જુના જમાનાની ફિલ્મોના હીરો લોગનાં દિલો બહુ તૂટી જતાં હતાં. એનું મેઈન કારણ એ હતું કે એ જમાનાની હિરોઈનો બહુ નિષ્ઠુર હતી.
આજની હિરોઈનો તો ‘બ્રેક-અપ’ થાય ત્યારે હિરોને સાંત્વના આપવા માટે ‘બ્રેક-અપ પાર્ટી’ રાખે છે ! ઉપરથી હસતું મોઢું રાખીને ગાતી હોય છે કે :
“દિલ પે પથ્થર રખ કે મૈંને મેકપ કર લિયા, મેરે સૈંયાજી કે સાથ મૈને બ્રેક-અપ કર લિયા !”
એ જમાનાની હિરોઈનો આવું કશું ગાતી તો નહોતી જ, ઉપરથી દિલ પણ એવી ‘કચ્ચીને’ તોડતી કે બિચારો હિરો ગાતો રહે :
“દિલ કે ટુકડે હુએ હજાર, કોઈ યહાં ગિરા કોઈ વહાં ગિરા..”
આ તો સારું હતું કે એ જમાનામાં મોદી સાહેબનું ‘સ્વચ્છતા અભિયાન’ નહોતું ચાલતું, નહિતર કોઈ હવાલદાર હિરોની બોચી પકડીને કહેતો હોત :
“એ ટણપા ! આ રસ્તામાં તારા દિલના હજાર ટુકડા પડ્યા છે એ કોણ, તારો બાપ ઉપાડવાનો છે ? ચલ, ઉપાડીને કચરાપેટીમાં નાંખ, નહિતર 500 રૂપિયાનો દંડ થશે !”
એ જમાનામાં હિરો, બિચારાઓ, દિલ તૂટે ત્યારે ગાયનો તો કેવાં કેવાં ગાતા હતાં ? અમને એક ગાયન બરાબરનું યાદ છે. હિરો સરેઆમ ઢંઢેરો પીટતો હોય એ રીતે એલાન કરે છે :
“કહ દો કોઈના કરે યહાં પ્યાઆઆર...”
આ ગાયન જ્યારે અમે પહેલીવાર સાંભળ્યું ત્યારે થયું કે જરૂર કોઈ હવાલદાર બગીચામાં ખૂણે ખાંચરે છૂપાયેલાં લવરિયાં (પ્રેમી પંખીડાં)ને બહાર કાઢવા માટે ડંડો પછાડીને ગાતો હશે !
“ચલો ભઈ, ઓ બહેન... બહાર નીકળો ! જોતા નથી ? અહીં પ્યાર-ફાર કરવાની મનાઈ છે?”
બીજો વિચાર અમને એ આવતો હતો કે, ભઈ પ્રેમી, તારા એકલાનું દિલ તૂટ્યું છે એમાં આખા ગામમાં શેનો રોદણાં રડતો ફરે છે ? અને તને કોણે ‘પાવર’ આપ્યો છે કે જ્યાં ને ત્યાં આવા‘વટહુકમો’ બહાર પાડતો ફરે છે ?
સાલું, આજે આવો કોઈ તૂટેલા દિલવાળો પ્રેમી પેલીનાં લગન થતાં હોય એ પાર્ટી-પ્લોટના બહાર ફૂગ્ગાવાળાની બાજુમાં ઊભો ઊભો આવું ગાવા મંડે તો ? જાનૈયાના હાથનો માર ખાય કે નહીં ?
પણ જુની ફિલ્મોમાં આવું બધું ચાલી જતું હતું. એક ફિલ્મમાં જિતેન્દ્રની પ્રેમિકાની સગાઈ કોઈ બીજા જોડે થઈ જાય છે. એમાં તો જીતુભાઈ ભરી મહેફિલમાં ગાવા લાગે છે :
“ચાંદી કી દિવાર ન તોડી, પ્યાર ભરા દિલ તોડ દિયા... એક ધનવાન કી બેટીને નિર્ધન કા દામન છોડ દિયા !”
અલ્યા, જો પાંચ-પચ્ચીસ હજાર કમાવાની ઔકાત નહોતી તો શું જોઈને ‘ધનવાન કી બેટી’ પાછળ લાઈનો મારતો હતો ? અને ચલો, માની લઈએ કે પેલી ધનવાન કી બેટી તારા પ્યારના બાટલામાં આવી પણ ગઈ હોય... પણ અહીં ભરી પાર્ટીમાં તું ‘નિર્ધન કા દામન છોડ દિયા’ એવું ગાવા મંડે, તો મ્યુઝિક શરૂ થાય એ પહેલાં તને છોકરીવાળા ધક્કા મારીને બંગલાની બહાર ના કાઢી મુકે ?
પણ ના ! એ જમાનાની ફિલ્મોમાં બધા ‘અદબ’ રાખીને હિરોનું આખું ગાયન સાંભળી લેતા હતા ! એટલું જ નહિ, 20 રૂપિયાનો ભાડૂતી સૂટ પહેરીને આવેલા બે ચાર ‘મહેમાનો’ એકબીજા સામે સ્માઈલ આપીને દાદ પણ આપતા હોય !
ટુંકમાં, એ જમાનામાં તૂટેલા દિલવાળા હિરોનું એક ‘રિસ્પેક્ટ’ હતું !
એક ફિલ્મમાં દિલીપકુમાર ગળે હાર્મોનિયમ લટકાવીને ગામની બસ્તીમાં પહોંચી જાય છે. શરૂઆતમાં તો ‘અસીર પંજાએએએ...’ એવું લલકારીને બહુ અઘરી શાયરી ગાય છે ! છતાં કોઈ કાંકરીચાળો ય કરતું નથી ! (કવિ સંમેલનના શ્રોતાઓ, જરા શીખો !)
પછી દિલીપકુમાર મેઈન ગાયન ગાય છે : “હુએ હમ જિન કે લિયે બરબાદ, જીવનભર ઉન કી યાદ મેં હમ ગાયે જાયેંગે...” લો બોલો ! કેવી જાતની ‘પ્રતિજ્ઞા’ કહેવાય, નહીં ?
પેલીએ આને બરબાદ કર્યો, તોય આ ભઈ એની યાદમાં જીંદગીભર આવાં રોતડાં ગાયનો જ ગા ગા કરે ?
પણ બોસ, એને જ કહેવાય ‘ટણી’… એ ટણીનું એ વખતે રિસ્પેક્ટ હતું ! આજે નથી.
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment