એ જમાનાના ફિલ્મી વિલનો ....


જરા યાદ કરો, તમે હિન્દી ફિલ્મમાં છેલ્લો ખતરનાક વિલન ક્યારે જોયો હતો ?

પેલો ‘ગજનિ’ ફિલ્મનો વિલન ખતરનાક ખરો પણ નહિ ડાચાંના ઠેકાણાં, નહિ અવાજના ઠેકાણાં કે નહિ કોઈ સ્ટાઈલ... એ લઘરા આળસુને બસ, એક હથોડો ઢસડતાં આવડતું હતું !

એના કરતાં તો એમાં ખુદ આમિર વધારે વિલન જેવો લાગતો હતો ! વિચિત્ર ટકો-મુંડો હેર-સ્ટાઈલ, માથામાં જાણે કોઈ ગોડઝિલાએ ઝાપટ મારી હોય એવા ચાર ઉઝરડા અને આખા શરીરે આખા ગામની ટેલિફોન ડિરેક્ટરી !

એની સામે 70-80ના દાયકાના વિલનો જુઓ ! પેલો ‘શોલે’નો એવરગ્રીન ગબ્બર... સાલું, 45 વરસ પછીયે કોઈ પાછળથી ટપલી મારીને પૂછે કે “કિતને આદમી થે ?” તો ગભરાટમાં બોલી જવાય છે : “તીન !”

ગબ્બર પોતાના જમાનાનો એક માત્ર નાહ્યા-ધોયા વિનાનો વિલન હતો. બિચારા ગબ્બર પાસે કપડાં ધોવાનો સાબુ નહોતો ? કે પછી પેન્ટ-શર્ટ ધોવા નાંખ્યા હોય ત્યારે કમરે વીંટવા માટે ટુવાલ નહોતો ? એ સવાલો પણ છેલ્લા 45 વરસથી રામગઢના કાળા પથ્થરો ઉપર પેલા સાંબાની બાજુમાં ઊભા છે !

ગબ્બરના બિલકુલ સામેના છેડે હોય એવો વિલન અજિત હતો. આ અજિત પાસે એ જમાનાના તમામ વોશિંગ પાવડરોની એજન્સી તો હતી જ પણ પોતાનાં કપડાંઓમાં એકસ્ટ્રા ચમક લાવવા માટે અજિત તેને ‘કોલગેટ’ ટૂથપેસ્ટ વડે પણ ઘસાવતો હતો !

અત્યાર સુધીના તમામ વિલનો પોતાના દિમાગમાં સળગતું અથવા ધૂમાડા છોડતું ભૂસું ભરીને ફરતા હતા. જ્યારે આ ‘ટિનોપાલ’ બ્રાન્ડ વિલન દિમાગમાં આઈસ-ક્યૂબ્સની આખી બકેટ  ગોઠવીને ફરતો હતો.

જે રીતે અજિત “સા... રા શહેર મુઝે લોયન કે નામ સે જાનતા હૈ” “માઈકલ તુમ સાઈકલ પે જાઓ, મોના તુમ સોના લેકર આઓ” બોલતો હતો એ સાંભળીને અમને મુકેશની બાવીસમી કાર્બન કોપી સમાન કમલેશ અવસત્થીની યાદ આવતી હતી ! (શું થાય ? જિંદગી ઇમ્તેહાન લેતી હૈ... છૂટકો નથી.)

‘શોલે’ પછી આવેલી ‘શાન’ના વિલન કુલભૂષણ ખરબંદાએ ફિલિપ્સના ટેબલ લેમ્પોની એજન્સી લઈ રાખી હતી.
આંખો અને હોઠ દેખાય એના કરતાં એ ભાઈ ટેબલ લેમ્પની જેમ આમથી તેમ હલતી ટાલ વધારે બતાડતા હતા.

અગાઉના વિલનો એમની આજુબાજુ માછલી જેવા આકારની કન્યાઓ રાખતા હતા, પણ આ ‘શાન’વાળા શાકાલકાકા પોતાની પાછળ ‘શાર્ક’ માછલીઓ રાખતા હતા.

એટલું જ નહિ, આ ‘શાર્ક’ માછલીઓને દર અઠવાડિયે એકાદ માણસ ખાવા મળે એટલા ખાતર શાકાલકાકા એવા ડોબા જેવા ગુન્ડાઓ રાખતા હતા કે ભૂલ કરે, કરે ને કરે જ ! જેથી એમને ધક્કો મરાવીને શાર્ક માછલીઓનું પેટ ભરી શકાય. (મેનકા ગાંધીને તે વખતે ય ખબર નહોતી કે શાકાલ કેટલો મહાન ‘એનિમલ લવર’ હતો.)

એ સિવાય એક ‘તક્તિ’ કપૂલ (શક્તિ કપૂર) હતો : “મૈં છોટા સા નન્હા સા, બચ્ચા હું...”

એક ડૉ. ડેન્ગ (અનુપમ ખેર) હતો : “ઈસ થપ્પડ કી ગુંજ તુમ્હેં બહોત દૂર તક સુનાઈ દેગી”

એક “પ્રેમ... હૈ મેરા નામ, પ્રે...મ” ચોપડા હતો.

અને અચાનક મિરકી (વાઈ)નો હૂમલો થયો હોય એમ પોતાની જ ખોપડી ઉપર મિનિટની 44 ટપલીઓના હિસાબે કોઈ વિચિત્ર નવા શાસ્ત્રીય તાલની શોધ કરી આપનાર નાના પાટેકર પણ હતા.

આ સૌને આંટી જાય એવો પેલો ‘મિસ્ટર ઇન્ડિયા’નો મોગોમ્બો હતો. એ જમાનામાં લગભગ દરેક ઓફિસના ખડૂસ બોસનું નિક નેઈમ ‘મોગેમ્બો’ પડી ગયું હતું. પણ જસ્ટ વિચારો, શું ઠાઠ હતો એ વિલનોનો...

અગાઉ તો હેલન-બેલન જેવી ડાન્સરો જ વિલન સામે નાચતી પણ 70-80ના દાયકામાં લગભગ તમામ હિરોઈનોએ ફરજિયાત રૂપે હેલન કરતાંય વધુ ઉત્તેજક અદાઓ સાથે વિલન સામે નાચવું પડતું હતું ! એ તો ઠીક, બિચારા હીરોલોગને પણ વિલન સામે ફિલ્મના છેલ્લા રીલમાં આવીને મુજરો કરવો પડતો હતો !

જ્યારે આજે ? હાળો કબીર સિંહ પોતે હીરો છે કે વિલન, એ જ હમજાતું નથી ! બોલો.

- મન્નુ શેખચલ્લી

Comments