1975 થી 1985ના દશકામાં આપણા પ્રેક્ષકોને ‘આર્ટ’ ફિલ્મો જોવાનો ચસકો લાગ્યો હતો. આનાં બે કારણો હતાં.
એક તો ‘આપડે બહુ ઇન્ટેલીજન્ટ છીએ’ એવી છાપ પડતી હતી અને બે, થિયેટરમાં જઈને ઊંઘી જવું હોય તો ઉનાળાની બપોરમાં આ ફિલ્મો બહુ સસ્તી પડતી હતી ! (અપર સ્ટોલના માત્ર 1 રૂપિયો 40 પૈસા)
આ ફિલ્મોની સૌથી મોટી ખાસિયત એ હતી કે તેમાં ક્યારેય બહુ જાહેરખબરો નહોતી આવતી છતાં એસ્પ્રો, એનાસિન, ડિસ્પ્રીન જેવી માથાના દુઃખાવાની ગોળીઓના ધરખમ વેચાણમાં આ ફિલ્મોનો બહુ મોટો ભવ્ય ફાળો હતો.
ફિલ્મની શરૂઆત થાય એની વીસ વીસ મિનિટ સુધી કંઈ થાય જ નહિ ! કાં તો કોઈ ખટારો દૂ...રથી આવતો હોય, આવતો હોય, આવતો હોય... અને પછી આવીને પસાર થઈ જતો હોય !
અથવા ફિલ્મનો હીરો (જે મેકપ વિનાનો હોય અને ‘કમ્પલસરી દાઢીવાળો’ હોય) તે ટ્રેનમાંથી ઉતરે, પછી ચાલતો... ચાલતો... ચાલતો... પોતાના નાનકડા ગામડાનાં ઘરમાં પહોંચે... અને પછી ? ચોકડીમાં બેસીને પટ્ટાવાળી ચડ્ડી પહેરીને લોટે લોટે ન્હાય !
સાલું, ઘણી વખતે તો ના કેમેરા હલે, ના પાત્રો હલે, ના એમના હોઠ હલે... બસ આપણે જ અકળાઈને સીટમાં બેઠાં બેઠાં (માંકડ ના કરડતા હોય છતાં) ઊંચાનીચા થયા કરવાનું !
આ ફિલ્મોનો મેઈન સિધ્ધાંત શું હતો, ખબર છે ? કોઈપણ હિસાબે પ્રેક્ષકોનું ‘મનોરંજન’ તો થવું જ ના જોઈએ !
ગાયન, ડાન્સ કે ફાઈટ તો ના જ હોય પરંતુ કોઈએ એક વાક્ય એવું નહીં બોલવાનું જેનાથી તમને ત્રણ મિલિમીટરનું સ્માઈલ આવી જાય !
અમે ‘આક્રોશ’ નામની એક ફિલ્મ જોવા ગયા હતા. એમાં નસીરુદ્દીન શાહ ‘કમ્પલ્સરી દાઢીવાળો’ વકીલ છે એના ઘરમાં એક ટ્રાન્ઝિસ્ટર રેડિયો છે. એ ક્યારેક ક્યારેક રેડિયો ચાલુ પણ કરે છે ! પણ હરામ છે કે એમાં કોઈ દહાડો એકેય ફિલ્મી ગાયન આવતું હોય !
અરે, ફિલ્મી છોડો સુગમ સંગીત પણ નહીં ! સાલું, એ વકીલ એનો રેડિયો દિવસે ચાલુ કરે કે રાત્રે... એમાંથી હંમેશા ‘શાસ્ત્રીય’ સંગીત જ આવતું હોય ! (એ પણ સળંગ સાત સાત મિનિટ લગી – કોઈ રડવા જેવા અવાજે ‘ગાતું’ હોય ! તમારું મગજ પાકી જાય પછી જ વકીલની બારીમાં પથરો પડે અને કાચ ફૂટવાનો અવાજ આવે !)
આવી ‘આર્ટ’ ફિલ્મોમાં એક્ટિંગ કરવાની એક અનોખી ફોર્મ્યુલા હતી. એ ફોર્મ્યુલાનું નામ છે : ‘મગ ઈન ધ માઉથ’ !
જી હા, તે સમયના તમામ મહાન અભિનેતાઓ અને અભિનેત્રીઓ અભિનય કરતી વખતે મોંમાં મગ ભરી રાખતા હતા ! કોઈએ કશું બોલવાનું જ નહીં ! ક્યારેક ના છૂટકે, ‘સ્ટોરીની ડિમાન્ડ’ હોય ત્યારે પણ માત્ર એક જ ટુંકુ વાક્ય બોલવાનું ! (આખું રિવર્સ તંત્ર હતું... કોમર્શિયલ ફિલ્મોમાં ‘સ્ટોરીની ડિમાન્ડ’ હોય ત્યારે વસ્ત્રો ટુંકા થઈ જતા હતા, અહીં સંવાદો !)
એ જમાનામાં આવનારી આર્ટ ફિલ્મો ‘અઘરી’ તો હતી જ, પણ અઘરી ફિલ્મોની ‘મા’ કહેવાય એવી ‘મહા-અઘરી’ ફિલ્મો બનાવનારા બે મહાન ડિરેક્ટર હતા. એક મણિ કૌલ અને બીજા કુમાર સાહની.
તમે આગલા જનમમાં સાત સાત બાળહત્યાનાં પાપ કર્યાં હોય તોજ તમને આ જનમમાં એમની ‘મહા-આર્ટ’ ફિલ્મોની સજા મળે ! (એમાંનો હું એક પાપી ખરો.) આગલા જનમમાં મેં શું પાપ કર્યા હશે તેની ખબર નથી પણ NIDમાં ભણતા હતા ત્યારે કુમાર સહાનીની ‘માયા દર્પણ’ નામની ફિલ્મ બતાડવામાં આવી હતી.
અમારી કોલેજના ઓડિટોરીયમમાં બેસીને આખી ફિલમ જોયા પછી મને તો શું, અન્ય મહા-ઈન્ટેલીજન્ટ સ્ટુડન્ટોને પણ કંઈ ટપ્પી પડી નહીં ! અમે સૌ ઓડિટોરીયમની બહાર નીકળતા હતા ત્યારે પ્રોજેક્ટર રૂમમાં બેસીને ફિલ્મનાં રીલ ચલાવનારો હસુ નામનો નટખટ ઓપરેટર બારણે ઊભો હતો. એ ખડખડાટ હસતાં કહી રહ્યો હતો :
“મૈં ને પિક્ચર કે રીલ અદલ બદલ કર ડાલે થે ! કિસી કો પતા હી નહીં ચલા... હા હા હા !”
જોકે મારું આજે પણ માનવું છે કે ‘માયા દર્પણ’ને જેટલા એવોર્ડ મળ્યા એનાથી ડબલ સંખ્યામાં એવોર્ડ જરૂર મળ્યા હોત... જો કુમાર સાહનીએ આ હસુનું ‘અદલા-બદલી’વાળું વર્ઝન ફિલ્મ ફેસ્ટિવલોમાં મોકલ્યું હોત !
- મન્નુ શેખચલ્લી
હાહાહાહા..... મને દૂરદર્શન પર એક વખત '27 ડાઉન' એવા નામવાળી ફિલ્મ જોયેલી એવું યાદ આવે છે. એ ફિલ્મમાં હિરો ટ્રેઇનમાં સેકન્ડ ક્લાસમાં સાઈડ અપર બર્થમાં સૂતો હોય એવું 20 મિનિટ લાંબુ દ્રશ્ય હતું, જેમાં દર 3 મિનિટે એ નીચેવાળા પેસેન્જરને એવું પૂછયે રાખે, 'ફિર કોઈ પૂલ હૈ ક્યા?'....હાહાહોહોહાહા
ReplyDelete