કબીર સિંહ પાર્ટ ટુ... ટ્રેજિક કહાની !


‘કબીર સિંહ’ નામની જે ફિલ્મે 200 કરોડનો ધંધો કરી નાંખ્યો છે એમાં પ્રેક્ષકોને શાહિદ કપૂરનો ‘ગુસ્સો’ બહુ ગમે છે ! એટલું જ નહિ, એની ‘દાદાગિરી’થી પ્રેમ કરવાની જે સ્ટાઈલ છે એ પણ બહુ ગમી ગઈ છે.

એ તો ઠીક, ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતો શાહિદ કપૂર દારૂ પીએ છે, ડ્રગ્સ લે છે છતાં ઓપરેશન બહુ પરફેક્ટ કરે છે એ વાત ઉપર પણ લોકો ફીદા છે !

શાહિદ કપૂર એની પ્રેમિકા કિઆરા અડવાણીના પ્રેમમાં તડપીને ડ્રગ્સ લેતો થઈ જાય છે એને પ્રેક્ષકો માત્ર ‘સ્ટોરી’ માને છે !

ઓકે. હવે જસ્ટ વિચારો કે શાહિદ અને કિઆરાનાં લગ્ન થઈ જાય છે ! અને પછી ? ‘કબીર સિંહ પાર્ટ-ટુ’માં શું શું થાય છે ?

***

કિઆરાએ માંડ માંડ સમજાવી પટાવીને, સારો પગાર આપવાનું નક્કી કરીને એક કામવાળી બાઈ રાખી છે.

બાઈ અઠવાડિયાની એક રજા પાળે છે. એ ઘરના ફ્રિજનું ઠંડુ પાણી પીએ છે, કિઆરાનો મેકપનો સામાન વાપરે છે, વધેલું ખાવાનું એંઠવાડમાં લઈ જતી નથી અને એને ઊંચા અવાજે બોલાવો તો ગુસ્સે થઈ જાય છે...

આવી કામવાળીથી એક દિવસ ભૂલથી પોતું કરવાના પાણીમાં વોશિંગ પાવડર નંખાઈ જાય છે ! જેના કારણે ફર્શ ઉપર ફીણ ફીણ થઈ જાય છે !

પરિણામે શાહિદ કપૂર એની ઉપર લપસીને ગબડે છે. એનું નાક ટીચાઈ જાય છે અને માથામાં ગુમડું થઈ જાય છે ! એ જોઈને કામવાળીને ખૂબ જ હસવું આવે છે.

બસ, એ જોઈને શાહિદ કપૂરની છટકે છે. એ ઝાડુ ઉઠાવીને કામવાળીને મારવા દોડે છે ! એને એમ હતું કે બિચારી કામવાળી ‘પાર્ટ-વન’ની જેમ છેક બિલ્ડીંગના ઝાંપાની બહાર ભાગી જશે, પણ અહીં ઊંધું થાય છે !

કામવાળી જઈને કર્મચારી યુનિયનમાં ફરિયાદ કરે છે ! જેના કારણે આખા એપાર્ટમેન્ટમાં ત્રણ દિવસ લગી કોઈ કામ કરવા આવતું જ નથી !

આનાથી ત્રાસીને એપાર્ટમેન્ટની ગૃહિણીઓ ભેગી થઈને શાહિદ કપૂર આગળ એવો ટિટિયારો મચાવી મુકે છે કે છેવટે શાહિદ કપૂરે પેલી કામવાળીની ‘લેખિત’ માફી માગવી પડે છે !

- એટલું જ નહિ, ત્રણ દિવસ માટે કિઆરા અડવાણીને પેલી કામવાળીના ઘરનાં કચરાં-પોતાં કરવાની સજા થાય છે ! બોલો.

***

‘કબીર સિંહ’ના પાર્ટ વનમાં ડૉ. શાહીદ કપૂરે એની હોસ્પિટલની એક નર્સને ઓપરેશન વખતે સાવ મામૂલી ભૂલ માટે બધાની સામે સખ્ખત રીતે ખખડાવી નાંખી હતી...

હવે પાર્ટ-ટુમાં એ નર્સ બદલો લેવાનું નક્કી કરે છે !

એ જાણે છે કે શાહિદ કપૂરને લવમાં ટ્રેજેડી થઈ જાય તો એ દારૂ અને ડ્રગ્સના રવાડે ચડી જાય છે. આ નર્સ ટીવી સિરિયલો બહુ જોતી હોય છે. તે એકતા કપૂરની એક સિરિયલમાંથી આઈડિયા ચોરે છે.

તે કિઆરા અડવાણીને ‘બે સાડી ઉપર ત્રણ સાડી ફ્રી’ હોય એવા સેલની ડિસ્કાઉન્ટ કુપનોની લાલચ આપીને એક શો-રૂમમાં બોલાવે છે અને પછી તેને પસંદગીની સાડીઓ બતાડવાને બહાને દુકાન પાછળના ગોડાઉનમાં લઈ જઈને એને સાડીઓ વડે જ ત્યાં બાંધી દે છે !

પછી એ નર્સ કિઆરાના મોબાઈલથી શાહિદ કપૂરને મેસેજ મોકલે છે “આપણા લગ્ન પછી હું એક બીજા યુવાનના પ્રેમમાં પડી ગઈ છું અને હંમેશ માટે તને છોડીને હું ઓસ્ટ્રેલિયા જઈ રહી છું !”

બિચારો શાહિદ કપૂર ‘હાર્ટ-બ્રેક’ થવાથી દારૂ પીવા લાગે છે ! ડ્રગ્સ લેવા લાગે છે ! આ તકનો લાભ લઈને પેલી નર્સ શાહિદના ટેબલના ખાનામાં ડ્રગ્સનો મોટો જથ્થો સંતાડીને પોલીસને ફોન કરી દે છે ! પોલીસ રેડ મારે છે... શાહિદ કપૂર પકડાઈ જાય છે.

છતાં શાહિદીયાની ટણી તો ઓછી થતી જ નથી ! એ ઈન્સપેક્ટર આગળ ઝગડો કરી બેસે છે. એમાં બિચારો લોક-અપમાં ડબલ માર ખાય છે !

એટલું જ નહિ, ટાડા-કોર્ટમાં એ જજસાહેબ આગળ ગુસ્સામાં એલફેલ બકવાસ કરે છે !

જજસાહેબ એને તતડાવે તો શાહિદ કપૂર આરોપીના પિંજરામાંથી કૂદકો મારીને જજ સાહેબને એમની જ હથોડી વડે મારવા મંડે છે !

- જેના કારણે જજ સાહેબ એને 7 વરસની સજા ફટકારે છે ! શાહિદ કપૂર જેલમાં પણ ડ્રગ્સ લઈને તમાશા કરે છે એટલે છેવટે એને પાગલખાનામાં મોકલી આપવામાં આવે છે !

અહીં એ સલમાન ખાનની ‘તેરે નામ’ જુએ છે અને ખરેખર પાગલ થી જાય છે !!

ધી એન્ડ...

***

- મન્નુ શેખચલ્લી

Comments