હવે જ્યારે કલમ 370 અને 35A ખતમ ખતમ થઈ ગઈ છે ત્યારે બીજા રાજ્યોના લોકો કાશ્મીરમાં જઈને વસી શકશે, રાઈટ ?
પણ જરા વિચારો કે ગુજરાતીઓ કાશ્મીરમાં ક્યાં ક્યાં અને કેવી રીતે એન્ટ્રી મારશે ?...
***
ઉદ્યોગો
અંબાણી, અદાણી અને ટાટા જેવી મોટી મોટી પાર્ટીઓ કાશ્મીરમાં મોટા ઉદ્યોગો શરૂ કરે એ પહેલાં ગુજરાતીઓ લઘુ-ઉદ્યોગ ચાલુ કરી દેશે...
... ખાખરા, થેપલાં, ભાખરવડી, ઝીણી સેવ, ઝાડી સેવ, તીખો ચેવડો, ફરાળી ચેવડો વગેરે નાસ્તાઓ બનાવવાનો ગૃહ-ઉદ્યોગ !
તમે કહેશો કહેશો કે આ બધુ કાશ્મીરીઓ થોડા ખાવાના હતા ? પણ ભઈ, ગુજરાતી ટુરિસ્ટો તો ડેફીનેટલી ખાવાના ને ?
***
દુકાનો
કાશ્મીરમાં શ્રીનગર જેવા શહેરમાં મોકાની જગાએ માત્ર 6 x 6 ફૂટની જગા લઈને ગુજરાતીઓ દુકાનો સ્ટાર્ટ કરી નાંખશે !
તમે પૂછશો કે 6 x 6 ફૂટમાં તે વળી શેની દુકાન થાય ? તો ભઈ, પાનનો ગલ્લો તો કરાય ને ?
ગુજરાતી ટુરિસ્ટો (અને યુપી બિહારના સૈનિકો) પાન-મસાલા, ગુટખા, માવો... એવું બધું તો ખાવાના જ ને ! સ્સોલીડ રોકડી છે બોસ...
***
એજન્સીઓ
વિવિધ ઉત્પાદનોની લે-વેચ માટેની એજન્સીઓ તો આવશે ત્યારે આવશે પણ ‘જમીનોની લે-વેચ’ માટેના ગુજરાતી દલાલી એજન્ટો સૌથી પહેલા સક્રિય થઈ જશે ! છાપાઓમાં જાહેરખબરો આવશે :
“આજે જ બુક કરાવો... 1BHK, 2BHK અને 3BHKના લક્ઝુરીયસ એપાર્ટમેન્ટો અમદાવાદ-સુરત કરતાં અડધા ભાવે !”
***
ભવ્ય ઈવેન્ટો
આમાં પણ છાપાની જાહેરખબરો જોઈ લેજો...
“દાલ સરોવરનાં પાણી ઉપર પાવન પવિત્ર કથા-સપ્તાહનું ભવ્ય આયોજન ! સાત દિવસ માટે શિકારા તથા હોડીઓમાં બેસીને કથા સાંભળવા માટે આજે જ સંપર્ક કરો...”
***
“શ્રીનગરના લાલચોકમાં નવરાત્રી રાસ-ગરબાની શાનદાર રમઝટ ! ખાણીપીણીના સ્ટોલ રાખવા માટે તથા NRI
સ્પોન્સરશીપ માટે સંપર્ક કરો..”
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment