો અંગ્રેજી જ હોય છે. જેમ કે “બોસ, રિસન્ટલી મને રિયલાઈઝ થયું કે લાઈફમાં લોટ ઓફ કન્ફ્યુઝન્સ છે !”

આ બધું તો સમજ્યા, કે આપણને કોઠે પડી ગયું છે, પરંતુ જ્યારે કોઈ લેખ કે પુસ્તકનો ‘ગુજરાતી’માં અનુવાદ કરવામાં આવે છે ત્યારે અનુવાદશ્રી એવી ખતરનાક કાળજી રાખે છે કે એમાં ભૂલેચૂકે પણ કોઈ 'અંગ્રેજી' શબ્દ ઘૂસી ના જાય !

આવું અનુવાદિયું  ગુજરાતી વાંચીને ઘણીવાર સમજ જ નથી પડતી કે પેલા મહાન લેખક કે સેલિબ્રિટી કહેવા શું માગે છે ? જુઓ નમૂનો :

***

“ખાંડના પડવાળા લોકપ્રિય અસત્યની સરખામણીમાં હું અડધું શેકેલું સત્ય કોઈપણ દિવસે સ્વીકારવાનું વધારે પસંદ કરીશ.”

***

સમજ પડી ? કોઈ વાનગીની રેસિપી જેવું લાગે છે ને ? હવે આને સમજવાનો એક જ ઉપાય છે : એને બેક-ટુ-ઇંગ્લીશ ટ્રાન્સલેટ કરો ! પછી વાંચો..

***

“આઈ વુડ રાધર પ્રિફુર ટુ એસેપ્ટ અ હાફ બેઈક્ડ ટ્રુથ કંપેર્ડ ટુ અ શ્યુગર કોટેડ પોપ્યુલર લાઈ !”

***

હવે સમજાયું ને ? સેલિબ્રિટીશ્રી એમ કહેવા માંગે છે કે “ગળચટ્ટા જુઠ કરતાં મને અર્ધ-સત્ય સ્વીકારવાનું વધારે ફાવશે.” (મતલબ કે, અડધું તો અડધું પણ જે હોય તે સાચું કહો, મીઠી મીઠી જુઠી વાતો ના કરો.)

જોયું ? આ કૌંસમાં લખેલું વાક્ય અસલી ગુજરાતી લાગે છે કે નહિ ? પણ આપણા અનુવાદકોને માત્ર ‘શબ્દો’નું જ ‘ભાષાંતર’ કરવું છે. વધુ એક નમૂનો વાંચો…

***

"હું પરિગમન-લિંગીય નથી. જો તમે ચહેરા-કિતાબે ઉપલ્બધ કરાવેલા વિવિધ લૈંગિક સ્થિતિ વિકલ્પોમાંથી કોઈ એકની આજે પસંદગી કર્યા પછી થોડા દિવસો બાદ અન્ય કોઈ લૈંગિક-સ્થિતિ વિકલ્પ સાથે તાદાત્મ્ય અનુભવતા હો તેને તમે લૈંગિક-પરિગમનતાના નામથી ન બોલાવી શકો. હું કહીશ કે તે માત્ર એક લવચિક રીતે અસ્થાનિય માનસિક અસ્તિત્વનું સ્વીકૃતિકરણ છે."

***

બોલે, કંઈ ટપ્પી પડી ? હવે આનું ‘બેક-ટુ-ઈંગ્લીશ’ કરો તો જ ખબર પડશે !

“આઈ એમ નોટ અ ટ્રાન્સજેન્ડર. ઈફ યુ ચુઝ ફ્રોમ વન ઓફ ધ જેન્ડર સ્ટેટસ ઓપ્શન્સ અવેલેબલ ઈન ફેસબુક ટુડે એન્ડ લેટર, આફ્ટર ફ્યુ ડેયઝ, ઈફ યુ ફીલ કનેક્ટેડ ટુ એની અધર જેન્ડર સ્ટેટસ, યુ કેનોટ કોલ ઈટ બાય ધ નેમ ઓફ જેન્ડર-પોર્ટેબિલીટી. આઈ વુડ સે, ઈટ ઈઝ જસ્ટ એન એસ્સેપ્ટન્સ ઓફ ફ્લેક્સિબલ મેન્ટલ એક્ઝિસ્ટન્સ.”

(બોલો, હજી યે ખબર ના પડી ને, કે કવિ શું કહેવા માંગે છે ? તો વાત માત્ર એટલી જ છે કે ભઈ, ફેસબુકમાં જે મેલ, ફિમેલ, ગે, લેસ્બિયન, ટ્રાન્સજેન્ડર વગેરે ઓપ્શનો આપેલા છે એમાંથી તમે આજે કંઈ ક્લીક કરો અને પછી પંદર દહાડા પછી કોઈ બીજો ઓપ્શન ગમવા માંડે એનો મતલબ એ નથી કે તમે ‘સેક્સ-ચેઈન્જ’ કરાવ્યું છે !)

***

અમારી તો આ ‘શબ્દાનુવાદિયા’ ટ્રાન્સલેટરોને ચેલેન્જ છે કે શશી થરૂરના એકાદ 45 શબ્દવાળા વાક્યનું ‘સમજાય એવું’ ગુજરાતી કરી બતાડે !

- બાકી, ‘હિન્દી  રિટર્ન’ ગુજરાતીનું પણ લગભગ આવું જ છે !

***

- મન્નુ શેખચલ્લી

e-mail : mannu41955@gmail.com

Comments