રહસ્ય છે, રોમાંચ છે
થ્રિલ છે, સસ્પેન્સ છે
જ્યારે ઘરે, પીઓ મદિરા
આપણા ગુજરાતમાં !
***
શંકાઓ અહીં સળવળે
દ્રષ્ટિઓ ઉપર-તળે
ફરી વળે પ્રશ્નાર્થો, ને
પાડોશીઓ ખળભળે...
જ્યાં જુએ, તમારા હાથમાં
છ-છ પેકેટ...
શિંગ-ભૂજિયાં !
રહસ્ય છે, રોમાંચ છે
થ્રિલ છે, સસ્પેન્સ છે
જ્યારે ઘરે, પીઓ મદિરા
આપણા ગુજરાતમાં !
***
ખૂફિયા ‘પ્લાનિંગ’ હોય
‘માલ’ની પૂછતાછ હોય
‘ડિલીવરી’ ચૂપચાપ હોય
કેશમાં ‘પેમેન્ટ’ હોય
તે છતાંયે સમુંસૂતરું
પાર સઘળું ઉતરે..
જો આપની કોઈક સારી
ક્યાંકની ‘ઓળખાણ’ હોય !
‘કોન્ટેક્ટસ’ છે
‘રેફરન્સ’ છે
‘ટ્રસ્ટ’ વિથ
‘એશ્યોરન્સ’ છે...
આપણા ગુજરાતમાં !
***
સોમ-મંગળ જાય છે
બુધ-ગુરુ પણ જાય છે
શુક્ર ને શનિ લગી
ઊભા ઊભા.. ઊભા ઊભા..
પૂછે અમદાવાદીઓ
નક્કી કરો ભૈ,
નક્કી કરો...
હવે તો ‘બેસવું’ છે ને ?
દર્દ છે, પીડાઓ છે
ઊંડી સહનશીલતાઓ છે
છે વિરહ, ને
છે ધીરજ...
આપણા ગુજરાતમાં !
***
અહીં વીરલ કોઈ જ એ
પ્રાપ્તિ જેને સહજ છે
નહિતર જોજનો
દૂર જઈ...
આબુ, દમણ ને
દીવ જઈ...
મોક્ષ-પ્રાપ્તિ થાય છે !
કેવી કેવી શ્રધ્ધા-ભરી
જાતરાઓ, ધામ છે...
આપણા ગુજરાતમાં !
***
કંઈ તળેલાં કાજુઓ
ને કંઈ સ્પેશીયલ શીંગ
કંઈ કરકરી દાળ-મૂઠ
ને કંઈક તીખી સેવ...
પાનને ગલ્લે લટકતાં
પેકેટોને જોઈ જોઈ
સાવ ક-ટાણે
કેવી - કેવી..
તલબ લાગી જાય છે !
મોહ છે, મોહ-પાશ છે
કે છે કોઈ મૃગ-છલના ?
ભાસ છે...
આભાસ છે…
આપણા ગુજરાતમાં !
***
કેટલું પીવું ?
કેમ પીવું ?
‘જ્ઞાનસત્રો’ થાય છે !
કેટલું પીધું ?
ક્યારે ? કોણે ?
‘વિક્રમો’ સંભળાય છે !
કોણ અઠંગ
ને કોણ પીઠ્ઠુ...
‘દંતકથાઓ’ હોય છે !
શૌર્યરસ છે
વીર રસ છે
આઈસ-ક્યુબની પાસમાં ...
ફોરેન લિકર
ઠંડી નસોમાં
‘ગુજ્જુ’ બનતું જાય છે...
આપણા ગુજરાતમાં !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment