ડામરની લ્હાય બળતી સડકની બાજુમાં એક મામૂલી થાંભલાવાળું બસ-સ્ટોપ છે.
બસ સ્ટોપની બાજુમાં એક ભાઈએ ચાર થાંભલા રોપીને, એની ઉપર કપડું બાંધીને માંડવો ઊભો કર્યો છે. બાજુમાં બોર્ડ માર્યું છે :
“છાંયડો ભાડે મળશે. 10 મિનિટના 10 રૂપિયા.”
***
છાપામાં ટચૂકડી જાહેરખબર છપાઈ છે :
“શહેરના પ્રખ્યાત એરકન્ડીશન્ડ શો-રૂમમાં પટાવાળાની જગા ખાલી છે… જલદી કરો… વહેલો તે પહેલો ! પગાર : શૂન્ય રૂપિયા. ભથ્થું : રોજના ચાર ગ્લાસ ઠંડુ પાણી મળશે.”
***
ટીવીમાં બ્રેકિંગ ન્યુઝ
બપોરના સમયે સૂમસામ ટ્રાફિકમાં પૂરઝડપે જઈ રહેલો ટેમ્પો પલટી ખાઈ ગયો… ટેમ્પામાં બરફની પાટો હતી… ખબર ફેલાતાં જ મચેલી લૂંટફાટ… પોલીસ ઘટનાસ્થળે પહોંચે તે પહેલાં મુદ્દામાલનું થઈ ગયેલું બાષ્પીભવન….
***
અણીદાર ખીલ્લાવાળા આસન પર બેઠેલા બાવાને એખ નટખટ છોકરો કહે છે :
“આમાં શું ધાડ મારી ? જો હિંમત હોય તો ભરબપોરે ડામરની સડક ઉપર અડધો કલાક બેસી બતાડો !”
***
એક ફોરેનનો ટુરિસ્ટ આવીને ભરબપોરે રસ્તામાં ઊભેલા કોઈ અમદાવાદીને પૂછે છે :
“વ્હેર ઈઝ ધ લૂ ?”
બિચારાને પેશાબ કરવી હશે. પણ અમદાવાદી બેફિકરાઈથી કહે છે :
“લૂ ઈઝ એવરીવ્હેર !”
- આમાં બિચારો ટુરિસ્ટ ‘જાય’ ક્યાં ?
***
કાળઝાળ ગરમીમાં સૂમસામ રોડ ઉપરથી એક બાઈકવાળો આવી રહ્યો છે.
નજીક આવે ત્યારે ખ્યાલ આવે છે કે તે ઓન-લાઈન ફૂડની ડિલીવરી કરનારો માણસ છે.
તે એક ઘરે જઈને ડોરબેલ વગાડે છે.
અંદરથી એક બહેન દરવાજો ખોલે છે. ડિલીવરી બોય કહે છે :
“તમે ઓનલાઈન આઈસ્ક્રીમ ઓર્ડર કર્યો હતો ને ? લાવો, એક જગ આપો. એટલે એમાં આઈસ્ક્રીમ રેડી દઉં !”
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment