ભારતની ટીમ કેસરી જર્સીઓ પહેરીને ઈંગ્લેન્ડની ટીમ સામે વર્લ્ડ કપની મેચ રમે ???
કોંગ્રેસે આનો સખત વિરોધ કર્યો છે. એમનું માનવું છે કે ભાજપવાળા જ્યાં ને ત્યાં એમનો કેસરીયો રંગ ઘૂસાડી રહ્યા છે !!
વાત સાચી છે. અમે તો કહીએ છીએ કે કોંગ્રેસે તમામ મોરચે ભાજપની આ ચાલ ઉપર પ્રતિબંધ મુકવો જોઈએ ! જેમ કે...
***
સૌથી પહેલાં તો કોંગ્રેસીઓ જે ખેસ પહેરે છે એમાં તિરંગાના રંગોમાંથી કેસરી રંગ તાત્કાલિક ધોરણે કાઢી નાંખવો જોઈએ !
- આ તો છેક હમણાં ખબર પડી કે દેશના તિરંગામાં કેસરી રંગ ઘૂસાડી દેવાની આખી ચાલ છેક 1947માં રમાઈ ગઈ હતી !
***
બીજું, કોંગ્રેસી નેતાઓ ભૂલેચૂકે ચૂંટણી જીતી જાય ત્યારે એમને ગલગોટાનાં ફૂલોનો હાર પહેરાવવો નહીં !
અરે, રાહુલબાબાનો જન્મદિવસ હોય કે સોનિયાજીનો બર્થ-ડે, આપણે ગલગોટાના હાર હરગિઝ નહીં પહેરાવવાનાં !
એ તો ઠીક, પણ 10, જનપથ બંગલાના ગાર્ડનમાં જે કોઈ કેસરી રંગના ફૂલો દેખાશે તેનો તાત્કાલિક ધોરણે નાશ કરી નાંખવામાં આવશે !
- ભાજપનું કાવત્રુ છેક કુદરત સુધી પહોંચેલું છે !
***
હવેથી જ્યારે આપણે આવી ફાલતુ બાબતો માટે ઉપવાસ ઉપર ઉતરીએ ત્યારે ‘પારણા’ કરવા માટે ‘ઓરેન્જ જ્યુસ’ પ્રતિબંધિત ગણાશે !
***
ટેક્સ્ટ-બુકોમાં પણ ‘O ફોર Orange’ કાઢી નાંખવાની ઝુંબેશ ચલાવાશે !
- એના કરતાં ‘O ફોર Owl’ (ઘુવડ) શું ખોટું છે ? આખી આપણી ઘુવડનિતી (વાસ્તવિક્તા સામે આંખો મીંચી રાખવાની) એ કોંગ્રેસની જ પેદાશ છે ને !
***
અચ્છા, જુનાગઢ વિસ્તારના કોંગ્રેસીઓ ખાસ ધ્યાન આપે ! તમારે આજ પછી ક્યારેય ‘કેસર’ કેરી ખાવાની નથી !
***
આમ તો કેરીનો રસ પણ કેસરી રંગનો જ હોય છે. (જોયું ? આ ભાજપિયાઓ ક્યાં ક્યાં ઘૂસી ગયા છે !) માટે સૌ કોંગ્રેસીઓ કેરીના રસનો બહિષ્કાર કરશે !
***
અને હા, પેલી ‘કેસરી’ નામની ફિલ્મ તો કોઈએ જોવાની જ નહોતી...
બાય ધ વે, ‘લીલી’ નામની ફિલ્મ આવે તો ફરજિયાત જોવાની છે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment