ચૂંટણીના પરિણામો આવ્યાં પછી અમુક લોકોની બોલતી બંધ થઈ ગઈ છે ! અમુક લોકો ઘીસ ખાઈ ગયા છે ! અમુક સજ્જનોને તો ડિપ્રેશન આવી ગયું છે !
આવી મૌસમમાં કેટલાક નવા માનસિક રોગો ફાટી નીકળ્યા છે...
***
સાઈલેન્સિયા
આ રોગમાં જીભ તાળવે ચોંટી ગઈ હોવાનો ભ્રમ થાય છે. એક ચોક્કસ નેતાની સતત ટીકા કરનારા લોકોની જીભ ઉપર આ રોગની વધારે અસર દેખાય છે.
આ રોગનું બીજું નામ ‘મૌન-મોહ-નિયા’ પણ કહેવાય છે.
***
ડિપ્રે-શૂન્યતા
આ રોગ દેશના અગ્રણી ઈન્ટેલેક્ચ્યુઅલ્સને થયો છે. એમને ડિપ્રેશન તો આવી જ ગયું છે પણ જોવાની વાત એ છે કે એમના વિચારો પણ શૂન્ય બની ગયા છે.
જ્ઞાની લોકો માને છે કે ‘ડિપ્રે-શૂન્યતા’ રોગનું મૂળ કારણ
‘વિચાર-શૂન્યતા’ નામનો જુનો હઠીલો રોગ હોય છે.
***
ડીપ-ટોલરન્સ
જે લોકોએ 2015ની આસપાસ ‘ઈન્ટોલરન્સ’ નામના રોગની શોધ કરી હતી. એમના મસ્તિષ્કમાં આજકાલ ગહન-સહનશીલતા યાને કે ‘ડીપ-ટોલરન્સ’ની ભયંકર પીડા થઈ રહી છે, કારણ કે આ પરિણામો એમણે મુંગે મોઢે સહન કરવાં પડે છે.
***
આર્ગ્યુ-મેથ્સ
મોટાભાગના હતાશ બુદ્ધિજીવીઓમાં અમુક બિન-હતાશ લોકો છે જેમનું ગણિત હજી પાવરફુલ છે !
આંકડાઓ વડે તેઓ એવું સાબિત કરવાની કોશિશ કરે છે કે જે પાર્ટીને 58 ટકા સીટો મળી છે તેમને દેશના ‘માત્ર 37 ટકા’ લોકોના વોટ મળ્યા છે, પરંતુ જે પાર્ટીને 9.7 ટકા સીટો મળી છે તેના ‘જનાધાર’માં ખાસ્સો ’22 ટકાનો ધરખમ’
વધારો થયો છે !
***
નોસ્ત્રા-ડૂમસ
નોસ્ત્રાડોમસ નામના ભવિષ્યવેતાની જેમ આ રોગના દરદીઓને ભારતનો ‘ડૂમ્સ-ડે’ યાને કે ‘રસાતાળ-દિવસ’ દેખાઈ રહ્યો છે.
નેતાઓને બહુમતી ભલે ચૂંટણી જીતાડતી હોય, આ મનોરોગીઓને બહુમતીનો જ ડર ઘૂસી ગયો છે !
***
મેચ્યોરીટી-ફેઈલ્યર
આ તો સિમ્પલ છે. જેને તેઓ ‘મેચ્યોર’ માનતા હતા એ જ ‘બાબો’ નીકળ્યો !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment