ઇંગ્લેન્ડના પ્રેક્ષકોને સૂચના ...


આજે વર્લ્ડ-કપમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મેચ છે અને આજે સૂચનાઓ ઇંગ્લેન્ડના પ્રેક્ષકોને આપવાની છે…

***

જો તમારી પાસે સ્ટેડિયમની ટિકીટ હોય તો કોઈ ઇન્ડિયનને વેચી મારો !

- આર્થિક ફાયદો તો થશે જ, ઉપરથી માનસિક યાતનામાંથી બચી જશો….

***

સ્ટેડિયમમાં જ બેસીને મેચ જોવી હોય તો કાનમાં રૂનાં પુમડાં અગાઉથી ખોસીને જજો !

- ક્યાંક પૂમડાં ખોસતાં કેમેરામાં ઝડપાઈ જશો તો બહુ ‘વાઈરલ-નામોશી’ થશે…

***

સીટના પૈસા ભલે ચૂકવ્યા હોય પણ ‘બેસી રહેવાથી’ તો પૈસા પડી જશે !

- કારણ કે લહેરાતા તિરંગા, નાચતા ઇન્ડિયનો અને બોલે બોલે ઊભા થઈ જતી  ભીડમાંથી મેદાન તો દેખાશે જ નહીં…

***

તમે ઇન્ડિયામાં 200 વરસ રાજ ભલે કર્યું પણ એક જ ભૂલ કરી !

- અમને ક્રિકેટ રમતાં શીખવાડી દીધું !

***

ચીસાચીસ, બૂમાબૂમ, ઘાંટાઘાટી, કિકિયારીઓ, ઢોલ-નગારાં, મંજીરાં, નારાબાજી, હાય… હાય…., વાહ… વાહ… આ તમામ ઘોંઘાટથી અકળાઓ નહીં…

- ક્રિકેટ એ જેન્ટલમેન ‘ખેલાડીઓની’ રમત છે, જેન્ટલમેન ‘પ્રેક્ષકોની’ નહીં !

***

જો તમે એમ વિચારીને મનમાં રાજી થતા હો કે ટિકિટોની કમાણી તો ઇંગ્લેન્ડની છે, તો તમે ખાંડ ખાઓ છો !

- કારણ કે એમાં 50 ટકા કમાણી ICCની છે અને ICC ઉપર ઇન્ડિયનોનો જ કબજો છે !

***

સ્ટેડિયમમાં પાકિસ્તાની પ્રેક્ષકોને શી રીતે ઓળખશો ?

- ઇંગ્લેન્ડની વિકેટ પડી જાય પછી તમામ નાચ-ગાના શાંત પડી ગયા હોય છતાં જે લોકો હજી ઉછળ-કૂદ કરતા દેખાય એ જરૂર પાકિસ્તાનીઓ હશે !

***

અને હા, મેચ દેખતે દેખતે હમેરા ઢોકળા, થેપલા, ભજીયા, વડા વગેરે ખાતે જાના… હોં ?

***

- મન્નુ શેખચલ્લી

 

Comments