કમનસીબી આ ઉનાળે
કેવી કઠોર નીકળી ?
એક તો કવિ
સડક પર આવી ગયા,
ઉપરથી ચંપલ પણ
ચોરાઈ ગઈ !
***
સદ્ નસીબ અન્ય કવિનું
જુઓ, કેવું ‘કુલ’ છે...
અપ્સરાઓ ચોતરફ છે
AC છે, બ્યુટિ પાર્લરમાં ...
પિયુનની નોકરી મળી છે !
***
આજકાલ સૌ આપણે
કરોડપતિઓ થઈ ગયા...
જ્યાં જ્યાં જઈને બેસીએ
ત્યાં ત્યાં ‘હોટ-સીટ’ છે !
***
નામ ચીતરાવ્યાં છે, જુઓ
બાંકડા ઉપર સાંસદોએ
કેવા કેવા લોકો 'ચોંટે' છે...
પાછળ, આ ઉનાળામાં !
***
ઉકળાટભરી એ રાત હતી
ને લાઈટ પણ ચાલી ગઈ,
મીણબત્તી શોધી જલાવવા
પણ, ગરમીથી જ પીગળી ગઈ !
***
ઘેરો ક્યારે ઢીલો થશે
આ ઉનાળાનો ?
ચોરો સૌ ACમાં છે
ને પોલીસ તડકે ઊભી છે !
***
ઉનાળાનો બાપ પણ
મોટો કોઈ ટ્રસ્ટી હશે,
નહિતર કોણ અપાવે
લાખો રૂપિયાવાળી...
આટલી બધી ‘ડિગ્રીઓ’ !
***
ઉટી, મનાલી, શ્રીનગરની
કવિને યાદ આવી જાય છે
ધાબે સૂતાં જ્યારે લહેરખી
લૂંગીમાં ઘુસી જાય છે !
***
ભૂલો ભલે બીજું બધું
ઉનાળાને ભૂલશો નહિ
ઠંડી લસ્સી, મીઠી કેરી,
ને બરફગોળા રંગ-બિરંગી !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment