ઇન્ડિયા-ન્યુઝિલેન્ડની મેચ વખતે બધાને ટેન્શન હતું કે જો બન્ને દિવસ વરસાદ પડે અને છેવટે ડકવર્થ-લુઈસની ફોર્મ્યુલા વડે મેચનો વિજેતા નક્કી થાય તો ?
અમે તો કહીએ છીએ કે માત્ર ક્રિકેટમાં શા માટે ? બીજે બધે પણ ડકવર્થ-લુઈસ લાગુ કરો ને...
***
કોંગ્રેસમાં...
જો કોંગ્રેસના પ્રમુખ રાજીનામું આપે, 40 દિવસ પછી એમનું રાજીનામું સ્વીકારાય અને 50 દિવસ પછી પણ નવા પ્રમુખની નિમણુંક ના થાય...
- તો કેટલા કોંગ્રેસ-પ્રમુખનો ‘ટાર્ગેટ’ આવે ?
(1) દોઢ-પ્રમુખ
(2) સવા-પ્રમુખ
(3) પોણો-પ્રમુખ
***
કર્ણાટકમાં..
જો 13 સભ્યો બળવો કરીને રાજીનામાં આપે, જો 23 સભ્યો ભાજપના સંપર્કમાં હોય, અને જો પ્રધાનમંડળના 31 સભ્યોનાં રાજીનામાં નવા પ્રધાનમંડળ માટે માગી લેવામાં આવે....
- તો નવા પ્રધાનમંડળની સંખ્યાનો ‘ટાર્ગેટ’ કેટલો આવે ?
(1) 56 મિનિસ્ટરો, કારણ કે એ ‘માપ’ ફેમસ છે.
(2) 49 મિનિસ્ટરો, કારણ કે એ રાહુલબાબાની ઉંમર છે.
(3) 113 મિનિસ્ટરો, કારણ કે ટોટલ એટલા સભ્યો હોય તો જ સરકાર ટકી શકે !
***
રોડમાં...
20 લાખનો રોડ બાંધવા માટે 6 લાખની લાંચ આપ્યા પછી માત્ર 2 ઈંચના વરસાદમાં આખો રોડ ધોવાઈ જાય અને તેમાં 122 નાનાં-મોટાં ગાબડાં પડી જાય...
- તો એ જ રોડને એ જ કોન્ટ્રાક્ટરને રીપેર કરવાનો કોન્ટ્રાક્ટ કેટલા રૂપિયામાં આપવાનો ‘ટાર્ગેટ’ રાખવામાં આવે ?
(1) 20 લાખ, કારણ કે 6 લાખની લાંચ તો ફિક્સ છે.
(2) 10 લાખ, કારણ કે બીજો વરસાદ પડે કે તરત નવા ગાબડાં પડવાનાં જ છે. તે વખતે બીજા 10 લાખનો રિપેરીંગ કોન્ટ્રાક્ટ આપવાનો જ છે.
(3) માત્ર 6 લાખ, કારણ કે એટલી લાંચ પછી રોડને રિપેર કરવાનો જ નથી !
***
ગરીબીમાં...
ગરીબોને વરસે 72,000 આપવાનું વચન આપવા છતાં કોંગ્રેસ હારી જાય તો પાંચ વરસ પછી નવી ચૂંટણીમાં કેટલા રૂપિયાનું વચન આપવાનો ‘ટાર્ગેટ’ રાખવો પડશે ?
- માત્ર, 6000! કારણ કે ભાજપે એટલા જ રૂપિયા આપવાનું વચન આપીને ચૂંટણીઓ જીતી છે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment