આવો, 'ખાડા ગીતો' ગાઈએ...


ચોમાસું બેઠું નથી કે જ્યાં જુઓ ત્યાં ખાડા જ ખાડા..

અમદાવાદ જેવા શહેરમાં તો ભૂવાઓ પણ પડે છે પરંતુ એમાં ખાસ વરાયટી નહીં ! જ્યારે ખાડાઓમાં તો નાના ખાડા, મોટા ખાડા, પહોળા ખાડા, સાંકડા ખાડા, ઊંચા ખાડા, છિછરા ખાડા, ભીના ખાડા, સુકા ખાડા.. તમે માગો એ સાઈઝ અને ફ્લેવરમાં ખાડાઓ ઉપલબ્ધ છે.

વાહનચાલકો તોબા પોકારી જાય છે પણ સત્તાવાળાઓનાં પેટનો ખાડો, સોરી, ખાડાનું પાણી પણ હલતું નથી. આમાં ને આમાં ઠેકડા મારતાં અને ઠેબાં ખાતાં અમે ખાડાઓની ગીતમાલા બનાવી કાઢી છે.

(સાથે સાથે ગાશો તો વધારે મઝા પડશે !)

***

સૌથી પહેલાં તો સૌ રાહદારીઓને ચેતવણી આપવા માટે ગાવું પડે :

“તૂ જહાં જહાં ચલેગા, તેરા ખાડા સાથ હોગા… તેરા ખાડા.. તેરા ખાડા…”

***

ઉપરવાળો પણ આકાશમાંથી નીચે જોઈને વિચારતો હશે કે આટલા બધા ખાડા ક્યારે થઈ ગયા ?

“ખુદા ભી આસમાં સે જબ જમીં પર દેખતા હોગા… નયે ખાડેકો કબ કિસને બનાયા, સોચતા હોગા…”

(જોડે જોડે ગાવાનું ચાલુ રાખો, યાર !)

***

આ તરફ મ્યુનિસિપાલીટીવાળા તો જાણે આ તમામ ખાડા શહેરના સૌંદર્યમાં વધારો કરવા માટે બનાવ્યા હોય તેમ આનંદપૂર્વક લલકારી રહ્યા છે…

(ફિલ્મ : સ્વદેશ, યે તારા વો તારા હર તારા…ની ધૂનમાં ગાવું.)

“યે ખાડા, વો ખાડા, હર ખાડા… હમ કો લગે હૈ પ્યારા ખાડા ! લંબા-ચૌડા, યા ગહેરા, યા ટેઢા, હરકોઈ ખાડા હૈ નિરાલા… યે ખાડા, વો ખાડા, હર ખાડા…”

(જોયું ? ‘ખાડા-ટુરિઝમ’ની જિંગલ જેવું લાગે છે ને ?)

***

આમાં બિચારા સરકારી કોન્ટ્રાક્ટરો પણ શું કરે ? એમનું તો કામ જ છે ખાડા ખોદવાનું ! સૌ કોન્ટ્રાક્ટરો એમના સુપરવાઈઝરો અને મજુરો સાથે કોરસમાં ગાય છે…

(જો વાદા કિયા વો નિભાના પડેગા…ની ધૂનમાં)

“જો ખાડા કિયા વો, વહીં પે રહેગા… રોકે ગટરલાઈન ચાહે રોકે પાની કી લાઈન.. ખાડા તો પડેગા !”

***

બિચારી નાની નાની પાણીની પાઈપલાઈનો તો જાણે કંઈ હિસાબમાં જ નથી ! કંઈ કેટલીયે કપાઈ જાય કે તૂટી જાય… કોઈને પડી જ નથી. આ બિચારી નાની પાઈપલાઈનો ખાડાને રિક્વેસ્ટ કરે છે…

(ભૈયા મેરે, રાખી કે બંધન કો નિભાના…ની ધૂનમાં)

“ખાડા મેરે ! આહાહા…. ખાડા મેરે ! છોટી પાઈપ કો ના ભૂલાના !”

***

બીજી બાજુ સુધરાઈ તંત્રના અધિકારીઓ મક્કમ છે. તેઓ મજુરોને આદેશ આપે છે…

(યે વાદા કરો ચાંદ કે સામને…ની ધૂનમાં)

“યે ખાડા કરો, રોડ કે સામને, ભૂવા તો ન હોગા મેરે રોડ મેં !”

***

એક સાંઈઠ વરસના કાકા બિચારા ચાલતાં ચાલતાં ખાડામાં ગબડી પડ્યા ! એમણે શ્રાપ આપતા હોય તેવી રીતે સંભળાવ્યું…

(વાદા તેરા વાદા, વાદે પે તેરે મારા ગયા…ની ધૂનમાં)

“ખાડા તેરા ખાડા, ખાડા તેરા ખાડા, ખાડે મેં તેરે આ કે ગિર પડા, બુઢ્ઢા મેં સીધા સાદા… ખાડા તેરા ખાડા !”

***

અંતમાં અમને પ્રખ્યાત ગુજરાતી પંક્તિઓ સુઝે છે…

મને એ જોઈ, હસવું હજારો વાર આવે છે, ‘ખાડે ગયેલું’ તંત્ર, જ્યાં ખાડા વધારે છે !”

***

- મન્નુ શેખચલ્લી

Email: mannu41955@gmail.com

Comments