આપણા મહેસાણાવાળા બકાને ઇંગ્લીશ ફિલ્મોમાં જે દેખાય છે એ ભલભલા ઓક્સફર્ડ યુનિ.માં ભણેલાઓને નથી દેખાતું !
આ વખતે બકો MIB (મેન ઈન બ્લેક) international જોઈ આવ્યો છે ! જુઓ, તે શું કહે છે ?...
***
મન્નુભઈ, હાહરોં ઇંગ્લીશ પિચ્ચરોનાં નોંમ ચમ આવા અવળચંડા રાખતા હશે ? ના ના, તમે મને કહો, આ ‘મીબ’ એટલે શું ? હેં ?
હાહરું આખા પિચ્ચરમોં મને ચ્યોંય એ ‘મીબ’ જોવા જ ના મલ્યું !
હા, એમની મોટી દૈત ઓફિસમોં કારા કોટ પે’રીને બે ડઝન લોકો ઓંયથી ત્યોં હેંડ હેંડ કરતા ’તા. કદાચ, એ કારા કોટવારા જ ‘મીબ’ બશે ! ભગવોંન જોંણે...
મન્નુભઈ, પિચ્ચરની સ્ટોરીમોં તો આપડોં ને બઉ હમજ ના પડી પણ એક વસ્તુ જોવા જેવી સુ હતી, કે કઈ જગ્યાનો છેડો ક્યોં નેંકરે ઈની ખબર જ ના પડે...
એફિલ ટાવરની લિફ્ટ ભોંયરામાં જાય, ને ત્યોં આગળ મોટો હોલ નેંકરે, હોલનાં બારણોં ખૂલે તો હાહરું આકાશગંગા જેવું અજવાળું નેંકરે, ને મોંયથી કોંક અવળચંડુ પ્રોંણી નેંકરે...
મન્નુભઈ, આટલેથી અટકતું હોત તો હમજ્યા, પણ આખા પિક્ચરમોં આવું જ હેંડ્યે રાખે છે... હિરો-હિરોઈન કોઈ જુની કારમોં બેહે તો કાર ઊંડા કૂવામોં ઉતરી જાય ! ત્યોં કૂવાનું બાયણું ખૂલે તો અંદર મોટો ડિસ્કો હોલ નેંકરે... ! !
હિરોઈન હાઈ-વોલ્ટેજ વાળી જાળી કને આઈને ઊભી રે’ એ જાળીમોં કબૂતરોં જાય તો તરત હળગી જાય, પણ હિરોઈન ઈમોં મુઢું ઘાલે તો અંદર ફેકટરીને બદલે ‘મીબ’ની ઓફિસ નેંકરે...
હજી આગળ હોંભરો, હિરોઈન ખખડી ગયેલી સબ-વે ટ્રેનના ડબ્બામોં બેહે, ત્યોં તો ડબ્બો સુપર-હાઈ-જેટ વાળી લોંબી કાર બની જાય, ને પછી એ જ કાર હવામોં ઉડતું વિમોંન બને... છેલ્લે હાહરું સ્પેસમોં ઉડતું અવકાશયોંન બની જોંય !
મું કઉ છું, મન્નુભઈ, આપડે ત્યોં એવું કોંક કરો ને, કે રોડમોં ભૂવો પડ્યો હોય ઈમોં ઉતરીયે તો શીધા રેલ્વે સ્ટેશને... ને ત્યોંથી રાજધાની એક્સપ્રેસમોં બેહીયે કે તરત વગર વિઝાએ અમેરિકા પોંકી જઈએ !
***
મન્નુભઈ, આપડાવારા દેશીઓ ઇંગ્લીશ પિક્ચરો જોઈને અમથા અમથા ઓહોહો... કરે છે. બાકી, ઈમોંય લોચા-લાપશી તો હોય જ છે...
દાખલા તરીકે, આ ‘મીબ’મોં એક ફેરી હિરો ને હિરોઈન એક હાઈ-ફાઈ બાઈક પર બેહીને ભાગી છૂટે છે... આ બાઈક પિક્ચરનોં બીજોં વાહનની જેમ હવામોં ઉડવા મોંડે છે... અને છેક અરબસ્તાનના રણમોં જઈને પડે છે !
ચલો, હમજ્યા, પણ એ પછી દેખાડ્યું છ કે ચારે બાજુ માઈલોના માઈલો લગી રેતી જ રેતી છ... અને હોંજ પડી તાણે હિરોઈને લાકડાંનું તાપણું હળગાયું છે !
અલી બઈ, આવડા મોટા રણમોં ક્યોંય ઝાડ તો શું, ઝોંખરું ય નહીં ઊગતું, ત્યોં તું આટલાં લાકડાં ચોંથી લાઈ ?
બીજું, પેલા ખતરનાક પરગ્રહવાસી વિલનોને લંડનમોં કોઈ એક ઓંખવારા જાડીયા પ્રોંણીને મારી નોંખવું ’તું, તો હાહરાઓ છેક આરબ દેશના કોઈ નોંના અમથા શહેરમોં શું લેવા ઉતર્યા ? ડાયરેક્ટ લંડનમોં ના ઉતરાય ?
***
મન્નુભઈ, આ કારા કોટવારા મેઈન વાત તો હમજતા જ નથી...
એમની કને એક ગેસ-લાઈટર જેવી સ્ટીલની ટોર્ચ છે.. ઇનોં ઝબકારો કરે કે તરત હોંમેવારાની આખી મેમરી ભૂંસઈ જાય છે...
તો મું કઉં છું કે હાહરીના વિલન હોંમે જ એ બેટરીના ઝબકારા કરોને ? પેલો ડોબો ભૂલી જ જાય કે અલ્યા, આપડે પૃથ્વી ઉપર આયા ’તા શું લેવા ?
બોલો, ફટ લઈને ‘ધી એન્ડ’ ના આઈ જાય ?
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment