થોડા સમય પહેલાં અમદાવાદમાં કૂતરાંઓની વસ્તી ગણત્રીના આંકડા બહાર પડ્યા હતા. કહે છે કે અમદાવાદમાં અઢી લાખ જેટલાં કૂરતાં છે !
આ જ વાત ઉપર આપણા ડોબા-સમ્રાટો લલ્લુ-બલ્લુ શું કહે છે ?
***
લલ્લુ : (માથું ખંજવાળતાં) "ગજ્જબ કહેવાય નંઈ ? અઢી…. લાખ… કૂતરાં… ? કેવી રીતે ગણ્યાં હશે ?"
બલ્લુ : (દસ મિનિટ વિચાર્યા પછી) "આલેલે, કેલક્યુલેટરથી વળી !"
***
લલ્લુ : "કિયે છે કે આ કૂતરાં ગણવા માટે સેમ્પલ પધ્ધતિ અપનાઈવી ’તી ! તો ઈ સેમ્પલ પધ્ધતિ શું હૈશે ?"
બલ્લુ : "એમાં કાંઈ મોટી વાત નથી… દરેક એરિયાના લાઈટના થાંભલા ઉપરથી પેશાબનાં સેમ્પલું લીધાં હૈશે… પછી ટોટલ મારી દીધું હૈશે !”
***
લલ્લુ : "આ અઢી લાખ કૂતરાંવ ને અમદાવાદની કઈ કંપની હૌથી ફેવરીટ હૈશે ?"
બલ્લુ : "સીધી વાત છે, ટોરેન્ટ પાવર…"
લલ્લુ : "કાં ?"
બલ્લુ : "ગાન્ડા… બચાડા કૂતરાંવ માટે આખા શહેરમાં આટલા બધા થાંભલા બીજા કોણે ઊભા કઈરા છે ?"
***
(બલ્લુ છેલ્લા બે કલાકથી વિચારમાં ને વિચારમાં ઊભો છે.)
લલ્લુ : (આવીને પૂછે છે) "એલા, ક્યારનો શું વિચાર કર છ."
બલ્લુ : "આ ચૂંટણીના રિઝલ્ટુમાં કાંઈ ગડબડ લાગે છે."
લલ્લુ : "શી રીતે ?"
બલ્લુ : "કૂતરાંવને ઈની ગંધ આવી ગઈ છે !"
લલ્લુ : "શું વાત કર છ ?"
બલ્લુ : "હાસ્તો ! જો ને, કે દિ’ના પૂછ પૂછ કરે છે… હાઉ ? હાઉ ? હાઉ ?"
***
(લલ્લુ બે કલાકથી એક કૂતરું પકડવા માટે દોડાદોડી કરી રહ્યો છે પણ કૂતરું પકડાતું નથી.)
બલ્લુ : (આવીને પૂછે છે) "એલા, ક્યારનો કૂતરું પકડવા આટલી દોડાદોડ શીદને કર છ ?"
બલ્લુ : "શું કરું ? મારા બાબાને નિશાળમાંથી લેસન દીધું છે કે કૂતરા ઉપર નિબંધ લખી લાવો…"
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment