લો, લંડનની કોર્ટે નફ્ફટ થઈને કહી દીધું છે કે વિજય માલ્યાના કેસની સુનાવણી હવે છેક ફેબ્રુઆરી 2020માં થશે !
અમને લાગે છે કે શ્રીમાન વિજય માલ્યા જરૂર કોઈ મહા-પુરુષ છે ! જસ્ટ કલ્પના કરો કે ભૂતકાળના મહાપુરુષોના શરીરમાં ક્યાંકથી વિજય માલ્યાનો આત્મા ઘૂસી જતો હોત તો…?
***
માલ્યા ઈન નેપોલિયન
નેપોલિયનના શરીરમાં જો વિજય માલ્યાના આત્માએ પ્રવેશ કર્યો હતો તો ‘વોટર-લૂ’ના યુધ્ધમાં એ સૈનિકોના પગાર કર્યા વિના ક્યાંક ભાગી ગયો હોત !
પછી હોનાલૂલૂ જેવી કોઈ મસ્ત જગાએ જલસા કરતાં કરતાં એણે યાદગાર વાક્ય કહ્યું હોત :
“નથિંગ ઈઝ ઈમ્પોસિબિલ !”
***
માલ્યા ઈન લિંકન
અબ્રાહ્મ લિંકનના ખોળિયામાં જો માલ્યાનો આત્મા ભમતો ભમતો જઈને ભરાઈ પડ્યો હોત તો આજે આપણે લિંકનના યાદગાર વાક્ય આ રીતે યાદ રાખતા હોત :
“અફ કોર્સ, તમે થોડા લોકોને ઘણા સમય માટે અને ઘણા લોકોને થોડા સમય માટે મૂર્ખ બનાવી શકો છો ! પરંતુ જો તમારે ઘણા લોકોને ઘણા સમય માટે મૂર્ખ બનાવવા હોય તો તમારે બેન્કમાંથી ‘લોન’ લઈ લેવી જોઈએ… ”
***
માલ્યા ઈન ભગતસિંહ
શહીદ ભગતસિંહના શરીરમાં જો માલ્યાના આત્માએ ઘૂસ મારી હોત તો પહેલી વાત એ, કે પોતે ‘શહીદ’ જ ના થાત !
ફાંસીએ ચડવાની વાત તો છોડો, માલ્યા જેલમાં પણ ના જાત ! ઉલ્ટું, બ્રિટિશરોને લાંચ આપીને પોતે લંડનમાં સંતાઈને બેઠા હોત (આજની જેમ જ !) અને ગાતા હોત :
“સર છૂપાને કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ, દેખના હૈ જોર કિતના ઈન્ડિયા કે કાનૂન મેં હૈ !”
***
માલ્યા ઈન રાણા પ્રતાપ
પેલા અબજોપતિ વેપારી ભામાશાએ રાણા પ્રતાપને યુધ્ધ લડવા માટે પોતાની તમામ મિલકત આપી દીધી હતી ને ?
બસ, એ મિલકત હાથમાં આવતાં જ માલ્યા-રાણાની દાનત ખરાબ થઈ ગઈ હોત ! સાવ જુજ સૈનિકો વડે યુધ્ધનો દેખાવ કરતાં કરતાં માલ્યા-રાણાએ ભામાશાના પૈસે જલસા જ કરી ખાધા હોત !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment