સંતા-બંતાની ગુજરાતી એડિશન જેવા આપણા ‘ડીમ-લાઈટ’ લલ્લુ-બલ્લુ આ સિઝનના ભરચક વરસાદમાં શું કરી રહ્યાં હતા ?...
***
(આકાશમાંથી ધોધમાર વરસતો વરસાદ જોઈને...)
લલ્લુ : બહુ ભારે વરસાદ પઈડો, નંઈ ?
બલ્લુ : (વિચારે છે...)
(હજી વિચારે છે...)
(ફરી વિચારે છે...)
(ઘણું વિચારે છે...)
(પછી કહે છે...)
બલ્લુ : તેં વરસાદનું વજન કેવી રીતે કઈરું ?
***
લલ્લુ : ગઈકાલે રાત્રે મારા ઘરના પાછલા બારણમાંથી પાણી ઘૂસી આયવું...
બલ્લુ : પછી ?
લલ્લુ : પછી વળી શું ? ઘરમાં કાંઈ ચોરી કરવા જેવું નો મઈળું એટલે પાછું વયું ગ્યું !
***
બલ્લુ : મારા ઘરમાં તો પાણી આવી ગ્યું છે ઈ જાતું જ નથી. મને તો ટેન્શન થાય છે...
લલ્લુ : શેનું, ઘરવાળીને તકલીફ થાશે, એનું ?
બલ્લુ : ના. મ્યુનિસિપાલિટીવાળા હવે ‘એકસ્ટ્રા’ પાણીવેરો લગાડશે... એનું !
***
(ચારે તરફ કેડ સમાણાં પાણી ભરાયાં છે. એવામાં બિચારો લલ્લુ એ ઊંડા પાણીમાં આમથી તેમ આંટા મારીને કંઈ શોધતો દેખાય છે.)
(બલ્લુ ઊંડા પાણીમાં ઉતરીને એની પાસે જઈને એને પૂછે છે.)
બલ્લુ : આટલો બહાવરો બહાવરો કાં દેખાય ?
લલ્લું : શું કરું ? મને સખ્ખત પેશાબ લાગી છે પણ ક્યાંય શૌચાલય દેખાતું નથી !
(બલ્લુ પહેલાં સ્તબ્ધ થઈ જાય છે. પછી તે ગળગળો થઈ જાય છે ! તેની આંખોમાં ઝળઝળિયાં આવી જાય છે ! તે લલ્લુને ભેટી પડે છે !)
લલ્લુ : શું થિયું ?
બલ્લુ : અરે, મોદી સાહેબના ‘સ્વચ્છતા અભિયાન’નો આવડો મોટો ભક્ત મેં આજે પહેલી વાર જોયો !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment