બોલો, ગઈકાલે 10 ઓગસ્ટે, ‘વર્લ્ડ લેઝી-ડે’ હતો ! (આળસુ દિવસ)
ગઈકાલે ‘સિંહ-દિવસ’ તો હતો જ, પણ આળસુ-દિવસની તો વાત જ અલગ હોય ને...
***
‘વર્લ્ડ લેઝી-ડે’ની આપણને ખબર કેમ ન પડી ?
- ક્યાંથી પડે ? આળસુઓ આળસમાં ને આળસમાં કહેવાનું ચૂકી ગયા હશે !
***
આળસુ દિવસે આળસુઓ શું કરે છે ?
- કંઈ નહીં ! કારણ કે જો ‘કંઈ કરે’ તો તો એ ‘એક્ટિવ-દિવસ’ થઈ જાય ને !
***
આ ‘લેઝી-ડે’ની ઉજવણી ક્યારે શરૂ થતી હોય છે ?
- લગભગ ‘બધા’ જાગી જાય ત્યારે ! ના ના, સૉરી, બધા ‘લગભગ’ જાગી જાય ત્યારે !
***
ઈન્ટરનેશનલ લેઝી-ડેનું સ્લોગન શું છે ?
- એક બે દિવસમાં કહું છું. કંઈ ઉતાવળ છે તમને ?
***
સમયની સાથે રહેવા માટે આળસુઓ શું કરે છે ?
- ઘરમાં ક્યાંક એકાદ કેલેન્ડર હોય છે.
***
આળસુ માણસની મહત્વાકાંક્ષા શું હોય છે ?
- ક્યારેક તો નહાવું છે, યાર !
***
આળસુ માણસનું સપનું શું હોય છે ?
- એ જ, કે પોતે સપનામાં પણ આરામથી ઊંઘતો હોય !
***
આળસુ પતિનું અલ્ટીમેટ સપનું શું હોય છે ?
- એમેઝોનવાળા ઘરે આવીને બાબાની હોમ ડિલીવરી કરી જાય !
***
તો આળસુ પત્નીનું સપનું ?
- એક બાબા ઉપર બીજો ફ્રી હોય !
***
આળસુઓની પ્રિય વાનગી શું હોય છે ?
- બગાસાં... ખાવાં !
***
વર્લ્ડ લેઝી એસોસિએશનના પ્રમુખ કોણ છે ?
- કોઈ નથી... આળસુઓ મતદાન કરવા જાય તો ને ?
***
ભાગદોડ કરતી આ દુનિયા માટે આળસુઓ શું મેસેજ આપવા માગે છે ?
- મેસેજો તો ઘણા છે પણ... (બગાસું)... (બગાસું)... (બગાસું)...
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment