રાજકુમાર હિરાની પ્રેઝન્ટ્સ ... PM મોદી !


જો મોદી સાહેબની બાયો-પિક ‘સંજુ’ના ડિરેક્ટર રાજકુમાર હિરાની બનાવે તો ?

ગયા વખતે આપણે જોયું કે મોદી સાહેબની લાઈફ-સ્ટોરીનું પુસ્તક લખવાનું બીડું સોનાક્ષી સિંહા ઝડપે છે પરંતુ એ અમેરિકન NRI છે, એ ‘નરેન્દ્ર’ને બદલે ‘નારેન્ડ્રા’ અને ‘હિન્દુત્વ’ને બદલે ‘ઈન્ડુટ્વા’ બોલે છે !

મોદી સાહેબ ગુસ્સે થઈને કહે છે કે તું જ્યાં સુધી મારું નામ સરખી રીતે બોલતાં નહિ શીખે ત્યાં લગી હું તને ઈન્ટરવ્યુ નહિ આપું !

પણ સોનાક્ષીએ અમેરિકન પ્રકાશક પાસેથી 1 મિલિયન ડોલર એડવાન્સમાં લઈ લીધા છે   એટલે તે સ્ટોરીની શોધમાં વડનગર જઈ પહોંચે છે. જ્યાં તેની મુલાકાત મોદીનાં મમ્મી હિરાબા સાથે થઈ જાય છે…

***

હિરાબા તેને નરેન્દ્રના બાળપણના કિસ્સાઓ કહેવા માંડે છે…

એકવાર નિશાળમાં માસ્તરે પૂછ્યું કે “જો એક કુલ્લડમાં 120 ml ચા રહી શકે તો એક લિટર દૂધમાંથી કેટલા કુલ્લડ ચા બને ?”

આખો ક્લાસ ભાગાકાર કરી કરીને અપૂર્ણાંકમાં જવાબ આવતો જોઈને ગોથાં ખાતો હોય ત્યાં નરેન્દ્ર ફટ દઈને કહે છે “સાહેબ, 12 કુલ્લડ ચા તો આરામથી બને !”

સાહેબ કહે “એવું બને જ શી રીતે ?” ત્યારે નરેન્દ્ર કહેતો “કેમ સાહેબ, દૂધમાં પાણી નહીં ઉમેરવાનું ?"

***

નાનો નરેન્દ્ર વીસનગરના વેપારીને પણ જબરું ગણિત ગણાવતો.

“જુઓ, મેં તમને 100 રૂપિયા આપ્યા. એમાંથી મેં 50 રૂપિયાની ચા લીધી એટલે તમારી પાસે મારા 50 રૂપિયા વધ્યા, બરોબર ?

હવે એમાંથી મેં 25 રૂપિયાની ખાંડ લીધી એટલે તમારી જોડે 25 રૂપિયા વધ્યા, બરોબર ?

પછી મેં 12 રૂપિયાનો ગરમ મસાલો લીધો. એટલે વધ્યા 13  રૂપિયા, બરોબર ?

એમાંથી 5 રૂપિયાની ઈલાયચી લીધી. એટલે વધ્યા 8 રૂપિયા ઠીક છે ?

હવે તમે મને 2 રૂપિયા બસ-ભાડાના આપો, એટલે બાકી બચ્યા 6… બરોબર ? તો હવે 50+25+13+8+6 = કેટલા થયા?”

પેલો વેપારી સ્લેટમાં ગણત્રી માંડે એ પહેલાં નરેન્દ્ર મોઢે ગણીને કહી દેતો : “કુલ થયા 102 રૂપિયા ! એટલે તમારી પાસે મારા બે રૂપિયા જમા ! બરોબર ? આવતા વખતે હિસાબમાં ગણી લેજો !”

પેલો વેપારી ગોથાં જ ખાયા કરે કે સાલા, 100 રૂપિયાના 102 રૂપિયા શી રીતે થઈ ગયા ?

- ટુંકમાં સોનાક્ષી સમજી જાય છે કે આવું ‘વાયબ્રન્ટ ગણિત’ નરેન્દ્રભાઈને બાળપણથી જ આવડતું હતું !

***

બાળપણની આખી વાર્તા લઈને સોનાક્ષી ફરી મોદી સાહેબ પાસે જાય છે અને કહે છે “ડેખો, મૈં ટુમારા નામ ઠીક સે બોલ સકટી હું… નરેન્દ્ર… મોદી !”

મોદી સાહેબ કહે છે “ઐસે નહીં, પુરા નામ બોલો… નરેન્દ્ર દામોદરદાસ મોદી !”

આમાં ફરી સોનાક્ષી લોચા મારે છે “ડામોડાર્રડા… ડમોડર્ડાસ… ડામોડાર્ડાઝ…”

મોદી સાહેબ તતડી ઉઠે છે “જ્યાં સુધી મારા પિતાજીનું નામ સરખી રીતે બોલતાં ના આવડે ત્યાં સુધી હું તમારી જોડે વાત પણ નહીં કરું !”

બોલો, હવે ? સોનાક્ષી મુંઝાઈ જાય છે. ત્યાં એને પેલો ચલતા પૂરજા જેવો ગાઈડ કહે છે “ મેડમ, મોદી સાહેબ સાધુ બનવા માટે હિમાલયમાં ગયા હતા. તમે બદ્રીકેદાર જાઓ ! ત્યાં એમના એક જુના હરિયાણવી દોસ્ત હજી સાધુ બનીને બેઠા છે…”

***

ફરી લોચો એ થાય છે કે સોનાક્ષી ‘બાડ્રી-કે-ડાર’ને પહેલાં તો "બદરી કા ડર" સમજે છે ! પછી બદ્રીનાથ અને કેદારનાથ ને એક જ ગામડું સમજીને ગોથાં ખાતી રહે છે !

ટેક્સી ડ્રાઈવર એને બદ્રીનાથ લઈ જાય તો કહે છે "ઈડર કિડાર કીડર હાય?" ટેક્સી ડ્રાઈવર એને કેદાર નામના માણસ પાસે લઈ જાય તો કહે છે "નંઈ બડરી ઔર કિડાર એક સાટ હોના મંગટા..."

છેવટે એ માંડ માંડ હિમાલયમાં પહોંચે છે જ્યાં પેલો હરિયાણવી દોસ્ત મળી જાય છે. એ હસમુખો સાધુ મોદી સાહેબની સ્ટોરી કહેવાને બદલે સતત હરિયાણવી જોક્સ ફટકારતો રહે છે. (કોમેડી ચાલુ રહેવી જોઈએ ને ?)

સોનાક્ષી કંટાળે છે, “સ્વામીજી, સ્ટોરી કહોને ?”

સાધુ કહે છે “મેડમજી, આપ એક કામ કરો. 2002 સે લેકર 2014 તક કે સારે અખબાર લે લો. ઉસ મેં જો ભી છપા હૈ, ઉસ કા ઉલ્ટા સોચ કે ઇસ્ટોરી લિખ ડાલો… બાકી રાજકુમાર હિરાની સંભાલ લેંગે !”

“વો કૈસે ?...”

“મેડમજી, મિડીયા તો ગલત હી હોવે હૈ ના ? ઔર યે બાત હિરાની સે બેહતર કોણ જાને હૈ ?”

- મન્નુ શેખચલ્લી

Comments