મેચ માટે નવી સુચનાઓ !


આજે વર્લ્ડ-કપ ટુર્નામેન્ટમાં ભારતનો મુકાબલો વેસ્ટ-ઈન્ડિઝ સામે થવાનો છે.

આ મેચ માટે અગાઉની (પાક. સામેની) મેચ માટે જે સૂચનાઓ આપી હતી એનું પાલન તો કરવાનું જ છે, પણ આજે ‘નવી’ સૂચનાઓ સમજી લો….

***

પ્રેક્ષકોને સૂચના

પાકિસ્તાન સામેની મેચ જોવા માટે તમે જ્યાં બેઠા હતા કે ઊભા હતા, એ જગ્યા આજે બદલવાની નથી !

***

વરસાદ ન પડે એ માટેની પ્રાર્થનાઓ ‘ચાલુ રાખવાની’ છે કારણ કે ગયા વખતની પ્રાર્થનાઓ ફળી છે !

***

જો તમારી ત્વચાનો રંગ ડાર્ક હોય તો મહેરબાની કરીને મરુન રંગનું ટી-શર્ટ પહેરીને પાનને ગલ્લે મેચ જોવા ઊભા રહેવું નહીં… ભારતની વિકેટ પડે ત્યારે માર પડી શકે છે !

***

વરસાદની શક્યતાઓ અહીં ગુજરાતમાં છે ! માટે ફટાકડાનો સ્ટોક પ્લાસ્ટિકની કોથળીમાં સાચવીને રાખવો…

અને હા, બહાર વરસાદ પડતો હોય ત્યારે ભલે રેઈનકોટ પહેરીને ફટાકડા ફોડવા જાઓ, પણ ઘરમાં ફટાકડા ફોડવાનું રીસ્ક લેવું નહીં !

***

પંટરોને સૂચના

જ્યાં સુધી ધોની ઠીચૂક-ઠીચૂક રમીને બોલ બગાડતો હોય ત્યાં લગી ‘ઇન્ડિયા-વિન’ ઉપર શરતો લગાડવી નહીં !

***

ધોની ધડાધડ ઝૂડવા માંડે ત્યારે પણ જોશમાં આવીને ‘ઈન્ડિયા-વિન’ ઉપર શરત મારવી નહીં, કારણ કે ધોનીનો કોઈ ભરોસો નહિ ! નેકસ્ટ બોલે આઉટ પણ થઈ જાય !

***

કોમેન્ટેટરોને સૂચના

“અગર ઈન્ડિયા કો જીતના હૈ…” “અગર ઈન્ડિયા કો જીતના હૈ….” સતત આવો ટીટીયારો કરવો નહીં !

શટ અપ યાર, ઈન્ડીયા કો જીતના હી હૈ !

***

ધોની, કોહલી, રોહિત જેવા બેટ્સમેનો બેટિંગ કરતા હોય ત્યારે “મહાન ખિલાડી કી યહી પહેચાન હૈ…” એમ કહીને વખાણોના ઢગલા ના કરો !

મારા બેટાઓ તમે વખાણ કરો એના બીજા જ બોલે આઉટ થાય છે !

***

- મન્નુ શેખચલ્લી

 

Comments