સાચું કહેજો, તમારામાંથી કોને કોને 10મા 12મા ધોરણનું ‘મેથ્સ’ ગમતું હતું ?
અચ્છા, જે જિનિયસોને મેથ્સ હજી પણ ‘ગમતું’ હોય એમને આ સવાલ જરા જુદી રીતે પૂછવો છે :
જુઓ, સરકારી આંકડા કહે છે કે બોર્ડની 10મા ધોરણની એક્ઝામમાં બિચારા ગુજરાતના જ 47 ટકા છોકરાંઓ ‘ગુજરાતી’માં નાપાસ થાય છે ! રાઈટ ?
હવે તમે કહો, આ 47 છોકરાંઓમાંથી કોઈએ એવું ક્યારેય કીધું હશે કે “યાર, આ ગુજરાતીની મને બહું બીક લાગે છે ! ગુજરાતીનો ક્લાસ ચાલુ થાય ને માથું દુઃખવા લાગે છે !...”
બસ, ધેટ ઈઝ ધ પોઈન્ટ.
એકચ્યુઅલી થાય છે શું, કે આ ‘મેથ્સ’ નામના ટોર્ચરમાં બાળકને બહુ લોભામણી રીતે છેક બાળપણથી ‘ફસાવવામાં’ આવે છે.
જુઓ, શરૂઆતમાં આપણને એકડા કઈ રીતે ભણાવે છે ? “એક લખોટી, બે લખોટી, તર્ણ લખોટી…” ‘એક ચોકલેટ, બે ચોકલેટ, ત્રણ ચોકલેટ…’ “બેટા ગણો તો ? એક ટેડી-બેર, બે ટેડી-બેર, ત્રણ ટેડી-બેર…” બાળકને એમ થાય કે વાહ ! આમાં તો મઝા પડે છે !
સેકન્ડ સ્ટેપમાં આ લાલચ વધારવામાં આવે છે, “બેટા, તારી પાસે બે ચોકલેટ હોય અને મમ્મી તને બીજી બે ચોકલેટ આપે તો તારી પાસે કેટલી ચોકલેટ થાય ?”
બિચારું ટેણિયું વધુ ને વધુ ચોકલેટોની લાલચમાં સરવાળા કરતું થઈ જાય… પછી આવે છે ઝટકો ! “બેટા, તારી પાસે ચાર ચોકલેટ હોય એમાંથી બે ચોકલેટ તારા નાના ભાઈને આપવાની હોય તો તારી પાસે કેટલી ચોકલેટ બચે ?”
ટેણિયું બિચારું રડવા જેવું થઈ જાય. એને થતું હોય કે મમ્મી પહેલેથી અમને બન્નેને બબ્બે ચોકલેટો કેમ નથી આપતી ? દર વખતે નાનો ભાઈ શેનો મારામાં ભાગ પડાવે છે ?
ટેણિયું, ગણિત છોડીને ભાગી જવાનું વિચારતું હોય ત્યાં તો ફરી લાલચ આપવામાં આવે. “જો તારી બર્થ-ડેના દિવસે તને 12 આન્ટીઓ બે-બે ચોકલેટો આપે તો તારી પાસે કેટલી ચોકલેટો થાય ?”
ટેણિયું ફરી લલચાય… ત્યાં તો ભાગાકારનો ટોર્ચર ચાલુ થાય. “તારી પાસે 12 ચોકલેટો હોય અને તારા 6 ફ્રેન્ડઝને તારે એ ચોકલેટો સરખા ભાગે વહેંચવાની હોય તો…”
ટુંકમાં, બિચારું બળક કદી જ નથી શકતું કે ‘ટિચર, પહેલાં 12 ચોકલેટો તો આપો ?’
અચ્છા, અહીં સુધી તો જિંદગીના પ્રેક્ટિકલ સવાલો સાથે પનારો પાડવામાં આવે છે પણ પછી અચાનક આ મેથ્સ એબ્સર્ડ થવા માંડે છે : “જો એક મજુર એક ખાડો છ દિવસમાં ખોદી શકતો હોય તો છ મજુર એ ખાડોકેટલા દિવસમાં ખોદી કાઢે ?”
આ તો મોટા થયા પછી ખબર પડે છે કે મેડમ, એ મજુરો મ્યુનિસિપાલીટીના છે કે ‘મનરેગા’ના એની ઉપર ડિપેન્ડ કરે છે. જો મ્યુનિ.ના હશે તો છ દહાડા સુધી ખાડો ખોદ્યા જ કરશે અને ‘મનરેગા’ના હશે તો ખાડો ત્યાં હશે જ નહિ ! એ તો માત્ર પેપર ઉપર હશે !
આગળ જતાં પૂછશે કે ‘જો એક ટાંકીને ખાલી થતાં 6 કલાક લાગે અને ભરાતાં 4 કલાક લાગે તો બન્ને નળ ચાલુ રાખતાં એ ટાંકી ક્યારે ભરાઈ રહે ?’
જો ટેણિયું જવાબમાં એમ લખે કે “અમારે ત્યાં પાણી અડધો કલાક માટે જ આવે છે અને ટાંકીમાં તો પડતું જ નથી એમાં તમે ક્યાં 6 કલાક અને 4 કલાકની ફાડો છો ?”… તો એ નાપાસ થાય, કે નહિં ? બોલો.
હજી વાંચતા વાંચતા તમને જો એમ લાગતું હોય કે ગણિત તો બહુ મજેદાર સબ્જેક્ટ છે તો માત્ર એક અઠવાડિયું રાહ જુઓ. આવતા બુધવારે અમારો લેખ વાંચીને તમને ભાન થશે કે આ મેથ્સે આપણા લાખો યુવાનોનાં દિમાગની કેવી પથારી ફેરવી નાંખી છે. જસ્ટ વેઈટ.
e-mail : mannu41955@gmail.com
સાવ સાચુ
ReplyDelete