ઈન્ટરનેટ ઉપર ન્યુઝ છે કે BCCI પાસે ભારતીય ટીમના વિવિધ કોચિંગ સ્ટાફ માટે 2000 જેટલી અરજીઓ આવી છે !
અમે કહીએ છીએ કે આમેય વિવિધ ટાઈપના કોચિંગની સખત જરૂર છે જ ! જુઓ…
***
કર્સિંગ કોચ
યાને કે મેદાન ઉપર ગાળો કેવી રીતે બોલવી ! હાલમાં માત્ર વિરાટ કોહલી જ એમાં ચેમ્પિયન છે. બાકીના પ્લેયરોને નવી નવી ‘ઈનોવેટિવ’ ગાળો શીખવાડવા માટે 200-500 ટપોરીઓ પાસે અરજી મંગાવો !
***
મિડીયા કોચ
‘ટીમમાં બધું બરોબર છે…’ ‘અમારા વચ્ચે કોઈ ઝગડો નથી…’ ‘મેનેજમેન્ટ સમજી વિચારીને નિર્ણય લેશે…’
આવું બધું શાણું શાણું શી રીતે બોલવું ? અને દિલની ભડાસ ક્યાંક મિડિયાવાળો સાંભળી ના જાય એની તકેદારી શી રીતે રાખવી ?
આવું કોચિંગ આપવા માટે 200 -500 હતાશ કોંગ્રેસીઓ પાસે અરજી મંગાવો !
***
વાઈરલ-વિવાદ કોચ
“હું તો બોઈ યે નંઈ, ને ચાઈ યે નંઈ…” એવો દેખાવ કરવા છતાં ધર્મગુરુઓ, સંસ્કૃતિના રખેવાળો તથા મહિલા અધિકારવાળીઓ પાસે ચીસાચીસ કેવી રીતે કરાવી મુકવી ?
આનું કોચિંગ મેળવવા માટે પેલી બંગાળની બે અભિનેત્રી સાંસદોના સેક્રેટરીઓનો સંપર્ક કરો !
***
એક્ટિંગ કોચ
સુપર-સ્ટાર બની ચૂકેલા ક્રિકેટરો જ્યારે ટીવી એડ.માં દેખાય છે ત્યારે એમની એક્ટિંગ જોઈને સાવ પૈસા પડી જાય છે !
ભઈ, બધાનાં નસીબમાં અનુષ્કા જેવી અભિનેત્રી નથી હોતી, જે એડ.માં પણ એક્ટિંગ શીખવવાની એક્ટિંગ કરે…
રસ્તો એક જ છે. ઈન્ડસ્ટ્રીમાં સ્ટ્રગલ કરતી 200-500 એક્ટ્રેસો પાસે અરજીઓ મંગાવો. એમને કહો, પગાર-બગારનું ના વિચારો. ઉલ્ટું, એમ વિચારો કે એકાદ ‘કરોડપતિ’ બોયફ્રેન્ડ મળી જશે તો લાઈફ ‘સેટ’ થઈ જશે !
***
રાહુલ કોચ
અરે ભઈ, રાહુલ ગાંધીને કોચિંગ આપવાની વાત નથી ! (ભલભલા થાકી ગયા, ભૈશાબ.)
રાહુલ ગાંધીને કોચ તરીકે બેસાડવાની યે વાત નથી. (આમાં તો BCCI બંધ કરવાનો વારો આવે.)
અમે તો સિરિયસલી કહીએ છીએ કે જે ચૂપચાપ પોતાનું કામ શ્રેષ્ઠ રીતે કરે, એવા… કોઈ ‘રાહુલ દ્રવિડ’ની જરૂર છે. રાઈટ ?
-મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment