હિન્દી ગાયનોનું પંજાબી હમજાય છે તમને ?


શું તમે પેલું ગાયન સાંભળ્યું છે ? ‘પાની દા રંગ વેખકે...’

જો સાંભળ્યું હોય તો મને કહો કે એ પછીની લાઈમાં જે “અખિયાં ચો હન્જુ રુડ દે...” એવું ગાય છે એનો મતલબ શું થયો ?

ચલો, ‘અખિયાં’ તો હજી સમજ્યા પણ ‘ચો હન્જુ રુડ દે’ એટલે વળી શું ? અમે દસ-બાર યંગ છોકરા છોકરીઓને પૂછ્યું એમાંથી આઠ જણાને એના મિનિંગની ખબર જ નહોતી ! બાકી રહેલા બે-ચારે વળી એમ કીધું કે ‘એની પ્રેમિકાની આંખો બહુ રુડ થતી જાય છે !’

આવાં તો કંઈ કેટલાંય પંજાબી શબ્દોવાળાં ગાયનો હિન્દી ફિલ્મોમાં જથ્થાબંધના ભાવે ઘૂસતાં જ જાય છે. આપણા ગુજરાતી ટીન-એજરો કાનમાં વાયરવાળા વટાણા ખોસીને માથું ધૂણાવતાં એની ટ્યૂન ઉપર નાચતાં પણ જાય છે !

અમારા વખતે આટલી બધી પંજાબી ઘૂસણખોરી નહોતી. વળી, જે કંઈ હતી તેનો અર્થ કાઢી શકાય તેમ હતો. દાખલા તરીકે, ‘જય જય શિવ શંકર’ ગાયનમાં ‘સોં રબ દી.. સોં રબ દી’ આવતું હતું. એનું અર્થઘટન અમે એવું કરેલું કે હિરો-હિરોઈને જે ભાંગ પીધી છે એના દૂધમાંથી કંઈ બે-ચાર વાડકા રબડી પણ બની હશે, પણ આમને બન્નેને ચડી ગઈ છે એટલે ‘બે’ને બદલે ‘‘સો’ રબડી... ‘સો’ રબડી...’ એવું ગાયા કરતાં હશે !

આજકાલ તો એવું ‘અર્થઘટન’ કરવાનો ટાઈમ જ કોને છે ? ‘ઉડતા પંજાબ’ ફિલ્મનું એક ગાયન આખેઆખું પંજાબીમાં છે. ‘ઈક કુડી, જિદા નામ...’ એમાં આગળ પ્રેમિકાના વર્ણનમાં પંજાબી કવિશ્રીએ લખ્યું છે :

લંબ સ લંબી, સરુ દી લગદી..’

આમાં આપણે શું સમજવાનું ? એનાવાળી પ્રેમિકા ‘લાંબી-લાંબી સરુના ઝાડ જેવી’ દેખાય છે ? અને ભઈ, સરુનાં ઝાડ દરિયા કિનારે થાય, ત્યાં તારા પંજાબમાં તું સરુ ક્યાંથી ઉખાડી લાયો ?

આ તો અમારી ખોપડીને ખણખોતર કરવાની બૂરી આદત છે એટલે આવું આવું વિચારીએ છીએ. બાકી તમે જ કહો ‘હોર-દસ, કિન્નિયાં તરીફ્ફાં ચાઈ-દીયે તૈનું’ કઈ હોરર-ગાયનનાં શબ્દો નથી લાગતા ?

પેલું ગાયન સાંભળ્યું છે ? “અંબર સરિયા...” એમાં પેલી છોકરી આગળ ગાય છે : “મૈં અન્જાની કોય ના પાની, લે ના જાવે રોડ !” એટલે શું ? કાળા ડામરનો રોડ ગોરી છોકરીનું પાણી તાણી જશે ?

એક ‘કાળા ચશમા જચદા એ’… નામનું ગાયન છે. એમાં કવિ કહે છે : “તૈનું દેખ્ખણ હોક ભરદૈં ને, ખડ્ડે ચૌકક્કન વિચ તબાહી ની !” આમાં કયા ગુજરાતી બાબલાને ટપ્પી પડતી હશે ? ‘હોક ભરદૈં’ એટલે શું, હુક્કા ભરી આપવાના ? ‘ખડ્ડે ચૌકક્ન વિચ’ એટલે શું સમજવાનું, ‘ચોકની વચ્ચે ખાડા’ પડે છે ?

જોકે બધી સમસ્યા આ ‘સમજવા’ જઈએ છીએ ને, એમાં જ થાય છે ! ગુજરાતી છોકરા-છોકરીઓ ઇંગ્લીશ ગાયનો પણ સાંભળે જ છે ને ? એમાં પેલો જીભ વડે ગલોફામાં લખોટીઓ રમાડતો હોય એવા વિચિત્ર લહેકાથી ગાતો હોય : “આઈ વાના હગ યુ માય બેબી ડોલ”... પણ આપણને સંભળાય શું ? “આંઈ વાંહે હગી ગ્યું... બે બે ડોલ !?”

આ તો ઠીક છે, અમે ગુજરાતી મૂઆ છીએ એટલે અમને આટલું બધું બળે છે બાકી સંજય લીલા ભણશાળીની ફિલ્મ‘રામલીલા’માં ઝવેરચંદ મેઘાણીનું જે ગીત છે, ‘મન મોર બની થનગાટ કરે...’ એમાં આગળની પંક્તિઓમાં શું શબ્દો આવે છે એ કેટલા ગુજરાતી છોકરા છોકરીઓને યાદ હશે ?

અરે, યાદ છોડો, કેટલાએ ધ્યાનથી એ ‘ગુજરાતી’ શબ્દો સાંભળ્યા હશે ?

***

- મન્નુ શેખચલ્લી

E-mail : mannu41955@gmail.com

Comments

  1. હસી હસીને બેવડ વળી ગયો. આટલી સૂક્ષ્મ રમૂજ દ્વારા આટલો તિક્ષ્ણ બોધ કરાવવો એ ખૂબ કપરું છે હો... આ બ્લોગ લખ્યા પછી તમે કાંઈ જ ન લખો તો પણ ચાલે એવો ટોપ કલાસ બ્લોગ!

    ReplyDelete
  2. હસી હસીને બેવડ વળી ગયો. આટલી સૂક્ષ્મ રમૂજ દ્વારા આટલો તિક્ષ્ણ બોધ આપવો ખરેખર અઘરું છે હો... તમે આ બ્લોગ લખ્યા પછી કાંઈ જ ન લખો તો પણ ચાલે, એવો ટૉપ-કલાસ બ્લોગ!!!

    ReplyDelete

Post a Comment