આ વખતના વર્લ્ડ-કપમાં અમને લાગે છે કે 10ને બદલે 11 ટીમો રમી રહી છે ! જી હા, એ અગિયારમી ટીમ છે, વરસાદ !
જ્યારે કોઈ મહત્વની મેચમાં વરસાદ તૂટી પડે ત્યારે તમે ઘેલસઘરા ક્રિકેટ-પ્રેમીઓને જોયા છે ? થોડી થોડી વારે મોબાઈલ ચેક કરશે : ‘ચાલુ થઈ કે નહિ ?’
(આટલી અને ‘આવી’ ચિંતા તો પોતાની કોલેજની સૌથી મસ્ત બ્યુટી-ક્વીન માટે ય નહિ કરી હોય !)
એમાં જો વળી ન્યુઝ એલર્ટ મળે કે ‘થોડી જ વારમાં અંપાયરો ‘મુઆઈના’ માટે નીકળવાના છે.. ’ કે તરત આ ક્રિકેટ ક્રેઝીઓ બધું પડતું મૂકીને ટીવી સામે એ રીતે ગોઠવાઈ જશે...
...કે જાણે હમણાં જ એમના કરોડપતિ સસરાનો ડોક્ટર આઈસીયુમાંથી બહાર આવીને ખબર આપવાનો હોય કે ‘ફિકર મત કરો, કુછ હી દેર મેં હોંશ મેં આ જાયેંગે…’
અમને વિચાર આવે છે કે પેલા અંપાયરો જ્યારે મેદાનમાં ‘મુઆઈના’ કરવા નીકળે છે ત્યારે જે મહા બોરિંગ કોમેન્ટ્રી આવે છે… ‘દેખતે હૈં… ક્યા ફૈસલા કરતે હૈં…’ વગેરેની જગાએ જરા રસપ્રદ કોમેન્ટ્રીઓ કેમ ના હોવી જોઈએ ? જેમ કે –
“…. આખિરકાર… અંપાયરો કી જોડી મૈદાન મેં ઉતર ચુકી હૈ… દેખના યે હૈ કિ વો લોગ પિચ કા મુઆઈના ઓવર ધ વિકેટ કરેંગે ? યા રાઉન્ડ ધ વિકેટ ?”
સાથે સાથે ‘કાગનું બેસવું અને ડાળનું પડવું’ ટાઈપના જે આંકડાઓ ક્રિકેટ મેચ વખતે સાંભળવા મળતા હોય છે એવું પણ કંઈક ભભરાવો ! જેમ કે –
“દેખિયે, જબ ભી કોઈ મુખ્ય ખિલાડી ચોટિલ હોતા હૈ… (ચોટિલ એટલે ઈજાગ્રસ્ત, ભઈલા !) ઉસ કે તીસરે હી મેચ મેં બારિશ જરૂર હોતી હૈ ! આંકડે બતા રહે હૈ કિ ઐસા પૈંતિસવીં બાર હો રહા હૈ !”
તમને થશે કે યાર, તે કંઈ આંકડા હોતા હશે ? પણ તમે જ કહો….
‘ફલાણો ખેલાડી, ફલાણા દેશ સામે, છઠ્ઠા ક્રમાંકે રમતાં, ફોલોઓન થયા પછી, બીજી ઈનિંગમાં કેટલી વાર નોન-સ્ટ્રાઈકર એન્ડ ઉપર રન-આઉટ થયો છે…’ એ જાણવાથી તમારા મહા-જ્ઞાનમાં શું મોટો વધારો થઈ જાય છે ?
એટલે જ, અમે કહીએ છીએ કે મેદાનમાં ‘મુઆઈના’ પણ કોમેન્ટ્રીમાં સંભળાવો ! જેમ કે…
“દેખિયે, મિડ-વિકેટ એરિયા મેં ગ્રાઉન્ડ જિતના ગીલા હુઆ હૈ, ઉસ કે મુકાબલે શોર્ટ-થર્ડ-મેન એરિયા કા જો ગિલાપન હૈ, વો અમુમન કમ નજર આતા હૈ… (અમુમન એટલે કોનું મન ? અમને ય નથી ખબર !) ઇસલિયે મુઝે લગતા હૈ કિ બાંયે હાથ કે બલ્લેબાજ કો દાહિને હાથ કે ગેંદબાજ સે રન ચુરાને મેં મુશ્કીલેં હો સકતી હૈં !”
ઓ ભાઈ ! આવું વાંચીને માથાના વાળ ના ખેંચો !
દરેક મેચ શરૂ થવાના એક કલાક પહેલાં જે ‘પિચ-રિપોર્ટ’ના નામે પિષ્ટ-પેષણો થાય છે તે આવાં જ હોય છે !
તમને થતું હશે કે આવું બધું સાંભળવા કોણ નવરું હોય છે ?
તો સાંભળી લો, સાહિત્ય પરિષદના વાર્ષિક સંમેલનમાં મંચ ઉપરથી જે ‘મધ્યકાલિન સાહિત્યની વ્યાકરણ મીમાંસા’નું લેકચર ચાલતું હોય છે, તેના શ્રોતાઓ કરતાં પિચ-રિપોર્ટના ઓડિયન્સની સંખ્યા 1170 ગણી હોય છે !
ચાલો, વરસાદની કોમેન્ટ્રી ઉપર પાછા આવીએ. અમારું સૂચન છે કે વરસાદનું પણ ‘એનાલિસિસ’ થવું જોઈએ…
“દેખિયે, પિછલે ઉન્નીસ મિનિટ સે જો બારિશ પૈંતિસ ડીગ્રી કે એંગલ સે ગિર રહી થી ઉસ મેં અબ અચાનક સે બદલાવ આ ગયા હૈ…
...હવા ને જિસ તરહ સે અપના રૂખ બદલા હૈ, ઉસ હિસાબ સે કહીં ન કહીં યે લગ રહા હૈ કિ બારિશ કી બુંદો ને રિવર્સ સ્વીંગ કરના શુરુ કર દિયા હૈ ! પા’જી આપ કો ક્યા લગ રહા હૈ, ઇસ સે ક્યા ફરક પડેગા ?”
હવે પેલો એક્સપર્ટ તરીકે બેઠેલો ‘પા’જી’ (કોઈ પંજાબી પ્લેયર) શું કહેશે ?
“દેખિયે, હમારે જમાને મેં તો જબ બારિશ હોતી થી, હમ તો પકૌડે ખાને કે લિયે બૈઠ જાતે થે !”
- આ તો સારું થયું કે જે દિવસે ધોધમાર વરસાદ થયો એ જ દિવસે યુવરાજે નિવૃત્તિ જાહેર કરી (એમાં આખો દહાડો યુવરાજ સિંહના કિસ્સાઓ સાંભળવા મળ્યા) નહિતર આ લોકો ‘પકોડા’ના કિસ્સા પણ છ-છ કલાક સુધી ચલાવી શકે એવા છે.
***
- મન્નુ શેખચલ્લી
e-mail : mannu41955@gmail.com
Comments
Post a Comment