શાહીદ કપૂર મુસ્લિમ છે, આલિયા ભટ્ટ પણ મુસ્લિમ છે. (રીયલ લાઈફમાં છે કે નહિ એવા અઘરા સવાલો નહીં પૂછવાના.) એમ તો નવાઝુદ્દીન સિદ્દકી પણ મુસ્લિમ છે. ત્રણે એક જ મહોલ્લામાં રહે છે. બંને આલિયાના પ્રેમમાં છે.
નવાઝુદ્દીન એક ચાલુ હવાલદાર છે. જ્યારે શાહિદ કપૂર ટણીબાજ ટપોરી છે. એ એક એવી ગેંગનો સભ્ય છે જેનું કામ મકાનો ખાલી કરાવવાનું છે. શાહિદ કપૂરની માસ્ટરી હાથ-પગ તોડવામાં છે.
એટલું જ નહિ, એનું સેટિંગ એક ચાલુ ટાઈપના ઓર્થોપેડિક ડોક્ટર જોડે છે ! શાહિદ કપૂર એના બોસને જણાવ્યા વિના આ ડોક્ટર પાસે કેસ દીઠ કમિશન ખાય છે !
પેલા લવ-ટ્રાએંગલમાં શાહિદ કપૂર આલિયાને વધારે મોંઘી ગિફ્ટો લાવી આપે છે એટલે તેને પટાવી લે છે. બન્ને લવ-મેરેજ કરી લે છે.
લગ્ન પછી આલિયા ઘેર ઘેર ફરીને સેવૈંયાં પાડવાનાં મશીન વેચે છે. મશીન ના વેચાય તો છેવટે સેવૈંયાંનાં પેકેટો તો વેચી જ આવે છે. (આ સેવૈયાં મુસ્લિમોની ગળી વાનગી છે. રૂહ-અફઝા ટાઈપના શરબતમાં મિક્સ કરીને પણ માણે છે.)
લવ-મેરેજ છે એટલે ઝગડા તો થયા જ કરે છે પણ શાહિદ કપૂરને ‘કબીર સિંહ’ પિક્ચર જોયા પછી અચાનક પોતાના ગુસ્સાવાળા ટણીબાજ સ્વભાવનું ‘સ્વાભિમાન’ થવા માંડે છે ! એમાં ને એમાં એક દિવસ ઝગડામાં શાહિદ કપૂર આલિયાનો હાથ મચડીને ભાંગી નાંખે છે !
આલિયા પણ કંઈ કમ નથી. એ બીજા હાથ વડે સેવૈયાં પાડવાના સંચા વડે શાહિદને આખા મહોલ્લાના દેખતાં બેરહમીથી ધોઈ નાંખે છે. શાહિદની હટી જાય છે. તે એ જ વખતે આલિયાને ‘તલાક... તલાક... તલાક...’ કહી દે છે !
બસ, હવે બાકી શું રહ્યું ? આલિયા પોલીસમાં ફરિયાદ કરીને બેટમજીને જેલમાં પહોંચાડી દે છે. એટલું જ નહિ, વકીલ દ્વારા પોતે જ છૂટાછેડાની નોટિસ ફટકારે છે !
જેલમાં પડ્યા પડ્યા બિચારા શાહિદને બહુ પસ્તાવો થાય છે. દોઢ સો વાર ‘સોરી’ના સંદેશા મોકલવા છતાં આલિયા ટસની મસ થતી નથી.
શાહિદને હવે ભાન થાય છે કે યાર, આલિયા જેવી પત્ની એને બીજી નહિ મળે. પોતે એને બે-હદ ચાહે છે, એના વિના જીવી જ નહિ શકે.
પણ હવે થાય શું ? ગુસ્સો થઈ ગયો તે થઈ ગયો ...
ત્યાં જેલમાં બેઠેલો એક ખડૂસ ગુનેગાર (મનોજ જોશી) એને એક જોરદાર પ્લાન બતાડે છે ! પ્લાન શું છે ?
પ્લાન એવો છે કે જેલમાંથી છૂટ્યા પછી શાહિદ કપૂર પોતાનું જ ‘મર્ડર’ કરાવી નાંખે છે !
પછી પોતે દાઢી વધારીને, સોનેરી રંગે વાળને કલર કરીને પોતે ‘દૂબઈથી’ આવ્યો હોય એ રીતે બીજો જ વ્યક્તિ બનીને ઉદાસ આલિયાની લાઈફમાં એન્ટ્રી મારે છે.
આ શાહિદ બહુ શાંત છે. ક્યારેય ગુસ્સે થતો નથી. ઉલ્ટું, ઉર્દૂ તહેઝિબથી પહલે આપ... ફરમાઈયે... તશરીફ લાઈયે... આપ કા હુકમ સર આંખો પે... એવું અતિશય ડાહ્યું વર્તન કરવા લાગે છે.
આલિયાને આ શાહિદ ગમી જાય છે. તે ‘શાહિદ-ટુ’ના પ્રેમમાં પડીને પરણી જાય છે. પણ આ ‘શાહિદ-ટુ’ એટલી હદે પોપલો બની જાય છે કે તે આલિયાના પગ દાબતો થઈ જાય છે.
આમાંને આમાં આલિયાની એટલી બધી હટી જાય છે કે તે ફરીથી છૂટાછેડાની નોટિસ ફટકારે છે !
આ વખતે કારણ એવું આપે છે કે મારો મરદ ‘મરદમાં’ નથી ! જોકે કોર્ટમાં આ કેસ જીતવો મુશ્કેલ છે પણ આલિયા ઘર છોડીને બીજે રહેવા જતી રહે છે !
હવે, ત્યાં પેલો નવાઝુદ્દીન (હવાલદાર) આલિયા પર દાણા નાંખવાનું ચાલુ કરે છે ! શાહિદ કપૂર બહુ અકળાય છે ! પણ કરવું શું ?
છેવટે ફરી પેલો મનોજ જોશીનો આઈડિયા જ અજમાવે છે ! પોતે ‘આપઘાત’ કરીને મરી જાય છે !
બિચારી આલિયાને માથે આભ તૂટી પડે છે. પહેલો પતિ જે ગુસ્સાવાળો હતો તેનું મર્ડર ? અને આ જે ‘વિવેકી’ હતો તેનો આપઘાત ? નવાઝુદ્દીન આ તકનો લાભ લઈ આલિયાના ઘરમાં ઘૂસ મારવા લાગે છે.
આખરે શાહિદ કપૂરથી રહેવાતું નથી. તે ‘મર્ડર’માંથી જીવતો થઈને પાછો આવે છે ! ફરી વાર આલિયાનું દિલ જીતે છે અને ત્રીજું લગ્ન કરે છે.
પરંતુ... નવાઝુદ્દીન 'ઈન્વેસ્ટીગેશન' કરીને ભાંડો ફોડી નાંખે છે ! હવે આલિયા શાહિદને ત્રીજી વાર તલાક આપે છે !
બોલો, થયાને ‘તીન તલાક’?
***
- મન્નુ શેખચલ્લી
Maja ni story.
ReplyDelete