આપણને ફાવે તેવી ચાઇનિઝ પ્રોડક્ટો !


આપણા વિદેશમંત્રી એસ. જયશંકર ચીનમાં જઈને ચાર મોટા કરાર કરી આવ્યા.

આમ તો તમામ ચાઈનિઝ પ્રોડક્ટો સાવ તકલાદી હોય છે પરંતુ અમુક પ્રોડક્ટોમાં એમની આ ‘ચાઈનિઝ’ ક્વોલિટી જ આપણને કામમાં આવે એવી છે !

અમને લાગે છે કે એવા જ પ્રોડક્ટોના નવા કરાર કરવા જેવા છે...

***

ઓગળેબલ મૂર્તિઓ

આપણી દેશી મૂર્તિઓ નદી તળાવ કે દરિયામાં કેમ ઓગળતી નથી ?

કારણ કે એનું પ્લાસ્ટર ઓફ પેરીસ ‘સારું’ હોય છે !

બોસ, આપણે ચાઈનાનું પ્લાસ્ટર ઓફ પેરિસ (કે શાંઘાઈ) મંગાવો ને ? જેમાંથી બનેલી મૂર્તિઓ પાણીમાં નાંખતાની સાથે ઓગળવા માંડે...

***

ગુજરાત સ્પેશીયલ’ દારૂ

સાચું કહેજો, મહારાષ્ટ્ર અને રાજસ્થાનથી આવતા દારૂના ચામડાંતોડ ભાવ ચૂકવવા પડે છે ને ?

એના કરતાં ‘ચાઈનિઝ’ દારૂ શું ખોટો ?

પેકિંગ, લેબલ, કલર, ટેસ્ટ, સુગંધ.. બધું ઓરિજિનલ જેવું જ હોય ! બસ, પછી પછી એક કલાકમાં નશો ઊડી જાય !

બોલો, કેટલું સારું ? પોલીસ પણ ના પકડે અને પત્નીને ય ખબર ના પડે...

***

સડી જાય એવી ફાઈલો

ભઈ, આદર્શ કૌભાંડ હોય કે રાફેલની ફાઈલો હોય... સાલી મિડિયામાં લીક થાય ત્યારે હેરાન-પરેશાન કરી મુકે છે !

એના કરતાં વરસ બે વરસમાં સડી જાય એવી ચાઈનિઝ ફાઈલો જ વસાવો ને ?

એક બાજુ કૌભાંડ પતે, અને બીજી બાજુ ફાઈલો..

***

ચાઈનિઝ રોડ-મિટીરીયલ

શહેરના રસ્તા, તળાવની પાળો, રોડના ડિવાઈડરો, નર્મદાની કેનાલો... આ બધા માટે વપરાતું મટિરીયલ..

શું કહ્યું ? એ બધું ઓલરેડી ‘ચાઈનિઝ’ મટિરીયલ જ હોય છે ? બોલો.

***

- મન્નુ શેખચલ્લી

 

Comments