'સુપર -30' વર્સિસ 'પાસિંગ- 35'.... સાવ નવી સ્ટોરી


‘સુપર-30’ ફિલ્મ જોઈને નંદ કુમારની ખોપડી હટી ગઈ. પેલા આનંદ કુમારની આટલી બધી વાહ વાહ ? 

ભણવામાં હોંશિયાર હોય એવાં છોકરાંઓને કોચિંગ આપીને એમને IITમાં એડમિશન અપાવે એમાં શું ધાડ મારી ? બિચારા જે માંડ માંડ 35 ટકાએ પાસ થાય છે એની કોઈ વેલ્યુ જ નહિ ? 

નંદ કુમારે એ બીડું ઝડપી લીધું કારણ કે નંદ કુમાર પોતે આજથી 20 વરસ પહેલાં માંડ માંડ 35 પરસેન્ટ મેળવીને પાસ થતો હતો. 35 ટકે પાસ થનારનું સમાજમાં ડગલે ને પગલે ઘોર અપમાન થાય છે તે તેણે જાતે જોયું હતું.

ના તો સારી નોકરી મળે, કે ના સારી છોકરી મળે. બન્ને માટે મોકલેલા ‘બાયો-ડેટા’માં જ્યાં 35 ટકાનો ઉલ્લેખ આવે કે તરત છોકરી પણ નોકરીની જેમ હાથમાંથી સરકી જાય.

છેવટે નંદ કુમારે નિર્ધાર કર્યો કે હવે સુપર-30નાં વખાણ કરતા તમામ લોકોને બતાડી આપવું છે કે 35 ટકાવાળા જો ધારે તો આખી દુનિયાની કેવી વાટ લગાડી શકે છે.

નંદ કુમારે પોતાનું મહા-અબિયાન શરૂ કર્યું. યુનિવર્સિટીઓની વેબસાઈટો ઉપર જઈ જઈને જે ગ્રેજ્યુએટો 35 ટકાની નીચે નાપાસ થયા હોય અથવા 35 ટકાની સ્હેજ જ ઉપર પાસ થયા હોય એવા તમામનાં એડ્રેસો મેળવ્યા. પછી એક જોરદાર સ્કીમ વહેતી કરી :

“દુનિયા કો દિખા દો ! 35 પર્સેન્ટ વાલે કુછ કમ નહીં હોતે !

માત્ર 2 લાખ રૂપિયા જમા કરાવો, અને ફક્ત એક વરસની ટ્રેનીંગ પછી 10 લાખ રૂપિયા બનાવી લો !

દો કા દસ.. દો કા દસ.. દો કા દસ...”

નંદ કુમારની ‘દો કા દસ’ની સ્કીમને પ્રચંડ પ્રતિસાદ મળ્યો. સેંકડો અરજીઓ આવી પણ નંદ કુમારે ચૂંટીને વીણીને માત્ર 35 ઉમેદવાર એવા પસંદ કર્યા કે જેમાં દુનિયાની પથારી ફેરવી નાંખવાની ‘ટેલેન્ટ’ હોય !

નંદ કુમારે 35 x 2 = 70 લાખ રૂપિયાની જે મૂડી ભેગી થઈ એમાંથી એક ઓફિસ વરસ માટે ભાડા પટ્ટે લઈ લીધી. બસ, પછી શરૂ થઈ ગયું ‘મિશન પાસિંગ – 35....’

સૌથી પહેલાં તો જે બિચારાઓ 35 ટકાથી ઓછા માર્ક લઈને રડી રહ્યા હતા એમને નકલી માર્કશીટો અને નકલી ડિગ્રી સર્ટિફિકેટો બનાવી આપવાનો બિઝનેસ ચાલુ કરી દીધો !

ત્યાર બાદ નંદ કુમારની નજર ગઈ ‘ટેક્સટ-બુકો’ ઉપર...

નંદ કુમારે જોયું કે અમુક રાજ્યોમાં સ્કુલો ચાલુ થઈ ગયા પછી મહિનાઓ લગી બજારમાં ટેક્સટ-બુકો આવતી જ નથી ! બસ, આ તો ‘બિઝનેસ ઓપોર્ચ્યુનીટી’ હતી !

નંદ કુમારે દરેક વિષયની એક ટેક્સ્ટ-બુક ખરીદી, એને સ્કેન કરીને, રાતો રાત સસ્તા કાગળ ઉપર છાપીને ડાયરેક્ટ સ્કૂલની બહાર ફેરિયાઓ ઊભા રાખીને 20 ટકા ડિસ્કાઉન્ટે વેચવા માંડી.

બસ, એ પછી તો ગાડી ‘નિકલ પડી...’ થોડાં મોંઘા કોમ્પ્યુટર વસાવીને ‘પાસિંગ-35’ની ગેંગ નકલી આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઈવીંગ લાયસન્સ, મતદાર કાર્ડ વગેરે વેચવા માંડી.

પણ વરસના અંતે ‘પાસિંગ -35’ની ગેંગ સામે મિનિમમ 3.5 કરોડનો ટાર્ગેટ હતો. (35 x 10 લાખ, સમજ્યા કે નહિં?) આથી એમણે મોટાં ઓપરેશનો પાર પાડવાનાં શરૂ કર્યાં. ‘સ્પેશીયલ-26’ ફિલ્મમાંથી પ્રેરણા લઈને ‘સ્પેશીયલ-35’ની ટીમ બનાવીને કંપનીઓ ઉપર GSTની રેઈડ મારવાની ચાલુ કરી.

છતાં ટાર્ગેટ હજી દૂર હતો.

નંદ કુમારે હવે સખત ટ્રેનિંગ આપવાની શરૂ કરી. બેન્કોના ખાતાં કેવી રીતે હેક કરવાં, પેટીએમ માંથી રુપિયા કેવી રીતે કાઢી લેવા.... એક બાજુ આ ચાલ્યું... 

તો બીજી બાજુ ‘કમનીય કાયા ધરાવતી કામિનીને જોઈએ છે હેન્ડસમ કંપેનિયન’ ટાઈપની સ્કીમોમાં વાસના-લાલચુ જુવાનિયાઓને ફસાવીને રૂપિયા કઢાવવાનું તંત્ર ગોઠવી દીધું. છેલ્લે છેલ્લે તો ‘એક કા તીન’ ટાઈપનું ચીટ-ફંડ પણ શરૂ કરી દીધું !

છેવટે જ્યારે વરસ પુરું થવા આવ્યું ત્યારે ‘પાસિંગ-35’ પાસે પુરા 10 કરોડ ભેગા થઈ ગયા હતા ! સૌ સપનાં જોતા હતા કે 10 લાખને બદલે 20 લાખ મળશે... પણ એ જ રાત્રે નંદ કુમાર પુરેપુરા 10 કરોડ લઈને ગાયબ થઈ ગયો !

- હવે પેલી ‘પાસિંગ-35’ની ગેંગ ભૂરાઈ થઈ છે... તમે સંભાળજો !

***

- મન્નુ શેખચલ્લી

Comments