વરસાદના છૂટ્ટા શેર !



‘વસ્લે-યાર’માં એક ક્ષણ

એવી નડી…

પાણી સડકનું, વસ્ત્રો મારાં,

ટ્રક વડે છાલક ઊડી !

(વસ્લે-યાર = પ્રિયજનનું મિલન)

***

કોને હતી એવી ખબર

પ્રારબ્ધો વાંકા હશે,

છત્રી ખોલી ત્યાં નાનાં મોટાં

સો-બસ્સો કાણાં હશે !

***

કુદરતે પણ ચાલથી

કેવો સતાવ્યો છે મને,

વર્તારો હોય ઉઘાડનો

ત્યારે જ પલાળ્યો છે મને !

***

આખેઆખો કોરેકોરો

સાંગોપાંગ નીસરી ગયો,

પાણી ખૂટ્યું શાવરનું

નાહ્યા વિના નીકળી ગયો !

***

વરસાદ છે, ભૈ આવશે

આવશે તો આવશે જ…

ચેક થોડો છે કે એ

‘બાઉન્સ’ થઈ પાછો જશે ?

***

છાંટા પડ્યા તો

‘ઠંડક થઈ…’

ઝાપટું પડ્યું તો

“હા…. શ !”

ધોધમાર પડ્યો તો

‘પાણી ભરાયાં…’

પછી ના પડ્યો, તો

“બા….ફ !”

કેવી કેવી કવિતાઓ

વર્ષાઋતુમાં થાય છે !

***

ઘમંડ, અહમ્, અભિમાનનું

નિશ્ચિત પતન ત્યાં થાય છે,

જ્યાં 100ની સ્પીડનું બાઈક

અચાનક…

સ્હેજ સ્લીપ થઈ જાય છે !

***

માત્ર મારી જ આંખો

રડી નથી વરસાદમાં,

ભીંતો ઉપર ટીપાં હતાં

ભેજનાં, વરસાદમાં !

***

ઋણ ગયા જનમનું કોઈ

રિઝર્વ બેન્કનું હતું,

પલળી ગઈ દસની નોટ

પણ, ચિલ્લર સાબૂત હતું !

***

ઘૂંટણ સમાણા પાણીમાં

કેવી એ સાહ્યબી હતી,

મોંઘી કારો ફસાઈ ગઈ

મારી સીટ બસમાં હતી !

***

દુનિયાની આ રીત

અવળચંડી લાગે છે,

બંગલાવાળી લોન

વરસાદ માગે છે…

ને, વરસાદવાળા ખેડૂતો

‘લોન’ માગે છે !

***

આભની એકસ્ટ્રા કૃપા છે

મુજ ઉપર ‘કષ્ટમ’…

છત ટપકતી રહે છે

હેલી બંધ થયા પછી !

 ***

- મન્નુ શેખચલ્લી

Comments