જો અભ્યાસક્રમમાં હિન્દી ફિલ્મોનાં ચેપ્ટરો આવતાં હોત તો વિલનોના બે ‘કાળ’ આવતા હોત. ‘પ્રિ-ગબ્બર’ કાળ અને ‘પોસ્ટ-ગબ્બર’ કાળ !
શોલેમાં ગબ્બરના પ્રચંડ પ્રભાવ પછી વિલનોનો વટ વધી ગયો. બાકી એની અગાઉની ફિલ્મોમાં તો વિલનોના ભાગે જોઈન્ટ ફેમિલીમાં ફાચર મારવી, ભોળા જમીનદારની કાનભંભેરણી કરીને મિલકત પોતાના નામે પચાવી પાડવી અથવા હિરો-હિરોઈનના રોમાન્સમાં ટાંગ અડાડ્યા કરવા જેવાં ફાલતું કામો જ આવતાં હતાં.
અહીં 'પોસ્ટ - ગબ્બર' કાળના વિલનો ભારે બિઝી રહેતા હતા. હીરોની બહેન ઉપર બળાત્કાર કરતાં કરતાં એનાં કપડાં ફાડી નાંખવા, આઈટમ ગર્લોને નચાવ-નચાવ કરવી, હીરોની માનું કિડનેપ કરી નાંખવું, હીરોઈનને કાચના ટુકડા ઉપર નચાવવી, પોતાના નિષ્ફળ ગુંડાઓને ઉકળતા એસિડમાં નાંખી દેવા, છેલ્લી રીલમાં હીરો-હીરોઈનને ઉપર દોરડાં ઉપર લટકાવીને નીચે સળગતા અંગારામાં દારૂ રેડીને આગના ભડકા કરવા… આવા બધા ‘ક્રિએટીવ’ આઈડિયાઝ અગાઉના વિલનોને આવતા જ નહોતા.
એટલું જ નહિ, આ 'પોસ્ટ-ગબ્બર' વિલનો, જે માથે સોનેરી વાળની વીગ, આંખમાં રંગબિરંગી કોન્ટેક્ટ લેન્સ, કાનમાં વાળના ગુચ્છા, દાંતમાં સોનાનું પ્લેટિંગ, ગળામાં ખોપડીની માળા, હાથમાં ચિત્રવિચિત્ર કડાંવાળી ફેન્સી વેશભૂષાઓ અને આગળ-પાછળ બોડી-બિલ્ડીંગની એક્ઝામો આપવાની પ્રેક્ટિસ કરતા હોય એવા, વારંવાર બાવડાં ફૂલાવ્યા કરતા ગુન્ડાઓને ‘એસેસરીઝ’ તરીકે રાખીને ફર્યા કરતા હતા... તેમની સરખામણીમાં ‘પ્રિ-ગબ્બર’ સમયના સીધા સાદા પેન્ટ શર્ટ પહેરતા વિલનોનું કામ કેટલું અઘરું કહેવાય ?
બસ, હવે વિચારો કે એ જમાનામાં પ્રાણ નામનો વિલન એકલે હાથે કેવા કેવા હીરોલોગનાં ટાંટિયા ઢીલા કરી નાંખતો હતો ? બિચારી હીરોઈનો તો એની કાતિલ ‘નજર’ના વારથી જ ફફડી જતી હતી !
પ્રાણ સાહેબના એ જમાનાની ફિલ્મો વખતે અમે નિશાળમાં ભણતા નાદાન બાળક હતા. તે વખતે એક્ટિંગ કોને કહેવાય, અદાકારી કોને કહેવાય એવી જરાય અક્કલ નહોતી એટલે અમને પ્રાણ દીઠ્ઠો ય ગમતો નહોતો !
અમે તો સ્કૂલમાં પ્રાણને ‘પ્રાણીયો’ કહીને બોલાવતા.એ તો મોટા થયા પછી ભાન પડી કે પ્રાણ સાહેબની શું રેન્જ હતી ! પ્રાણ સાહેબ દરેક ફિલ્મમાં એક નવી ‘અદા’ (મેનરિઝમ) લઈને આવતા.
કોઈ ફિલ્મમાં એ માચિસની દિવાસળીને હોઠના એક ખૂણેથી બીજે ખૂણે ફેરવ્યા કરે. તો કોઈ ફિલ્મમાં એમની એક આંખ ભેદી રીતે ખેંચાઈને વાંકી થતી હોય ! ક્યારેક પાન ખાતા હોય, ક્યારેક જાડી ચિરુટ ફૂંકતા હોય… અરે, એક ફિલ્મમાં તો જીભ ઉપર ગોઠવેલી સળગતી સિગારેટ મોંમાં નાખીને, સળગતી જ પાછી કાઢીને, હોઠ વચ્ચે ગોઠવીને ધૂમાડો કાઢી બતાડતા. (સિગારેટના ધૂમાડા વડે રીંગો કાઢવામાં પણ એમની જ માસ્ટરી.)
આટલું ઓછું હોય તેમ દરેક ફિલ્મમાં અલગ હેર-સ્ટાઈલ હોય, અલગ ટાઈપની મૂંછ હોય, કંઈ જુદી જ જાતની દાઢી હોય… ઉપરથી ડાયલોગમાં ‘ઠીક હૈ ના ઠીકઅ?’ ‘સમજે બરખુરદાર?’ ‘મખ્ખન માર કે…’ એવા નવા નવા તકિયા કલામ હોય.
કોઈ ફિલ્મમાં સતત ગળામાં બાંધેલા રૂમાલની ગાંઠ બાંધ-છોડ કરે, કોઈમાં ટોપી સરખી કરતા હોય, કોઈમાં બંડીના ખિસ્સામાં હાથ નાંખ્યા કરતા હોય તો કોઈ ફિલ્મમાં આંગળી ઉપર ચાવીનો ઝુડો ઘુમાવ્યા કરતા હોય.
આટલી બધી વરાયટીનો સ્ટોક એક જ એક્ટર પાસે હોવાથી પ્રાણ સાહેબે બીજા વિલનોને લગભગ બે-રોજગાર જ રાખેલા. જોકે એ બધા તગડા (મજબૂત) એક્ટરો હોવા છતાં બિચારા ટાઈપ-કાસ્ટ થઈ ગયા.
જીવન કંઈક ડઝનબંધ ફિલ્મોમાં નારદજી બનતા રહ્યા. કન્હૈયાલાલને વ્યાજખાઉ વેપારી અથવા દંભી પંડિતના જ રોલ મળતા, કે.એન. સિંગનો ચહેરો, આંખો, અવાજ બધું જ ‘ઝેરી’ હતું છતાં એમને ગંગેસ્ટરના જુજ રોલ મળતા.
બિચારા તિવારી નામના પડછંદ એકટરને હંમેશા જમીનદારના ‘લઠૈત’ ના જ રોલ મળતા. મુરાદનો અવાજ ખારો, આંખો ખતરનાક, ચહેરો બિહામણો છતાં એમને કોર્ટમાં જજના રોલ મળતા ! બોલો.
આ બધામાં એક શેખ મુખ્તાર નામનો એક્ટર હતો. એના શિતળાના ચાઠાવાળા ચહેરામાં ટિપિકલ વિલનનાં બત્રીસે લક્ષણ ઠાંસીને ભરેલા હતાં. (ગૂગલ કરીને ફોટો જોઈ લો.) છતાં શી ખબર કઈ ઉસ્તાદીથી એ હંમેશાં હીરો અથવા સાઈડ-હીરોના જ રોલ પચાવી પાડતો હતો !
આને કહેવાય રિયલ વિલન, બોસ.
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment