ભારતને ગળે પડેલી ટાઈ !


ભલે આપણે ‘ભારત મહાન’ અને ‘ભારતની સંસ્કૃતિ મહાન’નાં ઢોલ વગાડતા હોઈએ પણ અંગ્રેજોની ગુલામીના પ્રતિક જેવી એક ચીજને હજીયે આપણે ગળે વળગાડીને બેઠા છીએ !

જીહા, એ છે ‘કંઠ લંગોટ’ યાને કે ટાઈ ! અમને ત્રેંસઠ-ત્રેંસઠ વરસથી એ નથી સમજાતું (ત્રેસંઠ વરસની ઉંમર છે અમારી) કે આ દેશમાં જ્યાં બારમાંથી નવ મહિના ઉનાળા જેવું હોય છે ત્યાં આપણે બ્રિટીશરોની જેમ ગળુ બંધ રાખીને એની ઉપર મુશ્કેટાટ ટાઈ શા માટે બાંધી રાખવી પડે છે ?

સૌથી દયાજનક સ્થિતિ બિચારાં ઇંગ્લીશ મિડીયમ સ્કુલોના બાળકોની છે. એક તો આજે ગલીએ ગલીએ જ્યાં ને ત્યાં ‘દેશી ઇંગ્લીશ મિડિયમ’ નિશાળો ખુલી ગઈ છે. એમાં માબાપો તો શું, માસ્તરો પણ બાપ-જન્મારામાં કદી ટાઈ નહોતાં પહેરતાં.

જોવાની વાત એ છે કે ટાઈનો ડ્રેસ-કોડ માસ્તરો માટે નહિ, બિચારાં બાળકો માટે જ છે ! એક તો ટાઈ બાંધતા આવડે નહિ એટલે સ્કુલે લખી આપી હોય એ જ દુકાનેથી ‘ઈલાસ્ટિકવાળી’ ટાઈ લઈ આવવાની ! (આ ઈલાસ્ટિક પણ ગણવેશનો ભાગ હશે.) પછી એ ઈલાસ્ટિક શરૂશરૂમાં બહુ ટાઈટ લાગે એટલે બાળકો ટાઈને ખેંચખેંચ કર્યે રાખે. વરસ પુરું થતાં ઈલાસ્ટિક એટલું ઢીલું પડી જાય કે ટાઈને સરખી ટાઈટ રાખવા માટે ઈલાસ્ટિકમાં ‘ગાંઠ’ મારવી પડે !

બિચારાં છોકરાં બારમું પાસ થઈ જાય ત્યાં લગી ટાઈ બાંધવાનું શીખી શકતા નથી. (ટ્યૂશન ક્લાસીસમાં પણ નથી શીખવાડતા કારણકે ટાઈ બાંધવાના ‘માર્કસ’ નથી હોતા.)

આપણી ભારતીય સંસ્કૃતિવાળી ગુરુકુલ ટાઈપની નિશાળનાં બાળકો એક જ મહિનામાં અટપટું ધોતિયું પહેરતાં શીખી જાય છે પણ આ દેશી ઇંગ્લીશ મિડિયમ સ્કુલોમાં કદી ‘ટાઈ બાંધવાના’ ક્લાસ લેવાતા હોય એવું સાંભળ્યું, કદી ? ના ના, અંગ્રેજોની નકલ તો આંખ મીંચીને કરવી છે પણ શીખવું તો નથી જ.

મેઈન સવાલ એ છે કે ગળું કચકચાવીને તાણી બાંધવાનું આપણે શીખવાનું જ શા માટે ?

આવી ઈંગ્લીશ મિડિયમ સ્કુલો છૂટે ત્યારે જોજો. નિશાળના ગેટમાંથી નીકળતાંની સાથે જ ટાબરિયાંઓ એમના કંઠ-લંગોટને કાઢી નાંખે છે, કોલરનાં બટન ખોલી નાંખે છે અને અમુક ટેણિયાંઓ તો પેલી ઈલાસ્ટિક ટાઈ વડે અંદર લખોટી કે પથ્થર ભરાવીને ‘ગોફણ-ગોફણ’ રમતા હોય છે !

અચ્છા, જો બે છોકરાં મારામારીએ ચડ્યાં હોય તો એક દાવ જરૂરથી અજમાવશે : સામેવાળા છોકરાની ટાઈને પાછળથી ખેંચીને એને ગુંગળાવી નાંખવો…

બિચારા ‘જેન્ટલમેન’ અંગ્રેજો ગુજરાતમાં આવીને આવાં ‘બિન-જેન્ટલ’ દ્રશ્યો જુએ તો એમને કેવા કેવા આઘાતો લાગે ?

અચ્છા, નિશાળ છોડો, આગળ જઈને તમારે જો કોઈ માર્કેટિંગની જોબ લાગે તો ફરી આ ટાઈ તમારે ગળે પડવાની જ છે ! સાલું, ગામ આખું ઉનાળાના બફારામાં શર્ટનાં બે બટન ખુલ્લાં રાખીને ફરતું હોય એવા સમયે તમારે આખો દહાડો વજનદાર બેગ ઊંચકીને દુકાને-દુકાને (અથવા દવાખાને – દવાખાને) ભટકવાનું !

ઉપરથી ડોક્ટરો બબ્બે કલાક બેસાડી રાખે ત્યારે ટાઈ વડે બાંધેલા કોલરને લીધે ગરદનમાં આવતી ખંજવાળને માત્ર એક આંગળી ખોસીને શમાવવાની વ્યર્થ કોશિશો કરવાની ! પણ ટાઈને છોડી ના શકાય…

સ્કુલના બાળકો અને સેલ્સમેનો પછીની દયામણી કેટેગરી બિચારા કેટરિંગના સ્ટાફની હોય છે. લગ્નોમાં કે રિસેપ્શનોમાં તમે જોજો, બિચારો કેટરિંગવાળો છોકરો માંડ આઠમું પાસ થયો હોય, અંગ્રેજીમાં ‘યસ-નો’ સિવાય કશું આવડતું ના હોય એવા ઢગાને ટાઈ-જાકીટ પહેરાવીને બિચારા પાસે મજુરી કરાવે છે ! જરાક તો દયા રાખો ?

હા, લગ્નમાં ‘વેવાઈઓ’ની વાત અલગ છે ! એ મહાનુભાવો મે-જુનની ગરમીમાં કાળા ડામર રોડ ઉપર નીકળેલી ભારતીય સંસ્કૃતિ વાળી જાનમાં કયા હિસાબે કાળો સૂટ અને કાળી ટાઈ પહેરે છે ? એમને જ પૂછવું…

***

- મન્નુ શેખચલ્લી

e-mail : mannu41955@gmail.com

Comments