કંગના રાણાવતનું પ્રધાનમંડળ !


એક રિયાલીટી શોમાં કંગના રાણાવતે કહ્યું કે જો હું બોલીવૂડની પ્રધાનમંત્રી હોઉં તો કરણ જોહરને માહિતી અને પ્રસારણ મંત્રાલયનો મિનિસ્ટર બનાવું ! કારણ કે કરણ જોહરને બીજાઓની લાઈફમાં (કોફી પીવડાવીને) ખણખોદ કરવાની માસ્ટરી છે.

આ રીતે જોઈએ તો કંગનાની કેબિનેટમાં કોનો કોનો સમાવેશ કરવા જેવો છે ?...

***

નામ : સની દેઉલ

પોસ્ટ : ગૃહ મંત્રાલય (ખાસ હવાલો)

સની દેઉલને કાશ્મીરનો ખાસ હવાલો સોંપી દો ! એનો ઢાઈ કિલોનો હાથ બે-પાંચ આતંકવાદીઓનાં ડાચાં પર પડે… પછી મિડિયાને પણ મઝા પડી જશે !

***

નામ : તુષાર કપૂર

પોસ્ટ : બાળ વિકાસ મંત્રાલય

તુષાર કપૂર પોતે હજી એટલો બાબો છે કે તે ‘એ-આ-ઓ-... ઓયા-ઓઆ’ કરીને બાળકોની ભાષા તો બોલી જ શકે છે, ઉપરથી પોતે એટલો મોટો પણ થઈ ગયો છે કે 45 વરસના એક કોંગ્રેસી બાળકના વિકાસનું પણ ધ્યાન રાખી શકે છે.

***

નામ : સની લિઓન

પોસ્ટ : સંસ્કૃતિ વિકાસ મંત્રાલય

આ વિષ-કન્યા દ્વારા ફેલાવાતી કુ-સંસ્કૃતિ અટકાવવા માટે હવે આ જ ઉપાય બચ્યો છે !

***

નામ : સલમાન ખાન

પોસ્ટ : કપડા મંત્રી

જે માણસ કોઈપણ સિઝનમાં કોઈપણ કારણ વિના વસ્ત્રોનો ત્યાગ કરી શકે છે એ માણસ કપડા મંત્રી બને તો દેશમાં કેટલાં બધાં કપડાંની બચત કરાવી શકે !

***

નામ : અભિષેક બચ્ચન

પોસ્ટ : રોજગાર મંત્રાલય

આખી બોલીવૂડ ઈન્ડસ્ટ્રીમાં બેરોજગાર માણસની પીડા સમજી શકે એવો આ એક જ સ્ટાર છે, જે છેલ્લા ત્રણ ત્રણ વરસથી પોતે જ બે-રોજગાર છે !

***

નામ : અક્ષયકુમાર

પોસ્ટ : સાર્વજનિક સેનિટેશન (સ્વચ્છતા), મહિલા સ્વાસ્થ્ય મંત્રાલય, ખેલ મંત્રાલય, કાનૂન મંત્રાલય, જાસૂસી મંત્રાલય, નેવી મંત્રાલય, શહીદ સ્મારક મંત્રાલય, અવકાશ (સ્પેશ) મંત્રાલય… વગેરે

- કારણ કે એની ફિલ્મો થકી એને આ તમામ મંત્રાલયોનું ગહન જ્ઞાન પ્રાપ્ત થયેલું છે ! જુઓ, ટોઈલેટ : એક પ્રેમ કથા, પેડમેન, ગોલ્ડ, જોલી LLB, કેસરી, રુસ્તમ અને મિશન મંગલ !

***

- મન્નુ શેખચલ્લી

Comments