એક વૈજ્ઞાનિકે એવી આગાહી કરી છે કે 2030 સુધીમાં માનવી ‘અમર’ થઈ જવાની ફોર્મ્યુલા શોધી કાઢશે !
એટલું જ નહિ, બુઢ્ઢાઓ લાઈફનો પ્રોસેસ રિવર્સ કરીને જવાન પણ બની શકશે !
પણ બોસ, આટલી મોંઘી ટ્રિટમેન્ટો કરાવશે કોણ ? કરોડો કમાતા ક્રિકેટરો, અબજો કમાતા ફિલ્મ સ્ટારો અને ખર્વો ખાઈને બેઠેલા કૌંભાડીઓ જ ને !
તો એ વખતે બિચારો મામૂલી માણસ શું વિચારતો હશે ?
***
બે યાર, આ કોહલી હજી કેપ્ટનશીપ છોડતો નથી ! ધોની હજી વિકેટકિપિંગ કર્યા કરે છે… સચિન તો હદ કરે છે, ઉંમર રિવર્સ કરાવીને એણે ફરીથી ‘અંડર-19’ની મેચો રમવા માંડી છે !
પેલો નવજોતસિંહ સિધ્ધુ પોલિટિક્સમાંથી રિટાયર થઈ ગયો તો ફરી ક્રિકેટ રમવા માંડ્યો છે ! એ તો ઠીક, પણ પોતે ફિલ્ડીંગ કરતો હોય ત્યારે પણ મોટા અવાજે શાયરીઓ બોલી બોલીને બધાને કીધે રાખે છે : “ઠોકો…. ઠોકો….”
અમિતાભે તો ત્રાસ કરી મુક્યો છે. જુવાન બનીને બિચારા અભિષેક બચ્ચનના જ રોલ ખૂંચવી લે છે ! હદ તો ત્યારે થાય છે જ્યારે એ ઐશ્વર્યાની દિકરી આરાધ્યા જોડે ‘કજરારે… કજરારે..’ના દસમા રિ-મિક્સ ઉપર ઢાંગાની જેમ કમર હલાવીને નાચવા માંડે છે !
સલમાન ખાન હવે બહુ જિદ્દી થતો જાય છે. એ કહેતો ફરે છે કે હું દુનિયાનો પહેલો 100 વરસની ઉંમરવાળો ‘વર્જિન’ બનવા માંગું છું !
આમાં શાહરુખ ખાન ફસાઈ ગયો છે. ‘ઝિરો’ની રિ-મેક બનાવવા માટે એણે રિવર્સ ઉંમરની ગોળીઓનો ચાર ગણો ડોઝ લઈ લીધો, એમાં બિચારો પરમેનેન્ટલી ઠીગૂજી બની ગયો છે ! હવે એ વજન વધારીને ‘છોટા ભીમ’ બનાવવા માગે છે.
બાકી રજનીકાન્ત સર આજે પણ કમાલ કરી રહ્યા છે. નાનો બાબો, મોટો ભાઈ, પપ્પા, દાદા અને પરદાદા એમ પાંચ પાંચ રોલ એકસાથે કરવા માટે એમણે ગોળીઓ ખાવાને બદલે અબજો રૂપિયાનું ટાઈમ-ટ્રાવેલ મશીન જાતે જ બનાવી લીધું છે !
બિચારા આયુષ્યમાન ખુરાના, રાજકુમાર રાવ અને વિકી કૌશલ જેવા ગરીબ એક્ટરો હજી જુવાન છે છતાં એમણે બાપા અને દાદાના રોલ કરવા પડે છે.
- બાકી, પેલા વિજય માલ્યાને જલસા છે. એ આજકાલ વરસમાં છ-છ કેલેન્ડરો બહાર પાડે છે !
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment