નવાં પોલિટિકલ શોર્ટ ફોર્મ્સ !


મોબાઈલમાં આપણે જાતજાતનાં શોર્ટફોર્મ વાપરીએ છીએ જેમ કે ASAP = એઝ સૂન એઝ પોસિબલ,
JSK = જય શ્રી કૃષ્ણ, GM = ગુડ મોર્નિંગ,
RIP =  રેસ્ટ ઈન પીસ, BTW =  બાય ધ વે… વગેરે…

અમને લાગે છે કે છાપામાં જગા બચાવવા માટે અમુક સ્ટાન્ડર્ડ નિવેદનોનાં શોર્ટ ફોર્મ બનાવી નાંખવા જોઈએ…

***

YBJPKSH =  યે બીજેપી કી સાજિશ હૈ !

જોયું ? કેટલી બધી જગા બચી જાય ?
જેમ કે “કર્ણાટકમાં જે સ્થિતિ છે એ બાબતે કોંગ્રેસ પ્રવક્તાએ કહ્યું કે YBJPKSH !”

***

અથવા માત્ર એટલું જ લખો :
“કેજરીવાલે કહ્યું YBJPKSH !”… પત્યું ?

***

EMVH6 = એ મુદ્દો વિચારણા હેઠળ છે

દર વખતે પ્રજાની માગણી બાબતે સરકારનો આ એક જ જવાબ હોય છે. તો ટીવી સ્ક્રોલમાં જ પતાવોને,
“રૂપાણી સાહેબે ફરી કહ્યું EMVH6”…

***

EVMGHH = ઈવીએમમેં ગડબડી હુઈ હૈ

દરેક ચૂંટણીનાં પરિણામ પછી શોર્ટમાં જ પતાવો :
“વિરોધ પક્ષની એ જ જુની ફરિયાદ : EVMGHH”

સાથે જવાબ પણ શોર્ટ-ફોર્મમાં રેડી રાખો.
“ચૂંટણી પંચ કહે છે : EVMGNH” (ઈવીએમ મેં ગડબડી નહીં હૈ !)

***

SMKSSS = સેક્યુલર મિડીયા કે સોચી સમજી સાજિશ

સોશિયલ મિડિયા ઉપર આ કકળાટ રોજનો છે.
આને તો હજી શોર્ટ કરો  : SMKS-3 (એસથ્રી = સોચી સમજી સાજિશ)

***

PGT = પાકિસ્તાનના ગાલે તમાચો

આજકાલ આ બહુ ચાલ્યું છે. ટ્રમ્પ કંઈ બોલે, યુનાઈટેન્ડ નેશન્સમાં કંઈ ચૂકાદો આવે, હાફિઝ સઈદ ટેરરિસ્ટ જાહેર થાય… કે ભલેને બિચારું મેચ હારી જાય… લખી જ નાંખો.. PGT !!

***

CKD = કોંગ્રેસના કપરા દહાડા

આ તો દરેક ન્યુઝની પાછળ ચોંટાડો. જેમ કે…
હજી કોંગ્રેસ-પ્રમુખની નિમણૂંક ઘોંચમાં… CKD !
કર્ણાટકમાં સરકી રહેલી સત્તા… CKD !
છેવટે પ્રિયંકાને જ કોંગ્રેસ પ્રમુખ બનાવવાની હિલચાલ… CKD !
છેલ્લા પાંચ વરસમાં 500 કોંગ્રેસીઓએ કોંગ્રેસ છોડી… CKD !

***

- મન્નુ શેખચલ્લી

Comments