ચોમાસું આવીને તરત ઊડી ગયું ! બીજી બાજુ ઉનાળો ફરી આવી ગયો !
આ તો એવું લાગે છે કે કોઈ સુપરહિટ ફિલ્મની સિક્વલ એની ઓરિજીનલ રિલિઝ ડેટ કરતાં 8 મહિના વહેલી આવી પહોંચી છે !
જાણે ‘ચોમાસું’ અને ‘ઉનાળો’ બોલીવૂડની મોટી બિગ-બજેટ ફિલ્મો હોય તો એની ગોસિપ કેવી હોય ? ….
***
2019માં સુપરહિટ રહેલી અને બોક્સ ઓફિસને સતત હોટ રાખીને જેણે ટિકિટબારીઓ લાલચોળ કરી મુકી હતી તે ‘ઉનાળો-2019’ની સિકવલ ‘ઉનાળો-2’ અણધારી ઝડપે રિલિઝ થઈ ગઈ છે !
***
કહેવાય છે કે મેગાસ્ટાર ઈન્દ્રા (મેઘરાજા)ની મેગા બ્લોક બસ્ટર મૂવી ‘મોનસૂન-2019’ રિલિઝ તો વાજતે ગાજતે થઈ પરંતુ ડિસ્ટ્રીબ્યુશનની ખામીને કારણે મુંબઈ જેવા શહેરોમાં વધારે પડતી પ્રિન્ટો રિલિઝ થઈ ગઈ અને અમદાવાદ, મહેસાણા, વડોદરા જેવા શહેરોમાં માંડ બબ્બે પ્રિન્ટો પહોંચી શકી હતી.
***
મેગાસ્ટાર ઈન્દ્રાની આવી ગેરવ્યવસ્થાનો લાભ લઈને સુપરસ્ટાર સૂર્યાએ પોતાની આગઝરતી મુવી ‘ઉનાળો-2’ ફટાફટ રિલિઝ કરી નાંખી છે !
***
‘ઉનાળો-2’ અને ‘ચોમાસું-2019’ વચ્ચે ભારે રસાકસીની અપેક્ષાઓ હતી પરંતુ મેગાસ્ટાર ઈન્દ્રાના નબળા પરફોર્મન્સને કારણે સુપરસ્ટાર સૂર્યાની ‘ઉનાળો-2’ લગભગ બધા સ્ક્રીન ઉપર ઘૂસી ગઈ છે.
***
જોકે ‘ઉનાળો-2’માં ‘ઉનાળો-2019’ જેવી સ્ટ્રોંગ સ્ટોરી નથી છતાં 45 ડીગ્રીના કલેક્શનો સામે 37 થી 39 ડીગ્રીનાં કલેક્શનો મેળવીને ‘ઉનાળો-2’ માર્કેટમાં ટકી રહી છે.
***
ટ્રેડ પંડિતોનું માનવું છે કે ‘ચોમાસું-2019’ હજી કમ-બેક કરી શકે છે પરંતુ હવે પ્રેક્ષકોને ટ્રેડ પંડિતોના વર્તારાઓ ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો છે.
***
બીજી તરફ ‘ચોમાસુ-2019’ ફ્લોપ થઈ જવાને કારણે અમુક નબળા કલાકારોને હાશ થઈ છે કે એમના રેઢિયાળ પરફોર્મન્સ ઉપર લોકોનું ધ્યાન ખેંચાશે નહિં.
- સૂત્રોના જણાવ્યા મુજબ આ નબળા કલાકારો સરકારી ખાતામાં નોકરીઓ કરે છે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment