બંધારણની 370મી કલમ દૂર થઈ ત્યારે મોબાઈલમાં એક ‘મિમ’ ફરતું હતું. મોદીજી અક્ષયકુમારને કહે છે : “તુમ ફિલ્મેં બનાતે જાઓ, સબ્જેક્ટ મૈં દેતા રહુંગા !”
બીજી બાજુ ખબર એ છે કે મુંબઈમાં ડઝનબંધ પ્રોડ્યુસરોએ ‘આર્ટિકલ 370’ના નામે અલગ અલગ ફિલ્મનાં ટાઈટલો ઓલરેડી રજિસ્ટર કરાવી નાંખ્યાં છે !
હવે યાર, કાશ્મીરનો આતંકવાદ... બોમ્બધડાકા... પથ્થરબાજી... મોદી-શાહનું પ્લાનિંગ... રાતોરાત યોજના અને જાહેરાત... આવી ‘ઢેનટેન ઢેનટેન’ ફિલમ બનાવવાનું તો બધા વિચારશે !
સરવાળે ભગતસિંહની પાંચ ફિલ્મો એકસાથે આવી પહોંચેલી, એવી હાલત થાય ! એના કરતાં, કોઈ હલકી-ફૂલકી કોમેડી બનાવી હોય તો ?
અમારી પાસે એક સ્ટોરી રેડી છે...
***
મામલો એવો છે કે બારામુલ્લા ગામમાં વસતાં એક મા-બાપની એક દિકરી દિલ્હીની SMU યુનિવર્સિટીમાં ભણવા ગઈ હતી. ત્યાં એક હિન્દુ છોકરાના પ્રેમમાં પડીને તેની જોડે મેરેજ કરી લીધાં છે. (અક્ષયકુમાર અને સોનાક્ષી સિન્હા)
એવામાં કલમ 370 દૂર થવાના ન્યુઝ આવે છે. છોકરી દિલ્હીમાં એક ટ્રાવેલ એજન્સી ચલાવે છે અને છોકરો એક લકઝરી બસ ચલાવે છે. (કારણ કે ગુજરાત યુનિ.માં એન્જિનિયરીંગ કર્યા પછી એને આ એક જ કામ સરખી રીતે કરતાં આવડે છે.)
છોકરીને થાય છે કે યાર, હવે તો કાશ્મીરમાં જન્મેલી દિકરીને જમીન-મિલકતમાં હક્ક મળી શકે છે!તો ભઈ, બારામુલ્લામાં જઈને ટ્રાવેલ એજન્સીની ‘કાશ્મીર-બ્રાન્ચ’ કેમ ના ખોલીએ ?
મગર, માં-બાપ યહાં વિલન બન કે બૈઠે હૈ ! (ઢેનટેણેન...) એ લોકો હજી દીકરીને તો ભાગ આપે પણ ખરા પરંતુ હિન્દુ જમાઈ અહીં જામી પડે એ વાત એમને મંજુર નથી.
બિચારો અક્ષયકુમાર એના સાસુ-સસરાનાં દિલ જીતવા માટે જાતજાતનાં નાટક કરે છે. આખેઆખો બકરો ખાઈ જાય છે... ફૂલ સ્પીડે ચાલતી લકઝરી બસના છાપરા ઉપર નમાઝ પઢી બતાડે છે.... કુરાનની આયાતો રીવર્સમાં ગોખીને સંભળાવે છે... અરે, ‘હું પેલા આતંકવાદી બુરહાન વાનીનો ખૂફિયા એજન્ટ હતો’ એવો ડ્રામો પણ કરે છે....
છતાં મા-બાપ માનતાં નથી. છેવટે અક્ષયકુમાર રીતસર બંધારણનો ચોપડો લાવી, તેમાંથી કલમ નંબર 370નું પાનું કાઢી, તેને ઠાઠડી ઉપર સુવડાવી, ભવ્ય જનાજો કાઢી, તેની સંપૂર્ણ વિધિથી કબ્રસ્તાનમાં દફનવિધિ કરીને, છાતી ફૂટતાં હૈયાફાટ રૂદન કરી બતાડે છે !
આ જોઈને સાસુ-સસરાનાં દિલ પીગળી જાય છે ! મગર... મગર... મગર...
એ જ વખતે અક્ષયકુમારના બે સાળા, વિલન બનીને એન્ટ્રી મારે છે ! (ઢેનટેણેન...)
એક સાળો (અજય દેવગણ) મથુરામાં હોલ-સેલનાં નાળિયેર કેરળથી મંગાવીને આખા યુપીના મંદિરોમાં સપ્લાય કરવાનો ધંધો કરે છે.
બીજો સાળો (રણવીર સિંહ) રાજસ્થાનના કોટા શહેરમાં ‘પ્લાસ્ટર ઓફ પેરિસ’ બનાવવાની ફેકટરી નાંખીને બેઠો છે જેમાંથી દેશભરમાં ભગવાનોની મૂર્તિઓ બને છે !
આ બન્ને સાળાઓ પોતાની બહેનની જમીન પચાવીને હજમ કરી જવા માંગે છે. જોકે અહીં બારામુલ્લામાં એમના મા-બાપને એમના આ ઈન-ડાયરેક ‘ધાર્મિક’ ધંધાઓની ખબર જ નથી !
અક્ષયકુમાર પહેલાં તો જાસૂસી કરીને એમના ‘હિન્દુ-સપોર્ટિવ’ ધંધાની પોલ શોધીને ખોલી કાઢે છે. મા-બાપ આ જાણીને હબક ખાઈ જાય છે. ( રિશી કપૂર નીતા સિંહ) પછી અક્ષય કુમાર બન્ને સાળાઓને ઊંધું-ચત્તું ભણાવીને એકબીજાની વિરુધ્ધ લડાવવાના ખેલ પાડે છે.
એવામાં નાનો સાળો શોધી કાઢે છે કે મોટા સાળાની બૈરી (કાજોલ) તો મથુરાના એક હિન્દુ પંડિતની છોકરી છે ! (ઢેનટેણેન...)
થોડી વાર બીજું ઢેનટેણેન... બહાર પડે છે કે નાનો સાળો પણ કોટાની એક જૈન વેપારીની છોકરીને પરણ્યો છે ! (દિપીકા પાદુકોણ)
આ આખો ઝમેલો સોલ્વ કરવા માટે અક્ષયનાં મા-બાપ (પરેશ રાવલ, અર્ચના પૂરણસિંહ)જ્યારે દિલ્હીથી બારામુલ્લા આવી પહોંચે છે ત્યારે ખબર પડે છે કે 1989માં તેઓ જે મકાન છોડીને જતા રહ્યાં હતાં એ જ મકાનમાં અક્ષયનાં સાસુ-સસરા રહે છે !
પરેશ અર્ચના ચડી બેસે છે કે અમારી પાસે હજી અમારી પ્રોપર્ટીનાં કાગઝાત સલામત છે! તમને તો રસ્તા પર લાવી દૈશું ! ત્યારે રિશી નીતા કબૂલાત કરે છે કે ભાઈ, અમે તો જમ્મુમાં ઘેટાં બકરાં ચરાવતા હતા પણ જિહાદીઓએ અમને જબરજસ્તીથી અહીં વસાવ્યા છે.
રિશી નીતા રડારોળ કરી મૂકે છે. બિચારી સોનાક્ષી ઈમોશનલ થઈને આ સંસાર ત્યાગીને હિમાલયની ગુફામાં જતી રહેવા માંગે છે. આ જોઈને અક્ષયનું દિલ હિમાલયના બરફની જેમ પીગળી જાય છે.
છેવટે બધા એક જોડે ‘કોમ્પ્રો’ (સમાધાન) કરે છે. સૌ બારામુલ્લા છોડીને એક ‘તેરામુલ્લા’ નામના ગામમાં જઈને, જોઈન્ટ-પ્રોપર્ટી ખરીદીને, તેમાં ‘ઇન્ડો-અમેરિકન સફરજન’ ઉગાડવા માંડે છે !
ધી એન્ડ...
***
- મન્નુ શેખચલ્લી
અદ્ભૂત અદ્ભૂત
ReplyDeleteઅદ્ભૂત
ReplyDelete