સમાચારમાં વઘાર !


સમાચાર

કહે છે કે ઇંગ્લેન્ડના ક્રિકેટર બેન સ્ટોક્સને ‘ન્યુઝિલેન્ડર ઓફ ધ યર’ના એવોર્ડ માટે નોમિનેશન મળ્યું છે.

વઘાર

લો, એ હિસાબે ‘પાકિસ્તાની ઓફ ધ યર’ના એવોર્ડ માટે ભાજપ પાસે તો આખું લિસ્ટ તૈયાર છે !

***

સમાચાર

કર્ણાટક વિધાનસભામાં વિશ્વાસનો મત ડ્રામા 96 કલાકથી વધારે ચાલ્યો.

વઘાર

અને તમને શું લાગે છે, માત્ર વર્લ્ડકપની ફાઈનલનો ડ્રામા બહુ લાંબો હતો ?

***

સમાચાર

કુમારસ્વામી હજી ફરીવાર સુપ્રિમકોર્ટમાં જવા માગે છે.

વઘાર

હું શું કહું છું, હવે વર્લ્ડ-કપની ફોર્મ્યુલાથી પતાવો ને ? જે સાઈડના ધારાસભ્યોના નામે સૌથી વધારે ભ્રષ્ટાચાર નોંધાયો હોય એ વિજેતા !

***

સમાચાર

રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ ઉપર ચીજવસ્તુઓ વેચતા ફેરિયાઓએ હવે નાનામાં નાની ચીજનું બિલ આપવું જ પડશે.

વઘાર

વાહ ! મતલબ કે ભજિયાં, સમોસા, ચનાચોર ગરમ, ભેળપુરી, ચાટપુરી વગેરે ચીજો હવે પસ્તીના કાગળમાં નહિ પણ ડાયરેક્ટ બિલમાં જ મુકીને આપશે ?

***

સમાચાર

‘ટિક-ટોક’ અને ‘હેલો’ એપનો ઉપયોગ દેશદ્રોહી પ્રવૃત્તિઓ માટે થઈ રહ્યો હોવાનો આરોપ છે.

વઘાર

આ સાંભળીને લશ્કરે-તોયબા અને હિઝબુલના આતંકવાદી કમાન્ડરો ખુશીથી નાચવા લાગ્યા છે કે ભારતની 50 લાખ મહિલાઓ ફક્ત આપણે માટે જીવના જોખમે જાસૂસી કરી રહી છે !

***

સમાચાર

કરન્સી માર્કેટમાં રૂપિયાનો ભાવ ઘટ્યો, સોનાનો ભાવ અચાનક વધ્યો.

વઘાર

લાગે છે કે કર્ણાટકના ધારાસભ્યો કેશને બદલે સોનુ માગી રહ્યા છે !

***

- મન્નુ શેખચલ્લી

Comments