નવા 'કાશ્મીર' ફોબિયા !


જ્યારથી બંધારણની કલમ નંબર 370 રદ થઈ છે ત્યારથી આપણા દેશના અમુક લોકોને વિવિધ પ્રકારના મનોવૈજ્ઞાનિક ડર યાને કે 'ફોબિયા' લાગુ પડી રહ્યા છે.

***

HKK ફોબિયા

યાને કે હિન્દુકરણ ઓફ કાશ્મીર ફોબિયા !

આ રોગના દર્દીઓને એવો વિચાર તો આવતો જ નથી કે હવે આખા દેશમાં વસતા 'મુસલમાનો' કાશ્મીરમાં જઈને પ્રોપર્ટી ખરીદી શકશે ! (જે કદાચ સહેલું છે)

પરંતુ એમને અત્યારથી ડર ઘૂસી ગયો છે કે આખેઆખું કાશ્મીર હવે હિન્દુ-રાજ્ય બની જવાનું છે ! બસ, કાલે કે પરમ દિવસે કાશ્મીરમાં કાશી વિશ્વનાથ મંદિર બંધાઈ જશે !

***

MF ફોબિયા

અર્થાત્ મેજોરીટી ફોબિયા !

અમુક લોકોને લાગે છે કે કાશ્મીરમાં જે લોકો બહુમતીમાં છે તે રાતોરાત લઘુમતીમાં ફેરવાઈ જશે. એમને એવાં ડરામણાં સપનાં આવે છે કે બધાના મોબાઈલોમાં માત્ર ‘રામધૂન’ની કોલર-ટ્યૂન ફરજિયાત થઈ જશે અને ટીવીમાં રામાયણ સિરિયલ સિવાય કશું જોવા જ નહિ મળે !

***

અશાંતિ-ફોબિયા

આ 'શાંતિપ્રય' લોકોને લાગે છે કે 1989 પછી કાશ્મીરમાં જે બોમ્બધડાકા, ગોળીબાર, આતંકવાદી હુમલા, હિન્દુઓનું સામૂહિક સ્થાનાંતરણ... વગેરે જે થયું એ બધું તો ‘શાંતિપૂર્ણ’ વાતાવરણ હતું !

- અશાંતિ તો હવે ફેલાશે !

***

ભગવા-કલમ ફોબિયા

અમુક રાજકીય નેતાઓ જે નજરકેદ થઈને બંગલાઓમાં બેઠા છે તેમને ધોળા દિવસે એવું દેખાઈ રહ્યું છે કે...

- દાલ સરોવરમાં બધાં ભગવા રંગના કમળ ખિલી રહ્યાં છે...

- સફરજનની વાડીઓમાં કેસરી રંગના સફરજનો ઉગવા લાગ્યાં છે...

- કાશ્મીરના પહાડો ઉપર તિરંગા રંગનો બરફ જામી રહ્યો છે....

- અને કાશ્મીર બહારથી જે લીલી શાકભાજી ભરેલી ટ્રકો આયાત થશે તે કાશ્મીરમાં ખોલાશે ત્યારે અંદરથી કેસરી રંગની શાકભાજી જ નીકળશે !

***

MS ફોબિયા

આ તો સિમ્પલ છે... મોદી-શાહ ફોબિયા ! જે 2014થી ફેલાઈ ચૂક્યો છે !

***

- મન્નુ શેખચલ્લી

Comments