આ શ્રાવણ મહિનો ચાલે છે. સાધુ-સંતો આપણને જ્ઞાન આપે છે. કહે છે કે ચોર્યાસી લાખ જન્મોમાંથી એક મનુષ્યનો જ અવતાર ‘બેસ્ટ’ છે !
કેમ ? તો કહે છે કે મનુષ્ય છો એટલે જ તમે ભગવાનની ભક્તિ કરીને આ ચોર્યાસી લાખ જન્મોના ફેરામાંથી હંમેશા માટે એક્ઝિટ મારી શકો છો.
જોકે અમને હંમેશાં એક સવાલ થાય છે કે બોસ, ચોર્યાસી લાખ જન્મોમાંથી મુ્કિત મેળવીને પછી જવાનું ક્યાં ?
ઈન્ડિયાવાળા મંગળ અને ચંદ્ર ઉપર અવકાશયાનો મોકલીને ત્યાં સેટલ થવાની જગ્યા શોધે છે. આપણા મોદી સાહેબે પણ પૃથ્વી ઉપરના સ્વર્ગમાં (કાશ્મીરમાં) બધા ભારતવાસીઓ સેટલ થઈ શકે એ માટેની વ્યવસ્થા ચાલુ કરી દીધી છે પણ બોસ, જેને સાધુ સંતો ‘સ્વર્ગ’ કહે છે (અથવા ‘હેવન’ અથવા
‘જન્નત’ કહે છે) ત્યાંની બુકિંગ વ્યવસ્થા વિશે કોઈ ખાસ ફોડ પાડતા નથી.
આઈ મિન, જન્નતની હૂરો અથવા સ્વર્ગની અપ્સરાઓ વગેરે તો પુરુષો માટે છે. તો પછી મહિલાઓ માટે શું ? પેલા
‘કામદેવ’ અથવા તો પેલા રોમન ગોડ ‘ક્યુપિડ’ વગેરેએ કંઈ હજારો હેન્ડસમોની ટીમો બનાવી રાખી છે ખરી ?
ચાલો, આ બધી તો ત્યારે ખબર પડે કે જ્યારે આપણે સ્વર્ગ ઉર્ફે જન્નત ઉર્ફે હેવનમાં જઈએ ! પરંતુ બોસ, આ મનુષ્ય અવતાર ‘બેસ્ટ’ કયા હિસાબે થઈ ગયો ?
અમને તો થાય છે કે યાર, પેલાં પક્ષીઓને જલસા છે, નહિ !
આખો દિવસ ભઈબંધો અને બહેનપણીઓ જોડે ગ્રુપમાં ઉડ્યા કરવાનું, ચણ મળે ત્યાં ઉતરી પડવાનું, પટપટ ખાઈને પાછું ઊડી જવાનું... મન થાય ત્યારે ગાવાનું, મન થાય ત્યારે કલબલાટ કરી મુકવાનો ! યાર, આને ‘બેસ્ટ’ અવતાર ના કહેવાય ?
એ હિસાબે તો જંગલનાં હરણાં, પતંગિયા, ખિસકોલી,
સસલાં વગેરેના અવતારો કેમ બેસ્ટ નથી ગણાતા ? ચાલો, ‘ટોપ ટેન’માં તો સ્થાન આપો ?
પણ ના. સાધુ-સંતો બસ મનુષ્ય અવતાર સિવાય બીજો કોઈ ઓપ્શન જ નથી આપતા. ભલભલી બોર્ડની એક્ઝામો સહેલી થતી જાય છે પણ આ મુક્તિવાળી એક્ઝામ હજી
‘હેતુલક્ષી પ્રશ્નો’ વિનાની જ છે.
વળી, મનુષ્ય અવતાર કયા હિસાબે બેસ્ટ છે ?
અમે તો કહીએ છીએ યાર ત્રાસ છે, ત્રાસ ! સાલું, જન્મતાંની સાથે આપણને કહેશે, તું હિંદુ છે, તું મુસલમાન છે, તું ક્રિશ્ચિયન છે.. આ તારો દુશ્મન છે, પેલો તને મારી નાંખશે,
તારાથી આ ખવાય, પેલું ના ખવાય... (બિચારા ‘ઝોમેટો’ના ડિલીવરી બોયને પણ સરખી રીતે નોકરી નથી કરવા દેતા. બોલો.)
જે ભગવાનની ભક્તિ કરીને મુક્તિ મળવાની છે એનો 'ઓપ્શન' ચૂઝ કરતાંની સાથે જ 'બીજા ઓપ્શન' ચૂઝ કરનારા તમારા દુશ્મન થઈ જાય ? એવું કેવું ?
ના ના, તમે જ કહો, ધારો કે એક સૂડો-પોપટ અને એક કાંઠલાવાળો પોપટ સામસામે આવી જાય તો શું ઝગડવા મંડે કે, “તું તો સૂડો છે !” “જા જા ! તું તો ભક્ત છે !” (સોરી ,
‘સુડો’ અને ‘ભક્ત’વાળી ઉપમાઓ તો સેક્યુલરો અને દેશપ્રેમીઓમાં, એટલે કે માણસોમાં હોય છે.)
સાધુ-સંતો આપણને ‘કર્મ’ની થિયરી પણ ભણાવે છે. કહે કે તમે ફળની આશા રાખ્યા વિના કર્મ કરતા રહેશો તો અવશ્ય મુક્તિ મળશે. ચાલો, માન્યું પણ એ હિસાબે તો ગધેડાઓને સૌથી પહેલાં મુક્તિ મળવી જોઈએ !
તમે જ કહો, બિચારો ગધેડો આખી જિંદગી કયા ફળની આશામાં વૈતરું કરે છે ? બિચારો કોઈ જોડે લડતો – ઝઘડતો નથી, કોઈ જોડે ઈન્ટેલેક્ચુઅલ વિવાદમાં નથી પડો, બહુ રાજી થાય તોય થોડું ભૂંકે અને બહુ દુઃખી થાય ત્યારે પણ એટલું જ ભૂંકે ! શું આ સાચા ‘સંત’ના લક્ષણો નથી ?
એની વે, અમને આવતા જન્મે ગધેડાનો અવતાર મળે કે ના મળે, એક વાત નક્કી છે : આ મનુષ્યાવતારમાં બહુ કન્ફ્યુઝન છે, બોસ !
***
- મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com
Comments
Post a Comment