ટાટા-અંબાણી શું છે
આસપાસ તો જુઓ…
ભારતના લલ્લુ-પંજુ
સુપર-રીચ બની ગયા છે !
***
પહેલાં હતાં ‘બેલેન્સ’
માત્ર સ્વીસ બેન્કોમાં…
હવે લલ્લુ-પંજુના મોબાઈલોમાં
‘બેલેન્સ’ થઈ ગયાં છે !
***
‘ક્રેડિટ’ હતી તો કોની ?
જેના ઠાઠ-માઠ હતા.
આજે લલ્લુ-પંજુનાં
‘ક્રેડિટા’ કાર્ડો થઈ ગયાં છે !
ભારતના લલ્લુ-પંજુ
સુપર-રીચ બની ગયા છે…
***
‘ધીરાણ’ લઈને ફરનારા
શેઠીયાઓ જ હતા...
‘દેવું’ કરે તે પાર્ટી
સાહસિક ગણાતી ભાઈ…
આજે લાખ-લાખની લોન
રીક્ષાવાળા લઈ ફરે છે
ઉપરથી 15 લાખનું ‘લેણું’
હર નાગરિક માગી રહ્યો છે !
ભારતના લલ્લુ-પંજુ
સુપર-રીચ બની ગયા છે…
***
કાર ચલાવે બોસ
કર્મચારી તો સ્કુટરીયું,
એ જમાના ગયા
બોસના ઠાઠ છો રહ્યા…
લલ્લુ હવે સો રૂપિયામાં
‘ઓલા-ઉબેર’ મંગાવે છે !
ભારતના લલ્લુ-પંજુ
સુપર-રીચ થઈ ગયા છે !
***
‘દાનેશ્વરી’ હતા
મોટા નગરશેઠો
તકતી લાગતી ’તી
તેઓના નામની…
આજે ‘ડોનેશન’આપી આપી
મિડલ-ક્લાસિયાઓ
એડમિશન લઈ રહ્યા છે !
ભારતના લલ્લુ-પંજુ
સુપર-રીચ બની ગયા છે…
***
500 રૂપિયાનો પિત્ઝા
ને 50 રૂપિયાની ટીપ
ઔકાત ક્યાં હતી
લલ્લુ અને પંજુની ?
આજે પાંચ જણા મળીને
‘ઓનલાઈન’ મંગાવે છે !
પિત્ઝા તો આવે જ છે
10ની ટીપ પણ આપે છે !
ભારતના લલ્લુ-પંજુ
સુપર-રીચ બની ગયા છે…
***
ત્રણસોની ટિકિટ
દોઢસોનું પોપ-કોર્ન
ભલેને ખર્ચે
મલ્ટિપ્લેક્સમાં જનારા…
એ જ ફિલ્મનું ‘પ્રિમિયર’
જોઈ નાંખે છે મોબાઈલમાં !
ભારતના લલ્લુ-પંજુ
સુપર-રીચ થઈ ગયા છે…
***
હજારો અનુયાયી
ભલે ગુરુ-સ્વામીઓના
સેંકડો તાળી-મિત્રો
તાલેવંત નબીરાના…
આજે બસ્સો ‘ફોલોઅર’ છે
લલ્લુના ટ્વીટરમાં !
ને ત્રણસો ‘ફ્રેન્ડઝ’ છે
પંજુની ફેસબુકમાં !
ભારતના લલ્લુ-પંજુ
સુપર-રીચ બની ગયા છે…
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment