સાંઈઠ, સિત્તેર અને એંશીના દસકામાં હિન્દી ફિલ્મનાં થિયેટરોની આસપાસ જે ‘એસેસરીઝ’ હતી તે ગાયબ થઈ ગઈ છે ! જુઓ આ યાદી... અને કરો યાદ...
***
હાઉસફૂલનાં પાટિયાં
સાચું કહેજો, છેલ્લી કઈ હિન્દી ફિલ્મની ટિકિટ બારીની બહાર તમે ‘હાઉસફૂલ’નું પાટિયું જોયું ? ઠીક છે, સલમાનની એકાદ ફિલમ વરસના એકાદ શનિ-રવિ દરમ્યાન SOLD OUT હોય, બાકી અમુક ફિલ્મોમાં તો એવું થાય છે કે ટિકિટબારી પર જઈને પૂછવું પડે છે કે “ભાઈ, શો તો ચાલુ થશે ને ?”
***
બ્લેકની ટિકિટો
પહેલી વાત તો એ છે કે જુની ફિલ્મોની જે રંગબિરંગી ગુલાબી, લીલી, ભૂરી, પીળી ટિકોટો મળતી હતી એ જ ગાયબ થઈ ગઈ છે. એની જગાએ પેલું જે સફેદ પતાકડું આપે છે એ સાવ રેડીમેડ કપડાંની ઉપર લગાડેલા પ્રાઈસ-ટેગની પટ્ટી જેવું લાગે છે.
બીજું, ‘દસ કા બીસ... દસ કા બીસ...’ કરનારા પેલા કાળાબજારિયાઓ તો ગાયબ જ છે. ઉલ્ટું, એનું સ્વરૂપ બદલાઈ ગયું છે.
હવે તો એ ગેરકાયદેસર કામ સરકારે જ લિગલ કરી આપ્યું છે. સલમાનનું પિક્ચર હોય તો 150ની ટિકીટના ભાવ ચીરીને 300ના કરી નાંખવામાં આવે છે. એ તો ઠીક, મામૂલી ફિલમની પણ શનિ-રવિની ટિકિટોના ભાવ ઓફિશીયલી
‘ઓન’માં હોય છે.
***
ગાયનોની ચોપડીઓ
દરેક શહેરમાં એકાદ સિનેમા-ગલીમાં (જ્યાં ત્રણ ચાર થિયેટરો નજીક નજીકમાં હોય ત્યાં) ફિલ્મી ગાયનોની ચોપડીઓ મળતી. જેમાં અધૂરાં, ખોટી જોડણીવાળાં અને સાવ ભલતા જ શબ્દોવાળાં ગાયનો હોય. જેમ કે : “ઇબ્તિદા-એ- ઈશ્ક મેં”ના બદલે ‘ઇસ્તિફા-એ-ઈશ્ક’ લખ્યું હોય !
આજે જે ગાયનો મોબાઈલમાં મળી જાય છે. એ અધૂરાં તો નથી હોતાં. (મિનિંગની કે ઊંડાણની વાત નથી) પરંતુ જોડણી તો શબ્દે શબ્દની ખોટી હોય છે કારણ કે આ બધાં ‘લિરિક્સ’ ઇંગ્લીશમાં હોય છે !
જેમ કે લખ્યું ભલે હોય ‘હવાયેન’ ફિઝાયેન’ કે ‘દુવાયેન’…
પણ સમજવાનું હવાએ, ફિઝાએં, દુવાએં...
***
ગરમાગરમ ખારીશીંગ
સાચું કહેજો, એક તો પિક્ચર સાવ ઠંડુ હોય, ઉપરથી એસી ‘ચીલ’ કરી મેલ્યું હોય અને ઈન્ટરવલ પડે ત્યારે ઘરડા લોકોને ખાવાલાયક પોચા પોપ-કોર્ન સિવાય કશું ખાવાલાયક ના હોય....
એવા સમયે પેલી જુના જમાનાની ગરમાગરમ ખારી શીંગ મળી જાય તો કેવો જલસો પડે ?
આજે ગરમ ખારીશીંગ ઉપરાંત, લાર્જ સાઈજના પાપડ અને લાર્જ-સાઈઝના સ્ટીલના પ્યાલામાં મળતું ‘બરફનું પાણી’ પણ થિયેટરમાંથી ગાયબ છે.
***
ધક્કામુક્કી, ભીડ અને લાલાઓ
અંગત રીતે અમને આ ત્રણે ચીજો એ વખતે પણ જરાય પસંદ નહોતી. આ જ કારણસર અમે હાઉસફૂલનાં પાટિયાં લટકતાં બંધ થાય અને લાલાઓ નવરા બેસીને ‘તાજ’ છાપ સિગારેટ ફૂંકતા હોય એટલા મોડા મોડા ફિલમો જોવા જતા.
આજે એવું છે કે જો 7 દિવસ મોડા પડીએ એટલામાં તો ચાલું પિક્ચર જ ઊડી જાય છે !
***
સિલ્વર જ્યુબિલી, ગોલ્ડન જ્યુબિલી
આવતા અઠવાડિયે ‘ચાલ જીવી લઈએ’ નામની એક ગુજરાતી ફિલ્મ 25 વીક પુરાં કરીને સિલ્વર જ્યુબિલી ઉજવશે ! જરા કહેશો, છેલ્લી કઈ હિન્દી ફિલ્મે સિલ્વર જ્યુબિલી કરી ?
***
.... અને વગેરે વગરે
કાચનાં કેબિનેટોમાં ગોઠવેલા ફિલ્મોના દ્રશ્યોના ફોટા, ઈન્ટરવલમાં ચાલતી આઈસ્ક્રીમ, ફાફડા-જલેબી,
સાડીઓ વગેરેની સ્લાઈડો, ગલીઓમાં ફરતી પબ્લિસિટી રીક્ષાઓમાં બેઠેલા અમીન સાયાનીના અવાજવાળા ‘એલાઉન્સરો’… ઘસાયેલી રેકોર્ડો, ટી-સિરિઝની ઓડીયો-ટેપ્સ... અને હજી જે જે યાદ આવે તે !
***
- મન્નુ શેખચલ્લી
વો ભી ક્યા દિન થે
ReplyDelete