કવિને કેવું કેવું થાય છે ?!


કવિને એમ, કે…

જે હોય છે

તે હોય છે, અને

જે નથી હોતું

તે પણ હોય છે.

ક્યાંક, જે હોય

તે ન પણ હોય

ને ક્યાંક જે ના હોય

તે પણ હોય છે.

***

કવિને એમ, કે…

જે થાય છે

તે થાય છે

જે નથી થતું

તે પણ થાય છે.

જે થઈ ગયું

તે થશે નહીં

અને જે થશે નહીં

તે થયું નથી

તોય, જે થયું

તે તો થયું…

એવું પણ થાય છે !

બોલો.

***

જ્યાં કંઈક છે,

ત્યાં કશું નથી.

જ્યાં કશું નથી,

ત્યાં કંઈક છે,

જ્યાં કંઈક ને કંઈક છે

ત્યાં કશું ને

કશું નથી.

એવું એવું, કંઈક કંઈક

કવિને થાય છે !

બોલો.

***

જે હશે, તે હશે.

એવું કવિને હતું…

પણ જે હતું

તે તો હતું જ નહીં.

અને જે છે,

એવું કવિને છે જ નહીં !

બોલો.

***

હશે ત્યારે,

એમ હશે..

એવું હંમેશાં

હશે નહીં.

જ્યારે હશે,

ત્યારે હશે…

એવું ય ક્યારેક

હશે નહીં,

છતાં, હશે

ત્યારે જ હશે

તે એવું હશે ? કે

તેવું હશે ?

એવું કવિને થતું હશે !

બોલો.

***

કવિને જે થાય છે, ને…

કંઈ હોય,

તો પણ થાય છે.

કંઈ ન હોય,

તો પણ થાય છે.

જે થવાથી થાય છે..

તે જ નહીં થવાથી

થાય છે !

તેથી…

જે થતાં થતાં

રહી જાય છે,

તે જ કવિને થાય છે !

કે આમ જે

થાય છે,

તે આમ પણ

‘કેમ’ થાય છે ?

બોલો.

Comments